હિન્દ ન્યુઝ, દાહોદ
આગામી દિવાળી પર્વમાં સાર્વજનિક સલામતી જળવાઈ રહે અને અકસ્માતો અટકે તે હેતુથી નાયબ કલેક્ટર અને સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ (દાહોદ) શ્રી એમ.ડી. દવે દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમની કલમ-૩૩(૧)(ઝ) અન્વયે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ જાહેરનામા મુજબ, દાહોદ શહેરમાં સ્ટેશન રોડ સ્થિત કેશવ-માધવ રંગમંચ (ઓપન થિયેટર) ખાતે ફટાકડાના છૂટક વેચાણ માટેનું “નિયત સ્થળ” નક્કી કરવામાં આવ્યું છે. તારીખ ૨૪.૧૧.૨૦૨૬ સુધી નિયત સ્થળ અને મંજૂર થયેલ જગ્યા સિવાય શહેરના અન્ય કોઈ પણ વિસ્તારમાં ફટાકડાનું વેચાણ કરવા પર મનાઈ ફરમાવવામાં આવી છે.
મુખ્ય નિયમો અને શરતો:
લાયસન્સ અને સ્થળ: વેપારીઓએ ફરજિયાત હંગામી લાયસન્સ મેળવી માત્ર નક્કી કરાયેલા કેશવ-માધવ રંગમંચ પરથી જ વેચાણ કરવાનું રહેશે. પ્લોટની ફાળવણી નગરપાલિકા દ્વારા હરાજી/ભાડા પદ્ધતિથી કરાશે.
સુરક્ષા વ્યવસ્થા:
દુકાન આગળ શેડ કે પ્લેટફોર્મ બનાવી શકાશે નહીં. તમામ વિક્રેતાઓએ અગ્નિશામક સાધનો અને સલામતીની જરૂરી વ્યવસ્થા રાખવાની રહેશે, જેની ચકાસણી દાહોદ નગરપાલિકા કરશે.
નિયમોનું પાલન:
એક્સપ્લોઝિવ રૂલ્સ-૨૦૦૮ ના નિયમો તથા સુપ્રીમ કોર્ટની માર્ગદર્શિકા મુજબ નિયત ડેસિબલ (૧૨૫ dB) થી વધુ અવાજ કરતા ફટાકડા પર પ્રતિબંધ રહેશે.
આ હુકમનો અનાદર કરનાર સામે ભારતીય ન્યાય સંહિતા (BNS) ૨૦૨૩ ની કલમ-૨૨૩, જી.પી. એક્ટની કલમ-૧૩૧ અને એક્સપ્લોઝિવ એક્ટ હેઠળ કડક કાનૂની કાર્યવાહી કરવામાં આવશે
