કાલાવડના નિકાવા ગામે 2 કિ.મી. સુધી વાહનોની કતાર, વાહનચાલકો અકળાયા

હિન્દ ન્યુઝ, નિકાવા (કાલાવડ)

      કાલાવડ તાલુકાના નિકાવા ગામે છેલ્લા ઘણા સમયથી ટ્રાફિકની સમસ્યા વકરી રહી છે. ઉંડ નદી પરના પુલનું કામ ગોકળગતિએ ચાલતું હોવાથી અને બસ સ્ટેન્ડ પાસે વાહનચાલકો પોતાના વાહનો રોડ પર જ મૂકીને ચા-નાસ્તો કરવા જતા રહેતા હોવાથી રોડ બ્લોક થઈ જાય છે.

      સવાર-સાંજના સમયે તો સ્થિતિ વધુ વિકટ બને છે. બસ સ્ટેશનથી ઉંડ નદીના ડાયવર્ઝનથી લઈ પીપળીયા જવાના રોડ સુધી આશરે 2 કિ.મી. સુધી વાહનોની લાંબી કતારો લાગી જાય છે. જેના કારણે અપ-ડાઉન કરતા નોકરિયાતો, વિદ્યાર્થીઓ, ખેડૂતો અને ગ્રામજનોને ભારે હાલાકી ભોગવવી પડે છે. વાડીએ જતા ખેડૂતો પણ કલાકો સુધી ટ્રાફિકમાં ફસાય છે.

      આ અંગે વડાળા ગામના વાહનચાલક પરેશભાઈએ જણાવ્યું હતું કે, “આ રોજની સમસ્યા છે. પુલનું કામ વહેલી તકે પૂર્ણ થાય તો જ આમાંથી છુટકારો મળે.”

       ગ્રામજનોની માંગ છે કે પોલીસ કોઈની શેહ-શરમ રાખ્યા વિના કડક કાર્યવાહી કરે અને રોડ પર આડેધડ પાર્ક થતા વાહનો હટાવે તો જ કાયમી ઉકેલ આવે.

      હવે જોવાનું એ રહ્યું કે તંત્ર આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવશે કે પછી નિકાવા ગામને રોજ સવાર-સાંજ ટ્રાફિક જામનો સામનો કરવો પડશે.

અહેવાલ : ભોજાભાઈ ટોયટા, નિકાવા 

Related posts

Leave a Comment