નર્મદાના નીરથી ભાવનગરની જનતાને પાણીની સમસ્યાથી કાયમી મુક્તિ મળશે – શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા

હિન્દ ન્યુઝ, ભાવનગર

શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા આજે ‘યુવા શક્તિ દિન’ની ઉજવણીમાં સહભાગી થયાં બાદ બોરતળાવની મુલાકાત લીધી હતી.
ઉલ્લેખનીય છે કે, આવતીકાલે સૌની યોજનાથી ભાવનગરના પ્રખ્યાત બોર તળાવને ભરવામાં આવનાર છે.
મંત્રીએ જણાવ્યું કે, ગુજરાતે રાજ્યમાં સૌની યોજના, સુજલામ- સુફલામ યોજના તથા રાજ્યના ૧૧૫ ડેમમાં પાણી ભરી પાણીના પાણીદાર આયોજન દ્વારા પીવાના પાણી સાથે સિંચાઇની સુદ્રઢ વ્યવસ્થા ગોઠવી છે.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલની સરકારને ૫ વર્ષ પૂર્ણ થતાં આ ૫ વર્ષમાં કરેલ કાર્યોના હિસાબ સાથે રાજ્યભરમાં કાર્યક્રમો યોજાઇ રહ્યાં છે.

રાજ્યમાં શાંતિ અને સલામતી જળવાય, વધુને વધુ મૂડીરોકાણ આવે અને ઉદ્યોગોનો વિકાસ થાય, રોજગારી ઉભી થાય તે માટેના વ્યાપક પ્રયાસો કરવામાં આવ્યાં છે.
મંત્રી વિભાવરીબેન દવે, ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી અને સ્થાનિક નેતાઓની સક્રિય કામગીરીના કારણે નર્મદાના નીર ભાવનગરની ધરાને પવિત્ર કરવાં માટે આવતીકાલે બોર તળાવમાં આવી રહ્યાં છે તેનો જિલ્લાના પ્રભારી મંત્રી તરીકેનો હર્ષ વ્યક્ત કર્યો હતો.

તેમણે કહ્યું કે, કૃષિ સંસ્કૃતિમાં જળ એ જીવન છે. માનવમાત્રનું જીવન પાણીના સ્ત્રોતોની આસપાસ વિકસ્યું છે. પાણીથી માનવજીવન સાથે પશુપંખીઓનું સહઅસ્તિત્વ પણ જોડાયેલું છે.
મંત્રીએ આ અવસરે થાપનાથ મહાદેવની પૂજા કરી હતી. તેમણે બોર તળાવ પર જઇને આવનાર પાણીની તથા નિકાલ સહિતની વ્યવસ્થાઓની વિગતો ઉપસ્થિત સિંચાઇ વિભાગના અધિકારીઓ પાસેથી મેળવી હતી.
તેમની આ મુલાકાત વખતે મેયર શ્રીમતી કિર્તીબેન દાણીધરીયા, ધારાસભ્ય જીતુભાઇ વાઘાણી, કલેક્ટર યોગેશ નીરગુડે, જિલ્લા વિકાસ અધિકારી ડો.પ્રશાંત જિલોવા, કોર્પોરેશનના પદાધિકારીઓ- અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

બ્યુરોચીફ (ભાવનગર) : હકીમ ઝવેરી

Related posts

Leave a Comment