હિન્દ ન્યુઝ, ભુજ
આસો નવરાત્રિ પર્વની ઉજવણી કચ્છ જિલ્લામાં આગામી તા ૨૬/૦૯/૨૦૨૨ થી તા.૦૪/૧૦/૨૦૨૨દરમિયાન તથા તા.૦૫/૧૦/૨૦૨૨ના દશેરા તહેવાર ઉજવવામાં આવનાર છે. આ તહેવારો દરમિયાન શહેરી વિસ્તારોમાં જિલ્લા બહારથી, રાજય બહારથી જાણીતા ઓરકેસ્ટ્રા ગ્રુપોને બોલાવી એન્ટ્રી પાસ રાખી અથવા આમંત્રણ પત્ર છપાવી અને કોમર્શીયલ પ્રકારના સ્પર્ધાત્મક રાસ-ગરબાના કાર્યક્રમો મોટા પાયે આયોજન થતું હોય છે. જેથી આવા મોટા પાયે કોમર્શીયલ અને સાર્વજનિક રીતે યોજવામાં આવતા દાંડીયા રાસ, ગરબા, મ્યુઝીકલ નાઇટના કાર્યક્રમ યોજતી સંસ્થાઓએ હાલની સલામતીની પરિસ્થિતની દ્રષ્ટિએ જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે અને કોઇ અનિચ્છનીય બનાવ બનવા ન પામે તથા એકત્રિત માનવ મેદની વગેરે બાબતે ચોકસાઇ અને તકેદારી રાખી શકાય તે માટે અધિક જિલ્લા મેજિસ્ટ્રટ મિતેશ પંડયાએ એક જાહેરનામું બહાર પાડી તમામ પ્રકારના ગરબાઓ મોડામાં મોડા રાત્રીના ૧૨-૦૦ વાગ્યા સુધી જ ચાલુ રાખી શકાશે તેમ ફરમાવેલ છે. આ ઉપરાંત દરેક સંસ્થા/વ્યકિત તે સ્થળ અંગેનું પરફોર્મન્સ પ્રિમાઇસીસ લાયસન્સ નિયમાનુસાર મેળવી સ્થાનિકે રાખવાનું રહેશે. સંબંધિત અધિકારી પાસે લાઉડ સ્પીકર વગાડવાની નિયમાનુસારની મંજૂરી મેળવી લેવાની રહેશે. ઇલેકટ્રીક અંગેના કનેકશનો સંબંધિત ઓથોરીટી પાસેથી મેળવી લેવાના રહેશે. દરેક એન્ટ્રી પોઇન્ટ ઉપર ડોરફ્રેમ મેટલ ડીટેકટર રાખવાના રહેશે. દરેક એન્ટ્રી પોઇન્ટ ઉપર તથા પાર્કીંગની જગ્યાએ સી.સી. ટીવી કેમેરા ગોઠવવાના રહેશે. કાર્યક્રમમાં અવર-જવરનું રેકોર્ડીં (વિડીયોગ્રાફી) કરવાનું રહેશે અને કરેલ રેકોર્ડીંગની સી.ડી.પોલીસ કંટ્રોલરૂમને આપવાની રહેશે. પાર્કીંગ માટે પૂરતી વ્યવસ્થા રાખવાની રહેશે. સિકયુરીટી માણસો સલામતી માટે રાખવાના રહેશે અને ગરબીના આયોજકોએ તેઓની સંસ્થાનું નામ, મંડળનું નામ, આયોજકનું નામ, મોબાઇલ નંબર તથા અન્ય કાર્યકરોની સંપૂર્ણ વિગતો સબંધિત પોલીસ સ્ટેશનને આપવાની રહેશે. આ હુકમનો ભંગ અથવા ઉલ્લંઘન કરનાર સામે ભારતીય દંડ સંહિતાને કલમ ૧૮૮ હેઠળ શિક્ષાને પાત્ર થશે.