હિન્દ ન્યુઝ, નવસારી
નવસારી જિલ્લા કલેક્ટર મનીષ ગુરવાનીએ ચીખલી તાલુકાના હરણગામ અને વેલણપુર ગામની મુલાકાત લઈ પ્રાથમિક શાળાઓ, આંગણવાડી કેન્દ્રો, આયુષ્માન આરોગ્ય મંદિરો, ગ્રામ પંચાયતો અને સરકારી સસ્તા અનાજની દુકાનોની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
પ્રાથમિક શાળાઓની મુલાકાત દરમિયાન તેમણે વિદ્યાર્થીઓની સંખ્યા, શિક્ષકોની હાજરી અને શૈક્ષણિક સુવિધાઓની સમીક્ષા કરી ગુણવત્તાયુક્ત શિક્ષણ સુનિશ્ચિત કરવા માર્ગદર્શન આપ્યું હતું. આંગણવાડી કેન્દ્રોમાં બાળકોના પોષણ, વજન-ઊંચાઈ, નાસ્તા અને ભોજનની વ્યવસ્થા અંગે માહિતી મેળવી જરૂરી સૂચનાઓ આપી હતી.
આયુષ્માન આરોગ્ય મંદિરોમાં સગર્ભા મહિલાઓ, હાઈ-રિસ્ક કેસો, લેબોરેટરીની સુવિધાઓ અને દર્દીઓને આપવામાં આવતી આરોગ્ય સેવાઓની સમીક્ષા કરી હતી. ગ્રામ પંચાયતોમાં સરકારી ફી, શાળા-આંગણવાડીનાં મકાનોની સ્થિતિ અને અન્ય પાયાની સુવિધાઓ અંગે માહિતી મેળવી હતી.
સરકારી સસ્તા અનાજની દુકાનોની તપાસ દરમિયાન કલેક્ટરશ્રીએ અનાજના જથ્થા અને વિતરણમાં ગેરરીતિ ન થાય તથા ફરિયાદો ન મળે તેની તકેદારી રાખવા રાખવા કડક સૂચનાઓ આપી હતી.
આ મુલાકાત દરમિયાન ચીખલી પ્રાંત અધિકારી શ્રી નિશાંત કુંગસિયા, તાલુકા વિકાસ અધિકારી શ્રીમતી ભાવનાબેન યાદવ, મામલતદાર શ્રી હિરેન મૈસૂરિયા, સરપંચશ્રી સહિત સંબંધિત અધિકારીઓ અને ગામના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
