સ્વામી વિવેકાનંદ વિદ્યાલય અંજાર ખાતે શહેરકક્ષાના બાળ વિજ્ઞાન પ્રદર્શનનો પ્રારંભ કરાવતા ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગા

હિન્દ ન્યુઝ, ભુજ 

  ઉચ્ચ અને ટેક્નિકલ શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ શિક્ષણ વિભાગ દ્વારા આયોજિત અંજારના શહેરકક્ષાના બાળ વિજ્ઞાન પ્રદર્શન અને તાલુકાકક્ષાના બાળ વિજ્ઞાન પ્રદર્શનમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહીને વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. સ્વામી વિવેકાનંદ વિદ્યાલય અંજાર ખાતે શહેર કક્ષાનું બાળ વિજ્ઞાન પ્રદર્શન અને મોડેલ સ્કૂલ અંજાર ખાતે તાલુકા કક્ષાનું બાળ વિજ્ઞાન પ્રદર્શન રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાની ગરિમામયી ઉપસ્થિતિમાં યોજાયું હતું. બાળકો દ્વારા તૈયાર કરવામાં આવેલી અવનવી વિજ્ઞાનની કૃતિઓ નિહાળીને રાજ્યમંત્રી સહિતના મહાનુભાવો પ્રભાવિત થયા હતા. બાળકો સાથે આત્મીયતાપૂર્ણ સંવાદ કરીને મહાનુભાવોએ બાળકોને પ્રોત્સાહન પુરૂં પાડ્યું હતું. 

આ પ્રસંગે શિક્ષણ રાજ્યમંત્રી ત્રિકમભાઈ છાંગાએ બાળ વિજ્ઞાન પ્રદર્શનને ખુલ્લું મૂકતાં આનંદ સાથે જણાવ્યું હતું કે, તેઓ પણ શિક્ષક તરીકેની જવાબદારી દરમિયાન આ પ્રદર્શન સહિતની પ્રવૃતિઓમાં ઉત્સાહભેર સહભાગી બન્યા હતા. આ અનુભવને તેમણે અવિસ્મરણીય ગણાવ્યો હતો. શિક્ષણ રાજ્યમંત્રીશ્રીએ ઉમેર્યું હતું કે, બાળ વિજ્ઞાન પ્રદર્શનના માધ્યમથી વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમનો સંચાર થાય છે. રાજ્ય સરકારે શિક્ષણની ચિંતા કરીને પીએચડી સુધીના ક્વોલિફાઈડ શિક્ષકોની શાળામાં ભરતી કરી છે. આજનો યુગ એ વિજ્ઞાનનો યુગ છે. કચ્છ શિક્ષણ વિભાગને અભિનંદન આપીને રાજ્યમંત્રીશ્રીએ રાષ્ટ્રીયકક્ષા સુધી વિજ્ઞાન પ્રદર્શનમાં સફળતા મેળવનારા વિદ્યાર્થીઓ કચ્છમાં દર વર્ષે પસંદગી પામી રહ્યા છે તે બાબતને પ્રસંશનીય ગણાવી હતી. 

બાળકો ટેક્નોલોજી આધારિત શિક્ષણ મેળવીને ભવિષ્યમાં રોજગારદાતાઓ બને તે માટે વિજ્ઞાન આધારિત શિક્ષણ ખૂબ જ જરૂરી છે તેમ જણાવીને રાજ્યમંત્રીશ્રીએ શિક્ષકોને અનુરોધ કર્યો હતો કે, બાળકોમાં પરિશ્રમ અને મહેનતના ગુણનો વિકાસ થાય એને પ્રાથમિકતા આપશો. નમો લક્ષ્મી જેવી યોજનાઓનો લાભ લઈને દીકરીઓને શિક્ષિત બનાવવા રાજ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું. ૪૮ જેટલી નવી શાળાઓને કચ્છ જિલ્લામાં મંજૂરી મળી તે રાજ્ય સરકારની શિક્ષણ ક્ષેત્રની પ્રતિબદ્ધતા છે. આજે સરકારી શાળાઓમાં ખાનગી સ્કૂલો કરતા વધુ ગુણવત્તાયુકત શિક્ષણ મળી રહ્યું છે. ઉચ્ચ અભ્યાસક્રમોમાં પણ વિદ્યાર્થીઓ સરકારી કોલેજો-યુનિવર્સિટીઓને પ્રાથમિકતા આપીને તેમાં એડમિશન મેળવી રહ્યા છે. ૨૦૪૭ સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને સાકાર કરવા ગુણવત્તાયુકત શિક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત છે અને તેના લીધે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી તેમજ રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલની આગેવાનીમાં શિક્ષણ વિભાગ માટે નોંધપાત્ર રકમની ફાળવણી બજેટમાં કરવામાં આવી રહી છે. કચ્છની શિક્ષણ ટીમને અભિનંદન પાઠવીને રાજ્યમંત્રીશ્રીએ બાળકોનાં સર્વાંગી વિકાસ માટે સતત પ્રયત્નશીલ રહેવા જણાવ્યું હતું. 

આ પ્રસંગે સ્વાગત પ્રવચન કરતાં જિલ્લા શિક્ષણાધિકારી સંજય પરમારે જણાવ્યું હતું કે, નાના ભૂલકાંઓને આજે બાળ વિજ્ઞાન‌ પ્રદર્શનના માધ્યમથી એક મોટો મંચ પ્રાપ્ત થયો છે. જિલ્લા શિક્ષણાધિકારીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે, નાના ભૂલકાંઓએ વિજ્ઞાનની એવી રસપ્રદ કૃતિઓ રજૂ કરી છે જે ખરેખર બિરદાવવા લાયક છે. તેઓએ કચ્છ જિલ્લાને ગૌરવ અપાવનાર વિદ્યાર્થીઓને અભિનંદન આપીને જણાવ્યું હતું કે, સમગ્ર કચ્છ જિલ્લાના અનેક વિદ્યાર્થીઓમાં દેશ-વિદેશમાં સ્પર્ધા કરવાની ક્ષમતા રહેલી છે જેના ઉદાહરણો પણ આપણે અવારનવાર જોઈએ છીએ. જિલ્લા શિક્ષણાધિકારીએ વિદ્યાર્થીઓને અભિનંદન આપીને તેમના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભકામનાઓ પાઠવી હતી. 

આ પ્રસંગે આર્શીવચન આપતા ત્રિકમદાસજી મહારાજે જણાવ્યું હતું કે, સરકારના પ્રયાસોથી આજે શાળાઓ વાઈબ્રન્ટ બની છે. બાળકોના ભવિષ્યને ઉજ્જવળ બનાવવાના શિક્ષકોના નિષ્ઠાપૂર્વકના પ્રયાસોને ત્રિકમદાસજી મહારાજે બિરદાવ્યા હતા. બાળકોને હતાશ થયા વગર જીવનમાં અથાગ મહેનતથી આગળ વધવા તેમણે આર્શીવચન પાઠવ્યા હતા. 

આ પ્રસંગે કચ્છ જિલ્લા પંચાયતના પ્રમુખ પ્રભાબેન હુણ, અંજાર નગરપાલિકા પ્રમુખ ધર્મિષ્ઠાબેન ખાંડેકા, અગ્રણી સંદિપભાઈ ચાવડા, પ્રાંત અધિકારી એસ.જે.ચૌધરી, નગરપાલિકાના હોદેદારો, જિલ્લા અને તાલુકા પંચાયતના પદાધિકારીશ્રીઓ, શિક્ષણ વિભાગના અધિકારીશ્રીઓ, વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. 

 

Related posts

Leave a Comment