હિન્દ ન્યુઝ, સુરત
ભગવાન બિરસા મુંડાજીની ૧૫૧મી જન્મજયંતિના ભાગરૂપે ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ની ઉજવણીના અંતર્ગત પૂર્વ કેબિનેટ મંત્રી અને ધારાસભ્ય ગણપતસિંહ વસાવાની પ્રેરક ઉપસ્થિતિમાં માંગરોળના વાંકલ ખાતે ‘યુવા સંમેલન’ કાર્યક્રમ યોજાયો હતો. આ અવસરે જિલ્લા કલેકટર તેજસ પરમાર પણ ઉપસ્થિત રહ્યા હતા. ભગવાન બિરસા મુંડાજીના જીવન કવન અને જનજાતિ સમુદાય માટે ‘જનજાતીય ગૌરવ સપ્તાહ’ની ઉજવણી તેમજ આજના યુવાનોની રાષ્ટ્ર પ્રત્યેની જવાબદારી અને ફરજો અંગે માર્ગદર્શન આપ્યું હતું.
આ પ્રસંગે ધારાસભ્ય ગણપતસિંહ વસાવાએ જણાવ્યું હતું કે, દેશની આઝાદી માટે માત્ર ૨૫ વર્ષની નાની વયે શહીદી વહોરનાર ભગવાન બિરસા મુંડાજીનું જીવન આજના આદિવાસી યુવાનો માટે પ્રેરણારૂપ છે. યુવાનોએ પોતાના પરિવાર, સમાજ અને રાષ્ટ્રના વિકાસ માટે યોગ્ય માનસિકતા કેળવીને આગળ વધવું જોઈએ.
ગણપતસિંહ વસાવાએ વધુમાં ઉમેર્યું હતું કે,આદિવાસીઓના આ ગૌરવવંતા ઇતિહાસને લોકસમક્ષ ઉજાગર કરવાનું મોટું અને મહત્વપૂર્ણ કાર્ય જો કોઈ એક નેતાએ કર્યું હોય, તો તે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી છે. વડાપ્રધાન એ જ આદિવાસી સમાજના વારસા અને ઇતિહાસને નવો આયામ આપીને દેશભરમાં તેને યોગ્ય સન્માન અપાવ્યું છે.
આ સંદર્ભમાં ધારાસભ્યએ કહ્યું હતું કે, આદિવાસી સમાજ માટે ૯મી ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ અને ૧૫મી નવેમ્બરના રોજ ભગવાન બિરસા મુંડાજીની જન્મજયંતિ – જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે. ૯મી ઓગસ્ટનો દિવસ વિદેશમાં બનેલી ૧૪મી સદીની ઘટનાના આધારે જાહેર થયો છે, જ્યારે આપણો આદિવાસી ઇતિહાસ અને સંઘર્ષ દેશની માટી સાથે જોડાયેલો છે, જેને વડાપ્રધાનશ્રીએ રાષ્ટ્રીય સ્તરે ગૌરવ અપાવ્યું છે.
આ પ્રસંગે ઉપસ્થિત યુવાનોને જિલ્લા કલેક્ટર તેજસ પરમારે માર્ગદર્શન આપતા પોતાની જીવનસફર વર્ણવી હતી. તેમણે જણાવ્યું હતું કે પાલનપુરના સામાન્ય પરિવારમાંથી આવીને કઠિન પરિશ્રમ અને અડગ મનોબળથી ૨૬ વર્ષની વયે સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી તેઓ છેલ્લા ૧૦ વર્ષથી ગુજરાત કેડરમાં સેવા આપી રહ્યા છે. તેમણે વિદ્યાર્થીઓને મોબાઈલ અને સોશિયલ મીડિયાનો વિવેકપૂર્ણ ઉપયોગ કરી એકાગ્રતાથી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરવાનો અનુરોધ કર્યો હતો.
