સિહોર તાલુકાના પાંચતલાવડા ગામે તળાવ ઉંડું ઉતારવાની કામગીરીનો પ્રારંભ

હિન્દ ન્યુઝ, ભાવનગર

ચોમાસુ દસ્તક દઇ રહ્યું છે ત્યારે વરસાદ રૂપે વરસતાં ટીપે-ટીપે પાણીનો સદુપયોગ કરી શકાય તેવાં હેતુ સાથે સિહોર તાલુકાના પાંચતલાવડા ગામે તળાવ ઉંડું ઉતારવાની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ પણ દેશ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે ત્યારે દેશની આઝાદીના ૭૫ વર્ષ પુરા થવાના અવસર પર દરેક વિસ્તારમાં ૭૫ તળાવો બનાવવામાં આવે કે તેને ઊંડા ઉતારવામાં આવે તેવી કરેલી હાકલને પગલે જળસંગ્રહ માટેના આ અભિયાન અંતર્ગત તળાવ ઉંડુ ઉતારવાની કામગીરીની શરૂઆત કરવામાં આવી છે. પ્રભુ પ્રસાદીરૂપે વરસેલા પાણીને ગામમાં જ સંગ્રહિત કરી શકાય તેવા ઉદ્દેશ સાથે પાંચતલાવડામાં તળાવ ઊંડું ઉતારવા માટે વી.આર.ટી.આઈ. સંસ્થાના સહયોગથી લોકભાગીદારી સાથેની કામગીરીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. વી.આર.ટી.આઈ. સંસ્થાના વડા મનુભાઈ ચૌધરી સાથે કિશોરસિંહ ગોહિલ, જોરશંગભાઈ પરમાર, નરેન્દ્રસિંહ ઝાલા, ભૂપેન્દ્રભાઈ બાંભણિયા, સરપંચ બાલાભાઈ ડાંગર દ્વારા પૂજનવિધિ કરી આ કામગીરીનો શુભારંભ કરાયો હતો.

ઉલ્લેખનીય છે કે, પાંચ તલાવડા ગામનું નામ ગામમાં આવેલાં પાંચ નાના – મોટા તળાવોને લીધે પડેલ છે. આ અગાઉ પણ ગામના લોકોએ શ્રમ યજ્ઞ દ્વારા ગામના તળાવો ઉંડા કરવાની કામગીરી કરેલી છે. જેને લીધે વરસાદી પાણી સીમમાં જ ટકી રહે છે.

આ તળાવમાં ચોમાસાની ઋતુમાં વરસાદ રૂપે વરસેલ પાણી સંગ્રહ થાય છે. જેનો ઉપયોગ ગામના ખેડૂતો વરસાદ સિવાયની ઋતુમાં તેમણે ખેતરોની સિંચાઈ માટે કરી શકે છે. આ રીતે તળાવો ભરાવવાના કારણે પાંચ તલાવડા ગામના લોકો માટે સિંચાઇની મોટી વ્યવસ્થા પોતાના ગામમાં જ ઊભી થઈ છે.

પાંચ તલાવડા ગામ લોકોના ઉત્સાહ સાથે વિવિધ સેવાભાવી સંસ્થાઓનો પણ સહકાર આ તળાવો ઉંડા કરવા માટે મળે છે. જેને લીધે તેઓની કામગીરી સરળતાથી થઈ શકે છે.

આ સામૂહિક વ્યવસ્થાને કારણે પાંચ તલાવડા ગામમાં સિંચાઈની મોટી વ્યવસ્થા ઊભી થઈ શકી છે.જેનો વ્યાપક લાભ ગામના ખેડૂતોને મળ્યો છે.

આમ, પાંચ તલાવડા ગામની વ્યવસ્થા પોતે જ કરીને પાંચ તલાવડા ગામ રાજ્યના અન્ય ગામો માટે પણ પથદર્શક બન્યું છે.

બ્યુરો ચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment