સિદ્ધપુર તાલુકાના કાકોશી ગામના માત્ર અઢી માસના બાળકનું હ્રદયનું ઑપરેશન અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલમાં કરવામાં આવ્યું. દેશ જ નહીં પણ સમગ્ર એશિયાની સૌથી જાણીતી અને આધુનિક સુવિધાઓથી યુક્ત આ હોસ્પિટલમાં આ બાળકના ઑપરેશન સહિતના તમામ ખર્ચ માટે બાળકના પરિવારે એકપણ રૂપિયો ચૂકવ્યો નહીં. કાકોશી ખાતે રહેતા ફહદ અસામદીના ઘરે ગત ઓક્ટોબર મહિનામાં પારણું બંધાયું. એકાદ મહિનાનો સમય વિત્યો હશે ત્યારે બાળક મહોમદના માતા-પિતાને ધ્યાનમાં આવ્યું કે તેને શ્વાસ લેવામાં મુશ્કેલી થઈ રહી છે અને સ્તનપાન કરવામાં પણ. નવજાત શિશુઓના આરોગ્ય સબંધી માહિતી મેળવતા સમયે આંગણવાડી વર્કરને મહોમદના પરિવારજનોએ આ વાતની જાણ કરી. આંગણવાડી વર્કર દ્વારા માહિતી મળતાં જ સિદ્ધપુર રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કાર્યરત મેડિકલ ઑફિસરએ મહોમદના ઘરની મુલાકાત લઈ સિવિલ હોસ્પિટલમાં તપાસ કરાવતાં હ્રદયની તકલીફ હોવાનું તારણ નિકળ્યું અને મહોમદના પરિવારજનોની ખુશીઓ પર જાણે ગ્રહણ લાગ્યું. આર.બી.એસ.કે. મેડિકલ ઑફિસર ડૉ.અપેક્ષા પટેલ જણાવે છે કે, જન્મથી જ હ્રદયની તકલીફ સાથે જન્મેલા મહોમદનું વજન પણ ઓછુ હતું. અમે રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત જિલ્લા કક્ષાએથી જરૂરી મંજૂરીઓ લીધા બાદ મહોમદને આર.બી.એસ.કે. વાનમાં અમદાવાદની યુ.એન.મહેતા હોસ્પિટલ ખાતે લઈ ગયા. જ્યાં 15 દિવસ સારવાર હેઠળ રાખી ગત તા.28 ડિસેમ્બરના રોજ મહોમદના હ્રદયનું સફળ ઑપરેશન કરવામાં આવ્યું. જેનો ખર્ચ લગભગ ચારથી પાંચ લાખ રૂપિયા જેટલો થાય છે. મહોમદના પિતા ફહદ અસામદીએ જણાવ્યું કે, હ્રદયના ઑપરેશન અને સારવાર સહિતના ખર્ચનો મને અંદાજ પણ નહોતો. ઓછી આવકમાં ગુજરાન ચલાવતો હોવાથી આટલી મોટી રકમ ક્યાંથી લાવવી એ જ મોટો પ્રશ્ન હતો. પણ મને કહેવામાં આવ્યું કે આ બધો જ ખર્ચ રાજ્ય સરકાર ચૂકવશે. કૃતજ્ઞતાના ભાવ સાથે ફહદ અસમાદીએ ઉમેર્યું કે, એ સુપર સ્પેશ્યાલિટી હૉસ્પિટલમાં મહોમદના ઑપરેશન, 15 દિવસ સુધીની સારવાર અને અમારા રહેવા-જમવા સુધીની સુવિધા કોઈને એકપણ રૂપિયો આપ્યા વગર મળી. મારા માથે છોકરાની તબીયતની અને તેની પાછળ થતા ખર્ચાની ચિંતા હતી. પણ આવા સંકટના સમયે મદદે આવનારી રાજ્ય સરકારનો સદા ઋણી રહીશ. હાલ મહોમદ એકદમ તંદુરસ્ત છે, આંગણવાડી કાર્યકરો દ્વારા તેના સ્વાસ્થ્યની સમયાંતરે તેના શારિરીક વિકાસ સહિતની તપાસ કરવામાં આવે છે. ‘વર્લ્ડ બર્થ ડિફેક્ટ ડે’ ની ઉજવણી અંતર્ગત પાટણ જિલ્લા પંચાયત ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મહોમદના પિતા ફહદ અસમાદીએ રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ અંતર્ગત કાર્યરત ટીમ અને રાજ્ય સરકારનો જાહેરમાં આભાર માન્યો હતો. ઉલ્લેખનીય છે કે, પાટણ જિલ્લામાં કુલ 27 આર.બી.એસ.કે. વાન કાર્યરત છે, જેનું તાજેતરમાં જ ગરીબ કલ્યાણ મેળા દરમ્યાન બ્રાન્ડિંગ પણ કરવામાં આવ્યું છે. આ ટીમો દ્વારા વર્ષમાં બે વાર આંગણવાડી અને એકવાર શાળામાં અભ્યાસ કરતાં બાળકોના આરોગ્યની તપાસણી કરવામાં આવે છે. વર્ષ 2021-22 દરમ્યાન આર.બી.એસ.કે. ટીમ દ્વારા સ્ક્રિનિંગ દરમ્યાન જિલ્લામાંથી જન્મજાત હ્રદય રોગ ધરાવતા 182 બાળકો મળી આવ્યા હતા. જે પૈકી 46 બાળકોનું સફળ ઑપરેશન કરાવવામાં આવ્યું છે જ્યારે 126 બાળકો સારવાર હેઠળ છે.