હિન્દ ન્યુઝ, જામનગર
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ દ્વારા શ્રી કે. ડી. બારડ આર્ટ્સ એન્ડ કમ્પ્યુટર સાયન્સ કૉલેજ, કોડીનાર ખાતે આંતર કૉલેજ હેન્ડબોલ સ્પર્ધાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. યુનિવર્સિટી સંલગ્ન વિવિધ કૉલેજોની ટીમો વચ્ચે યોજાયેલી આ રસાકસીભરી સ્પર્ધામાં જૂનાગઢની ઐતિહાસિક બહાઉદ્દીન સરકારી વિનયન કૉલેજની ભાઈઓ તથા બહેનોની બંને ટીમોએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને ચેમ્પિયનશિપનો ખિતાબ હાંસલ કર્યો છે.
હેન્ડબોલ સ્પર્ધાના અંતિમ અને નિર્ણાયક મુકાબલામાં બંને વિભાગની ટીમોએ પોતાની રમત પ્રત્યેની લગન, એકતા અને શ્રેષ્ઠ રમતકૌશલ્યનો પરિચય કરાવ્યો હતો. ભાઈઓના વિભાગની ફાઇનલ મેચમાં બહાઉદ્દીન સરકારી વિનયન કૉલેજ, જૂનાગઢની ટીમે ગવર્મેન્ટ આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, તાલાલાની ટીમ સામે શાનદાર વિજય મેળવી ચેમ્પિયનશિપ કબજે કરી હતી. જ્યારે બહેનોના વિભાગમાં બહાઉદ્દીન કૉલેજની ટીમે જૂનાગઢની એમ. એમ. ઘોડાસરા મહિલા કૉલેજની ટીમને હરાવીને વિજેતા બનવાનું ગૌરવ પ્રાપ્ત કર્યું હતું.
એક જ સ્પર્ધામાં ભાઈઓ અને બહેનો—એમ બંને વિભાગમાં એકસાથે ચેમ્પિયન બનીને ખેલાડીઓએ કૉલેજની રમતગમત ક્ષેત્રની પ્રતિષ્ઠામાં ચાર ચાંદ લગાવ્યા છે. ખેલાડીઓની નિયમિત પ્રેક્ટિસ, કઠોર પરિશ્રમ, શિસ્ત અને કૉલેજના પી.ટી.આઈ. ડૉ. મોહસીન આઝાદ કુરેશીની અથાગ મહેનત તથા સચોટ માર્ગદર્શનના પરિણામે આ ગૌરવપૂર્ણ સફળતા પ્રાપ્ત થઈ છે.
કૉલેજની બંને ટીમોની આ નોંધપાત્ર સિદ્ધિ બદલ કૉલેજના આચાર્ય ડૉ. જે. આર. વાંઝા સાહેબે તમામ વિજેતા ખેલાડીઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, આ સફળતા કૉલેજના અન્ય વિદ્યાર્થીઓને પણ રમતગમત ક્ષેત્રે સક્રિય ભાગ લેવા અને પોતાની પ્રતિભા વિકસાવવા માટે નવી પ્રેરણા પૂરી પાડશે.
