હિન્દ ન્યુઝ, છોટાઉદેપુર
આદિજાતિ ઉત્કર્ષને કેન્દ્ર સ્થાને રાખીને કેન્દ્ર-રાજ્ય સરકારની પ્રજાલક્ષી યોજનાઓનો લાભ આદિવાસી સમુદાયના ઘરઆંગણે પહોંચાડી રહેલી વિકસિત ભારત સંકલ્પ યાત્રા બોડેલી તાલુકાના નાનીબુમડી પહોંચી હતી. આ તકે ગ્રામજનોએ સંકલ્પ રથને ઉષ્માભેર આવકાર આપી લોકકલ્યાણકારી યોજનાની માહિતી અંગેની શોર્ટફિલ્મ નિહાળી હતી. વધુમાં ગ્રામજનોએ વિકસિત રાષ્ટ્રના નિર્માણની સામુહિક પ્રતિજ્ઞા કરી હતી.
આ તકે ઉપસ્થિત મહાનુભાવોએ પણ ગ્રામજનોને સરકારની પ્રત્યેક યોજનાકીય માહિતીની જાણકારી રાખવા તેમજ યોજનાનો લાભ લઈને વંચિત લાભાર્થીઓને જાગૃત કરવાનો અનુરોધ કર્યો હતો. ઉલ્લેખનીય છે કે, જિલ્લાના ગામેગામ ભ્રમણ કરી રહેલી સંકલ્પ રથનો એક માત્ર આશય છેવાડાના માનવીને કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ આપીને તેમની જીવનસ્તરને સુધારવાનો છે.
‘મેરી કહાની, મેરી જુબાની’ કાર્યક્રમ અંતર્ગત યોજનાકીય લાભો થકી જીવનમાં આવેલા બદલાવ અંગે લાભાર્થીઓએ પોતે પોતાના અનુભવોને ગ્રામજનો સમક્ષ રજૂ કરીને સરકારની તમામ યોજનાઓનો લાભ લેવા પ્રેરિત કર્યા હતા. વધુમાં કાર્યક્રમ સ્થળે લાગેલા બેનરો, પોસ્ટરોના માધ્યમથી પણ ગ્રામજનો સરકારની વિવિધ યોજનાઓની માહિતીથી વાકેફ થયા હતા.
આ કાર્યક્રમ વેળાએ બોડેલી તાલુકા વિકાસ અધિકારી, જિલ્લા-તાલુકાના સંબંધિત વિભાગના અધિકારી-કર્મચારીઓ, લાભાર્થીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા.
