બોટાદ જિલ્લામાં 18 પરીક્ષા કેન્દ્રોના 55 પરીક્ષા સ્થળોએ ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ના 17641 વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષા આપશે

હિન્દ ન્યુઝ, બોટાદ

બોટાદ જિલ્લામાં માર્ચ-૨૦૨૨ની બોર્ડની ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષા આગામી તારીખ:-૨૮-૦૩-૨૦૨૨થી તારીખ:-૧૨-૦૪-૨૦૨૨ દરમિયાન યોજાનાર છે. જેના સુચારું આયોજન અને સંચાલન માટે પરીક્ષાની તૈયારીની સમીક્ષા માટે જિલ્લા કલેકટર બીજલ શાહના અધ્યક્ષ સ્થાને કલેકટર કચેરી ખાતે પરીક્ષા સમિતિની બેઠક યોજાઇ હતી. આ બેઠકમાં જિલ્લા કલેકટરએ જિલ્લામાં પરીક્ષા શાંતિથી યોજાય તેમજ જિલ્લાના કોઈપણ પરીક્ષા સ્થળોએ ગેરરીતિ ન થાય તે જોવા તાકીદ કરી હતી. આ ઉપરાંત જિલ્લાના તમામ પરીક્ષા કેન્દ્રો સી.સી. ટી.વી. કેમેરાથી સજ્જ છે તેમજ જિલ્લાના સંવેદનશીલ અને અતિસંવેદનશીલ પરીક્ષા કેન્દ્રોમાં વર્ગ-૧ અને વર્ગ-૨ના અધિકારીઓની નિમણૂક કરવામાં આવશે તેમ પણ જણાવ્યું હતું. આ બેઠકમાં જિલ્લા શિક્ષણાધિકારી ધારા પટેલે જિલ્લામાં યોજાનાર ધોરણ-૧૦ અને ધોરણ-૧૨ની પરીક્ષાના સુચારું સંચાલન માટે જિલ્લા કક્ષાનો પ્લાન જણાવી વ્યવસ્થાની વિસ્તૃત વિગતો આપી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, બોટાદ જિલ્લામાં ધોરણ 10 ના 10 પરીક્ષા કેન્દ્રોના 36 પરીક્ષા સ્થળોએ 11781 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. જ્યારે ધોરણ-12 વિજ્ઞાન પ્રવાહમાં 01 પરીક્ષા કેન્દ્રોના 04 પરીક્ષા સ્થળોએ 820 વિદ્યાર્થીઓ અને ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહના 15 પરીક્ષા કેન્દ્રો ખાતે 5040 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આમ જિલ્લામાં 18 પરીક્ષા કેન્દ્રોના 55 પરીક્ષા સ્થળોએ 17641 વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે. આ બેઠકમાં જિલ્લા પોલીસ અધિક્ષક હર્ષદ મહેતા તેમજ જિલ્લા પરીક્ષા સમિતિના સભ્યઓ ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટર : સંજય ડણીયા, બોટાદ

Related posts

Leave a Comment