હિન્દ ન્યુઝ, કાલાવડ
જામનગર જિલ્લાના કાલાવડ ખાતે દર વર્ષની જેમ આ દિવાળીનાં પર્વ પહેલા નગરનાં જાહેર માર્ગો પર ઠેર ઠેર ગેરકાયદેસર અને સરકારના નિયમોને નેવે મૂકી ફટાકડાઓનું ધૂમ વેચાણ કરવામાં આવે છે અને આ ફટાકડા માફિયાઓ પોતાની ગેર કાયદેસર હાટડીઓ ખોલી પરવાના અને ફાયર ઇકુપ્મેંટ્સ વગર ખુલ્લે આમ લોકોનો જીવ જોખમાય એવી રીતે ફટાકડાનું વેચાણ કરવામાં આવી રહ્યું છે.
“હિન્દ ન્યુઝ’ દ્વારા ગત બે દિવસ અગાઉ આ ગેરકાયદેસર ફટાકડા નો કાલાવડમાં વેચાણ થતું હોવાનું અને આ ફટાકડા માફિયાઓ દ્વારા તંત્રનો ડર રાખ્યા વગર અને રાજકીય વગ રાખી બેફામ બની ગેર કાયદેસર ફટાકડા વેચતા હોવાનો અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ અને જામનગર એસ.પી. સાહેબશ્રીને આ અંગે ડો. સીમાબેન પટેલ દ્વારા માહિતગાર કરાતા કાલાવડ ટાઉન પોલીસ અને મામલતદારશ્રી ની સંયુક્ત ટીમ દ્વારા આ ફટાકડા માફિયાઓ સામે લાલ આંખો કરવાના ભાગરૂપે ગત બે દિવસ અગાઉ આવી ગેરકાયદેસર અને અગ્નિ શામક યંત્ર ન રાખતા વેપારીઓને ત્યાં ચેકિંગ કરાતા ચારથી વધુ વેપારીઓને ઝડપી પાડ્યા હતા અને કેટલાક વેપારીઓ દ્વારા તેઓએ પરવાના માટે નોંધણી કરાવ્યા હોવાનું અને આ નોંધણી બાદ તેઓને સમયસર પરવાના મળ્યા ન હોવાનું પોલીસ અને મામલતદારને જણાવી તંત્રના આંખમાં ધૂળ નાખી હાલ પણ યથાવત રીતે ફાયર સેફટી ઇક્યુમેન્ટસ અને પરવાના વગર ગેરકાયદેસર ફટાકડાઓનું વેચાણ કરી રહ્યા હોવાનું દેખાઈ રહ્યું છે.
જોકે અહીં ખાસ ઉલ્લેખની વાત એ છે કે સરકારશ્રી ના નિયમો અનુસાર કાલાવડમાં ઠેર ઠેર જાહેરમાં મંડપ અને દુકાનોમાં ફટાકડાઓનું વેચાણ કરતા વેપારીઓએ પાલિકા અને પોલીસ પાસેથી પરવાના મેળવવાના હોય છે અને ફટાકડા નું વેચાણ શરૂ કરતાં પેહલા નિયમ મુજબ નગરપાલિકા હસ્તકના ફાયર બ્રિગેડ, એસ્ટેટ તથા હેલ્થ વિભાગની પણ એન.ઓ.સી. લેવી પડતી હોય છે. આ એન.ઓ.સી. અને પોલીસ અભિપ્રાય બાદ જે તે વિભાગીય શાખા દ્વારા ફટાકડા વેચાણનો પરવાનો આપવામાં આવતો હોય છે. નગરના જાહેર માર્ગો ઉપર ખુલેલી હાટડીઓમાં મહત્તમ ટીનના શેડમાં નહી પરંતુ કાપડના મંડપ નીચે ઉભી કરવામાં આવી છે. ફટાકડા વેપારીઓને એન.ઓ.