કલેક્ટરશ્રીએ માંગરોળના ગ્રામીણ વિસ્તારોમાંથી યુવાનો આઈએએસ અને આઈપીએસ જેવા ઉચ્ચ પદો પર પહોંચ્યા હોવાની પ્રશંસા કરતા વહીવટી તંત્ર તરફથી દરેક પ્રકારના માર્ગદર્શન અને સહકારની ખાતરી આપી હતી.
ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના ઉપાધ્યક્ષ સંગ્રામસિંહ રાઠવાએ ૧૫ નવેમ્બર ૧૮૭૫ના રોજ ઝારખંડમાં જન્મેલા ભગવાન બિરસા મુંડાજીના જલ, જંગલ અને જમીનની રક્ષા માટેના સંઘર્ષને યાદ કર્યા હતા. તેમણે ગુજરાતમાં સૌપ્રથમ છોટાઉદેપુર નગરપાલિકા દ્વારા તેમની પ્રતિમા સ્થાપિત થઈ હોવાનો ઉલ્લેખ કરી, યુવાનોને અંધશ્રદ્ધા છોડી શિક્ષિત બનવા, સખત પરિશ્રમ કરવા અને પોતાની સંસ્કૃતિ તથા ધર્મની રક્ષા કરવા અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે વિશેષ ઉલ્લેખ કરતા સંગ્રામસિંહે કહ્યું હતું કે, યુવાનોની રાષ્ટ્ર પ્રત્યેની ફરજો, સરકારની આદિજાતિ વિકાસની વિવિધ સિદ્ધિઓ તેમજ શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને રોજગારીની યોજનાઓ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમ દ્વારા દેશની આઝાદી અને હકો માટે બલિદાન આપનાર વીર બિરસા મુંડાજીના વિચારો હંમેશાં સમાજ અને દેશ માટે માર્ગદર્શક રહેશે એમ તેમણે ઉમેર્યું હતું.
આ યુવા સભામાં પ્રદેશમાંથી પધારેલા વક્તાઓએ રમત-ગમત અને શિક્ષણ ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરનાર તથા તાજેતરમાં જ સરકારી નોકરી મેળવનાર બે પ્રતિભાશાળી યુવાનોએ પ્રેરણાદાયી પ્રતિભાવો રજૂ કરી અન્ય યુવાનોનો ઉત્સાહ વધાર્યો હતો.
આ અવસરે ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા આદિજાતિ વિકાસ માટે થયેલી વિવિધ સિદ્ધિઓ, સ્થાનિક જિલ્લાના વિકાસકામો તેમજ યુવાઓ માટે શિક્ષણ, કૌશલ્ય વિકાસ અને રોજગારીની વિવિધ યોજનાઓ અને તકો અંગે વિસ્તૃત માહિતી પૂરી પાડવામાં આવી હતી.
આ પ્રસંગે નાયબ જિલ્લા વિકાસ અધિકારી દિવ્યેશભાઈ પટેલ, જિ. પં. ઉપપ્રમુખ ઉમેદભાઈ ચૌધરી, માંગરોળ તા. પં. પ્રમુખ સંગીતાબેન, ઉમરપાડા તા. પં. પ્રમુખ સપનાબેન વસાવા, સુરત જિ.પં.સહકાર સિંચાઈ સમિતિના ચેરમેન સુનીતાબેન, એસટી મોરચાના ઉપાધ્યક્ષ દિપક વસાવા, સુમુલ ડેરીના ડિરેક્ટર અમિતભાઈ વસાવા, સરપંચ અનિતાબેન, જિ. સંગઠન યુવા મોરચાના પ્રમુખ દર્શનભાઈ પટેલ, અગ્રણીઓ અર્જુનભાઈ વસાવા, નવીનભાઈ, મામલતદારશ્રીઓ, ટીડીઓશ્રીઓ, સંગઠન મહામંત્રીઓ, ગ્રામજનો, શાળાના વિધાર્થીઓ, યુવાઓ સહિત સામાજિક અગ્રણીઓ ઉપસ્થિત રહ્યાં હતા.
