ડાંગ જિલ્લાની RBSK ટીમની પ્રશંસનીય કામગીરી: સાપુતારા એકલવ્ય શાળાના ૧૯ વર્ષીય વિદ્યાર્થીની હૃદયની જટિલ સર્જરી સફળ રહી

હિન્દ ન્યુઝ, ડાંગ 

 રાજ્ય સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ અંતર્ગત કાર્યરત ‘રાષ્ટ્રીય બાલ સ્વાસ્થ્ય કાર્યક્રમ’ (RBSK) ડાંગ જિલ્લાના છેવાડાના વિસ્તારોમાં બાળકો અને યુવાનો માટે સંજીવની સમાન સાબિત થઈ રહ્યો છે. તાજેતરમાં ડાંગ જિલ્લાની RBSK ટીમે ૧૯ વર્ષીય આદિવાસી યુવકના હૃદયની ગંભીર બીમારીનું સમયસર નિદાન કરાવી સફળ શસ્ત્રક્રિયા કરાવી નવજીવન બક્ષ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર, ડાંગ જિલ્લાની સાપુતારા સ્થિત ‘પીએમ-શ્રી એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ’માં અભ્યાસ કરતા ૧૯ વર્ષીય વિદ્યાર્થી શ્રી શંકર અમૃત ચૌહાણનું RBSK ટીમ દ્વારા નિયમિત આરોગ્ય તપાસણી દરમિયાન પરીક્ષણ કરવામાં આવ્યું હતું. પ્રાથમિક તપાસમાં શંકાસ્પદ લક્ષણો જણાતાં વધુ તપાસ માટે તેને સંદર્ભિત (Refer) કરવામાં આવ્યો હતો. જ્યાં તબીબી તપાસમાં યુવકના હૃદયમાં ૨.૫ સે.મી.ની એએસડી (Atrial Septal Defect – હૃદયમાં કાણું) હોવાનું નિદાન થયું હતું.

નિદાન બાદ યુવકને તાત્કાલિક શ્રીમદ રાજચંદ્ર હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર, ધરમપુર ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો. જ્યાં નિષ્ણાત કાર્ડિયાક સર્જનોની દેખરેખ હેઠળ તેની ‘ASD સર્જિકલ ક્લોઝર’ સર્જરી સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી. સર્જરી બાદ તાજેતરમાં કરવામાં આવેલા ફોલોઅપ 2D Echo રિપોર્ટમાં હૃદયનો પેચ સંપૂર્ણપણે યોગ્ય સ્થિતિમાં હોવાનું અને કોઈ ક્ષતિ ન રહી હોવાનું સામે આવ્યું છે. દર્દીની ઉત્તમ રિકવરી જોઈને નિષ્ણાત તબીબોએ સર્જરી બાદની દવાઓ બંધ કરી, ત્રણ મહિના પછી નિયમિત તપાસ માટે બોલાવ્યા છે.

આ સફળતા પાછળ ડાંગ જિલ્લાની RBSK મોબાઇલ હેલ્થ ટીમ (MHT 1240486) ના તબીબી અધિકારી ડૉ. ધનરાજ પી. દેવરે, ડૉ. કલ્પના બી. ગામીત, ફાર્માસિસ્ટ શ્રી જીતેશ જે. ધૂમ તેમજ મહિલા આરોગ્ય કાર્યકર (FHW) શ્રીમતી હીનાબેન ડી. ભોંયેની સમયસૂચકતા, સતત ફોલોઅપ અને સમર્પિત કામગીરી મહત્વપૂર્ણ રહી છે.

આરોગ્ય વિભાગની આ ત્વરિત અને સંવેદનશીલ કામગીરીના પરિણામે ગરીબ આદિવાસી પરિવાર પરથી મોટી આર્થિક ચિંતા દૂર થઈ છે અને યુવાન સ્વસ્થ જીવન તરફ પાછો ફર્યો છે, જેના પગલે પરિવારજનોએ રાજ્ય સરકાર અને સમગ્ર આરોગ્ય ટીમનો આભાર વ્યક્ત કર્યો છે.

Related posts

Leave a Comment