ગોબરધન અર્થવ્યવસ્થા અને ભૂમિ સંરક્ષણ દેશી ગાયના સંવર્ધન થકી જ શક્ય બનશે – કેન્દ્રીય મંત્રી રૂપાલા

હિન્દ ન્યુઝ, રાજકોટ

   મત્સ્ય અને પશુપાલન વિભાગના કેન્દ્રીય મંત્રી પુરૂષોત્તમ રૂપાલાએ આજે રાજકોટમાં રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે દેશના સૌ પ્રથમ ગૌ આધારિત વૈશ્વિક રોકાણ શિખર સંમેલન અને પ્રદર્શન – ‘‘ગૌ-ટેક ૨૦૨૩’’નો શુભારંભ કરાવ્યો હતો. આ તકે તેમણે કહ્યું હતું કે, “દૂધની જેમ ગોબર આધારિત ઈકોનોમી-ગોબરધન ઈકોનોમી વિકસી રહી છે. ગોબરધન અર્થવ્યવસ્થા અને ભૂમિ સંરક્ષણ દેશી ગાયના સંવર્ધન થકી જ શક્ય બનશે. સમગ્ર દુનિયામાં ધરતીની ફળદ્રુપતા ઘટી રહી છે,ત્યારે તેનું નિરાકરણ દેશી ગાયના ગોબર અને ગોમૂત્ર થકી જ શક્ય બનશે. સમગ્ર ધરતીને ફરીથી ઊર્જાવાન બનાવવા માટે દેશી ગાયના શરણે આવવું જ પડશે”. આ તકે કેન્દ્રીય મંત્રીએ ગૌ આધારિત પ્રોડક્ટના ઓનલાઈન સેલિંગ માટેના પોર્ટલ જી.સી.સી.આઈ. સ્ટોરનું પણ રિમોટથી વિમોચન કર્યું હતું. કેન્દ્રીય મંત્રી રૂપાલાએ જણાવ્યું હતું કે, કૃષિપ્રધાન દેશ ભારતમાં ઘઉં, ચોખા, મકાઈનું પૂરતું ઉત્પાદન થાય છે અને તેની નિકાસ પણ થાય છે. દેશમાં ઉત્પાદિત થતા ઘઉં, ચોખા, મકાઈના કુલ મૂલ્ય કરતાં દૂધનું મૂલ્ય વધારે છે. દેશમાં નવ લાખ કરોડ રૂપિયાનું દૂધ ઉત્પાદન થાય છે.” તેમણે કહ્યું હતું કે, “રાજકોટમાં એક સમયે ખેતી માટે વિવિધ એન્જિન બનતા હતા. આજે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પ્રાકૃતિક ખેતી તરફ પાછા વળવા માટે દેશ-દુનિયાને અપીલ કરી રહ્યા છે. ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ પ્રાકૃતિક ખેતી અને સજીવ ખેતીની આહલેક જગાવી છે, ત્યારે રાજકોટમાં આયોજિત ગૌ-ટેકથી પ્રાકૃતિક કૃષિ ક્રાંતિનો પાયો નંખાઈ રહ્યો છે”. તેમણે કહ્યું હતું કે, “ગાયના દૂધની સાથે હવે ગો-મૂત્ર અને ગોબરનું પણ ખરીદ અને વેચાણ થવા લાગ્યું છે. આમ ગાય આજીવન આવક આવતું પ્રાણી બની છે. સમગ્ર સચરાચરમાં ગાય એકમાત્ર એવું પ્રાણી છે, જેના મળ-મૂત્ર પવિત્ર છે, એ સાંસ્કૃતિક માન્યતા સાથે હવે તેને વૈશ્વિક સ્તરે વૈજ્ઞાનિક રીતે પણ સિદ્ધ કરવાનો સમય આવી ગયો છે.” આ તકે જી.સી.સી. આઈ.