સી. મેળવવા માટે ફાયર વિભાગ દ્વારા અમુક શરતો લાદી છે. આ શરતોમાં મુખ્યત્વે ફટાકડાઓનું વેચાણ કરવામાં આવતી જગ્યાએ રેતીના ભરેલા થેલા, પાણી ભરેલી ડોલો, કાયમી ફટાકડા વેચતા વેપારીઓએ પાકું ચણતર અને દુકાનમાં કન્સિલ વાયરીંગ તેમજ આ ફટાકડાઓનું વેચાણ થતી દુકાનોની આજુબાજુમાં ચાની કીટલી, વેલ્ડીંગ વર્ક, હોટલ-રેસ્ટોરન્ટ હોવી જોઈએ નહીં અને વધુમાં ફટાકડાઓની દુકાનોમાં ચોક્કસ આંકડાઓમાં રેતીની થેલીઓ, ચોક્કસ પ્રમાણ માં પાણીની માત્રા મૂકવી પણ જરૂરી હોય છે અને તંત્ર દ્વારા મંજૂર કરેલી માત્રાથી વધુ પ્રમાણમાં દારૂગોળો રાખી ન શકવાના નિયમોનું ચુસ્તપણે પાલન કરવાનું જણાવવામાં આવે છે. સરકારી નિયમો અનુસાર ગેરકાયદેસર ફટાકડા વેચતા વેપારીઓની આવી ગેરકાયદેસર દુકાનો તંત્ર દ્વારા ઝડપી પાડવામાં આવે તો તમામ ગેરકાયદેસર દારૂગોળો જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી કરવાની હોય છે. કાલાવડ શહેરના જાહેર માર્ગો પર શરૂ કરવામાં આવેલ ફટાકડાની મહત્તમ દુકાનો ટીન શેડમાં નહીં પરંતુ કાપડના મંડપ નીચે ઉભી કરવામાં આવી છે અને આ મામલે સત્તાધીશો આંખમીચામણા કરતા હોવાનું દેખાઈ રહ્યું છે.

નગરપાલિકા અને જે તે તંત્ર દ્વારા ફટાકડાના વેપારીઓને ફક્ત એન.ઓ.સી. અને પરવાનાઓ આપવા આવતા હોય છે. જે ફટાકડા વેપારીઓને પરવાના ન મળ્યા હોય અને આવા ગેરકાયદેસર ફટાકડા માફિયાઓ વિરુદ્ધ કાર્યવાહી કરવાનું કામ તંત્ર અને પોલીસનું હોય છે.
કાલાવડ નગરપાલિકા પાસે અને નજીકના વિસ્તારમાં ફટાકડાનું વેચાણ કરતા દુકાનોની આસપાસ સંખ્યાબંધ નાસ્તાઓ અને રેસ્ટોરન્ટ્સ આવેલી છે અને કાયદાકીય રીતે કોઈપણ ફટાકડાના વેપારીઓ આવી કોઈ પણ જગ્યાએ જાહેરમાં ફટાકડાનું વેચાણ ન કરી શકે તો પછી આ ફટાકડા માફિયાઓ ખુલ્લેઆમ પોલીસના ડર વગર અને નિયમોનો છળેચોક ધજાગરા ઉડાડી લોકોના જીવ જોખમાય એ રીતે ગેરકાયદેસર ફટાકડા નો વેચાણ કરતા હોય તો પોલીસે તાત્કાલિક ધોરણે આ ફટાકડાઓનું વેચાણ બંધ કરાવી લોકોના જીવ ન જોખમાય તે માટે કાયદેસરની કાર્યવાહી તાત્કાલિક હાથ ધરવી જોઈએ.

પરવાના વગર અને પુરતા પ્રમાણમાં ફાયર સેફ્ટી ઇક્યુમેન્ટ્સ વગર ફટાકડાં વેચાણ કરતા ફટાકડાં માફીયાઓ વિરુદ્ધ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી કરવામાં નહી આવે અને જો કોઈ જાનહાની થવા પામશે તો આ જાનહાની ની જવાબદારી કોના શિરે???
તો શું કાલાવડ ટાઉન પોલીસ મથકના ઇન્ચાર્જ પી.એસ.આઇ. એચ.બી.વાડવીયા આ અંગે યોગ્ય તપાસ હાથ ધરી ફાયર સેફ્ટી ઇંક્યુમેન્ટ અને પરવાના વગર ખુલ્લે આમ લોકોના જીવ જોખમાય એ રીતે ફટાકડાઓનું વેચાણ કરતા કહેવાતા ફટાકડા માફિયાઓની શાન ઠેકાણે લાવશે ? એ હવે જોવું રહ્યું !!!

