હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ગીર સોમનાથ જિલ્લાનાં વેરાવળ શહેરમાં મહિલાઓ અને યુવતીઓની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માટે ગીર સોમનાથની ૧૮૧ ‘અભયમ’ મહિલા હેલ્પલાઇન સક્રિયપણે કાર્યરત છે.
નવરાત્રિ દરમિયાન મહિલાઓ સુરક્ષિત અને ભયમુક્ત વાતાવરણમાં ગરબા માણી શકે તેવા હેતુથી અભયમ દ્વારા શહેરના વિવિધ ગરબા સ્થળોની મુલાકાત લઈને મહિલાઓમાં સુરક્ષા અંગે જાગૃતિ ફેલાવવાની એક ખાસ પહેલ શરૂ કરવામાં આવી છે.
અભયમ ટીમના કાઉન્સેલર જીજ્ઞાબહેન જાદવ અને કોન્સ્ટેબલ વર્ષાબેન નંદાણિયા દ્વારા ગરબા સ્થળો પર મહિલાઓને જાગૃત કરી માર્ગદર્શન આપતા જણાવ્યું હતું કે, જો કોઈ અજાણી વ્યક્તિ દ્વારા અયોગ્ય કે અશ્લીલ વર્તન કરવામાં આવે, છેડતી કરવાનો પ્રયાસ કરવામાં આવે, પીછો કરીને રસ્તો રોકવામાં આવે ત્યારે મહિલાઓએ સહેજ પણ ગભરાયા વગર તરત ૧૮૧ મહિલા હેલ્પલાઇનનો સંપર્ક કરવો.
૧૮૧ની ટીમ સ્થળ પર પહોંચીને તુરંત જ જરૂરી કાયદાકીય અને સુરક્ષાત્મક સહાય પૂરી પાડશે. મહિલાઓની સુરક્ષા, સન્માન અને સ્વાભિમાનની રક્ષા કરવી એ જ ૧૮૧ મહિલા હેલ્પલાઇનની મુખ્ય ઓળખ છે, તેથી કોઈપણ કટોકટી કે મુશ્કેલીના સમયે ૨૪×૭ કાર્યરત ૧૮૧ ટોલ-ફ્રી નંબર પર તાત્કાલિક સંપર્ક કરી સુરક્ષા મેળવવા વિશેષ અપીલ કરવામાં આવી છે.
