તળાજા તાલુકાના ઘાટરવાળા ગામના દિવંગત ચેતનાબેન ભાંભેરા પરિવારને મુશ્કેલીના સમયમાં ‘પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના’ અંતર્ગત રૂા.૨ લાખની સહાય મળી

હિન્દ ન્યુઝ, ભાવનગર

જીવનનો કોઇ ભરોસો નથી હોતો. ક્યારે કોનું તેડું આવી જાય તે કહી ન શકાય તેટલી આપણી જીવનશૈલી ઝડપી બનતી જાય છે. આપણાં ગયાં બાદ આપણી પાછળના લોકોને કોઇપણ જાતની તકલીફ ન પડે તે માટે ઘરના વડીલની જેમ ચિંતા કરતાં કેન્દ્ર સરકાર દ્વારા વિવિધ વીમા યોજના દ્વારા દિવંગતના પરિવારજનોને આર્થિક રક્ષણ મળે તે માટે ‘પ્રધાનમંત્રી જીવન જ્યોતિ વીમા યોજના’ ની શરૂઆત સનેઃ ૨૦૧૫ ની શરૂઆત કરવામાં આવી હતી.

વાર્ષિક માત્ર રૂા.૩૩૦ માં તળાજા તાલુકાના ઘાટરવાળા ગામના ભાંભેરા ચેતનાબેન મુન્નાભાઈના પરિવારજનોને મુશ્કેલીની પળોમાં તાત્કાલિક રૂા. ૨ લાખની સહાય મળી છે.

આ અંગે દિવંગત ચેતનાબેનના પતિશ્રી ભાંભેરા મુન્નાભાઈ સાદુળભાઈએ જણાવ્યું કે, તેઓ અને તેમની પત્ની મજૂરી કામ કરીને ઘરનું ગુજરાન ચલાવતાં હતાં. છતાં, આ મજૂરીના પૈસામાંથી વાર્ષિક રૂા. ૩૩૦ ના ખર્ચે વીમો મળે છે તે જાણીને અમે વિમો લીધો હતો.

કુદરતને નામંજૂર હોય તેમ ચેતનાબેન તા. ૦૯/૦૪/૨૦૨૨ ના રોજ ડિલિવરી સમયે મોતને ભેટતાં પરિવારને માથે મુશ્કેલીનો પહાડ આવી પડ્યો એક તો ઘરમાંથી ઘરવાળી જતી રહી અને માંડ પેટીયું રળતાં હોય ત્યાં મૃત્યુ બાદના ક્રિયાકર્મ અને સામાજિક વ્યવહારમાં ઘણી આર્થિક મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. આ સમયે માત્ર બે મહિનામાં સરકારના વીમાના કવચ રૂપે તાત્કાલિક રૂા. ૨ લાખ તેમના નોમીની એવાં તેમના પતિ ભાંભેરા મુન્નાભાઈ સાદુળભાઈના ખાતામાં જમાં થઇ ગયાં.

ભાંભેરા મુન્નાભાઈ સાદુળભાઈએ આ અંગે જણાવ્યું કે, કેન્દ્ર સરકારની આ સારી યોજના છે કે જેનાથી અમને માત્ર રૂા. ૩૩૦ માં આ વીમા યોજનાનો લાભ મળ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદી અમારા જેવાં સામાન્ય વ્યક્તિઓને ધ્યાનમાં રાખીને આવી યોજનાઓ બનાવે છે. જેના દ્વારા અમને મુશ્કેલીના સમયમાં અમને આર્થિક હુંફ મળી રહે છે અને અમારાં જીવનનું ગાડું આગળ ગબડે રાખે છે.

CSC BC સંચાલક ધર્મેશભાઈ ગૌસ્વામી દ્વારા વીમા પોલિસી લેવામાં આવી હતી અને વીમોની મંજૂરી માટે રજૂ કરવામાં આવ્યો હતો. પરિવાર ને સહાય મળે તે માટે ભાંભેરા મુન્નાભાઈ સાદુળભાઈ દ્વારા સંચાલકનો તથા કેન્દ્ર સરકારનો આભાર માનવામાં આવ્યો હતો. આ માટેની મદદ તળાજાની મુખ્ય શાખા મેનેજર ચોધરી અને વૃજેશ શુક્લા દ્વારા કરવામાં આવી હતી. જેના લીધે ઝડપથી તેમનો વિમાની મંજૂરી મળી ગઇ હતી અને આ પરિવારને તેમને મળવાપાત્ર રૂા. ૨ લાખની હાથોહાથ મદદ પૂરી પાડવામાં આવી હતી.

આમ, સામાન્ય રકમ એવી રૂા. ૧૨ ના કારણે આજે ભાંભેરા મુન્નાભાઈના પરિવારને અણીના સમયે રૂા.૨ લાખની મદદ મળી છે. સંવેદનશીલ સરકારની સંવેદનશીલતાનું આ આગવું દ્રષ્ટાંત છે.

Related posts

Leave a Comment