હિન્દ ન્યુઝ, ડાંગ
ડાંગ જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત સરકારી પ્રાથમિક શાળાઓના મુખ્ય શિક્ષકો માટે તા. ૧૫ ઓક્ટોબરના રોજ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (DIET), વઘઈ ખાતે ‘ગુણવત્તા સુધારણા અને વહીવટી માર્ગદર્શન કાર્ય શિબિર’નું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ડાંગના ધારાસભ્ય શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, છેલ્લા એક દાયકામાં રાજ્ય સરકારે સરહદી અને છેવાડાના વિસ્તારોની શાળાઓમાં ભૌતિક સુવિધાઓ તેમજ શૈક્ષણિક સવલતોનો વ્યાપ મોટા પાયે વધાર્યો છે. આ તમામ સંસાધનોનો સીધો લાભ બાળકોને મળે અને તેમના શૈક્ષણિક સ્તરમાં ગુણાત્મક સુધારો થાય તે સુનિશ્ચિત કરવાની પ્રાથમિક જવાબદારી શાળા કક્ષાએ મુખ્ય શિક્ષકોની છે. આ બાબતને માત્ર સરકારી નોકરી પૂરતી સીમિત ન રાખતાં, નૈતિક ફરજ સમજી આજીવન ચરિતાર્થ કરવી પડશે.
જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઈ ગામીતે જણાવ્યું હતું કે, દરેક શાળા એ ગામનું ઘરેણું છે. શાળાના સર્વાંગી વિકાસમાં શિક્ષકો જેટલો જ સહયોગ ગામનો પણ હોવો જરૂરી છે. શાળામાં ચાલતી વિવિધ પ્રવૃત્તિઓથી ગામના આગેવાનો, SMC સભ્યો અને વાલીઓ સુમાહિતગાર રહે અને પરસ્પર સુમેળ સાધીને કાર્ય થાય તો શાળાકીય પરિણામોમાં ઝડપી અને હકારાત્મક પરિવર્તન આવશે.”
જિલ્લા કલેક્ટર એન. ડી. પરમારે મુખ્ય શિક્ષકો સાથે સંવાદ સાધતાં જણાવ્યું હતું કે, જિલ્લાની ફિલ્ડ વિઝિટ દરમિયાન ઘણી શાળાઓમાં પ્રશંસનીય શૈક્ષણિક કાર્ય જોવા મળ્યું છે, તો કેટલીક જગ્યાએ ત્રુટિઓ પણ સામે આવી છે. જે શાળાઓમાં કચાશ જણાઈ છે, ત્યાં ક્ષતિઓ નિવારી સુધારા તરફ કટિબદ્ધ થવું અનિવાર્ય છે. કલેક્ટરશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં તાકીદ કરતાં ઉમેર્યું કે, વાંચન, લેખન અને ગણન એ કોઈ બહારથી આપવાની સૂચના નથી, પરંતુ શિક્ષકની મૂળભૂત ફરજ છે; તેમાં કોઈ પણ પ્રકારની શિથિલતા ચલાવી શકાય નહીં.
ડાંગ જિલ્લામાં સ્થળાંતરની સમસ્યા અંગે કલેક્ટરએ જણાવ્યું કે, સ્થળાંતર એ ચિંતાનો વિષય હોઈ શકે, પરંતુ સમગ્ર શિક્ષા અભિયાન હેઠળ કાર્યરત ‘સિઝનલ હોસ્ટેલ’ તેનો સચોટ ઉકેલ છે. સ્થળાંતર કરતા વાલીઓનો સઘન સંપર્ક કરી તેમના બાળકો સ્થાનિક હોસ્ટેલમાં રહી અભ્યાસ ચાલુ રાખે તે જોવાની જવાબદારી જે-તે શાળાના મુખ્ય શિક્ષક અને સમગ્ર શિક્ષણ વિભાગની છે. આ પ્રસંગે તેમણે ભૂતકાળમાં શિક્ષક તરીકે વિતાવેલા પોતાના કાર્યકાળના અનુભવો પણ ઉપસ્થિત સૌને જણાવ્યાં હતા.
આ શિબિરમાં જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનએ પણ ઉપસ્થિત રહી વહીવટી તેમજ શૈક્ષણિક બાબતોનું ઝીણવટભર્યું માર્ગદર્શન પૂરું પાડી ડાંગના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે નિષ્ઠાપૂર્વક પ્રયાસો કરવા આહ્વાન કર્યું હતું.
સમગ્ર કાર્યક્રમનું સફળ સંકલન ડાયેટ વઘઈના પ્રાચાર્ય ડૉ. બી. એમ. રાઉત, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી વી. ડી. દેશમુખ તેમજ તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ કાર્ય શિબિરમાં ડાંગ જિલ્લાની શાળાઓના ૨૮૬ મુખ્ય શિક્ષકો, ત્રણેય તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ (TPEO), વઘઈ મામલતદારશ્રી, જિલ્લા શિક્ષણ નિરીક્ષકો (EI), બી.આર.સી.-સી.આર.સી. કો-ઓર્ડિનેટર્સ તેમજ સમગ્ર શિક્ષા અભિયાનની ટીમ ઉપસ્થિત રહી હતી.