ના સ્થાપક ડૉ. વલ્લભભાઈ કથીરીયાએ જણાવ્યું હતું કે, “વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી આત્મ નિર્ભર ભારત, મેઈક ઈન ઈન્ડિયા, સ્ટાર્ટઅપ ઈન્ડિયા તેમજ આત્મનિર્ભર ગૌશાળા પર ભાર મુકી રહ્યા છે, ત્યારે ગૌ-ટેક આ તમામને સંયુકત રીતે સાકાર કરતો અનોખો એક્સ્પો છે. સમગ્ર દેશમાં અનેક લોકો ગૌ આધારિત ઉત્પાદનોનું છૂટક છૂટક વેચાણ-સંસોધન કરતા હતા. તેને આ એક્સ્પો અંતર્ગત એકમંચ પર લાવવામાં આવ્યા છે.” પાના નં. ૨ પર પાના નં. ૨ કર્ણાટકના પૂર્વ રાજ્યપાલ વજુભાઈ વાળાએ જણાવ્યું હતું કે, “નરેન્દ્રભાઈ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે ગુજરાતમાં ગાયના રક્ષણ માટે ગૌવંશ હત્યા વિરોધી કાયદો લાવ્યા હતા. જેમાં આકરી સજાની જોગવાઈઓ કરાઈ હતી પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જણાવ્યું હતું કે, “આ એક અનોખો એક્સ્પો છે.
ગાય એ માત્ર સાંસ્કૃતિક કે ધાર્મિક દ્રષ્ટિએ જ આપણી માતા નથી પણ આર્થિક ઉપાર્જન કરીને આપણું જતન કરનારી માતા છે.” ઈફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ જણાવ્યું હતું કે, “ગૌ આધારિત ટેક્નલોજી અને ઉત્પાદનો થકી મોટી રોજગારીનું સર્જન કરી શકાય તેવું આ એક્સ્પોમાં જોવા મળ્યું છે.” આ કાર્યક્રમમાં પૂર્વશિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. જ્યારે એસ.જી.વી.પી. ગુરુકળના વરીષ્ઠ સંતશ્રી પૂજ્ય માધવપ્રિય દાસજી સ્વામી તથા વરીષ્ઠ સંતશ્રી સ્વામી પરમાત્માનંદજીએ આશીર્વચન પાઠવ્યા હતા. રાજકોટમાં આગમન બાદ કેન્દ્રીય મંત્રી રૂપાલાએ સૌ પ્રથમ ગૌ-ટેક એક્સ્પોના વિવિધ સ્ટોલ્સની મુલાકાત લઈને નિરીક્ષણ કર્યું હતું. આ કાર્યક્રમમાં સાંસદશ્રી રામભાઈ મોકરિયા, ધારાસભ્યશ્રી રમેશભાઈ ટીલાળા અને પ્રદ્યુમનસિંહ જાડેજા, પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, પ્રણામી સંપ્રદાયનાશ્રી કૃષ્ણમણીજી તેમજ અન્ય સંતગણ, પૂર્વ ધારાસભ્ય ગોવિંદભાઈ પટેલ, રાજકીય-સામાજિક-ધાર્મિક તેમજ સહકારી ક્ષેત્રના અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગૌ આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના હેતુથી રેસકોર્સ ગ્રાઉન્ડ ખાતે ૨૪ થી ૨૮ મે દરમિયાન ‘ગૌ ટેક’ (ગૌ આધારિત વૈશ્વિક રોકાણ શિખર સંમેલન અને પ્રદર્શન)નું આયોજન ગ્લોબલ કન્ફેડરેશન ઓફ કાઉ બેઝડ ઇન્ડસ્ટ્રીઝ (જી.સી.સી.આઈ.) દ્વારા કરવામાં આવ્યું છે. જેમાં દેશભરમાંથી ૨૦૦થી વધુ ઉદ્યમીઓ જોડાયા છે.

Related posts

Leave a Comment