મહાલ કેમ્પ સાઈટ ખાતે સરકારી આર્ટ્સ કોલેજ આહવાની ‘અધ્યાપક સજ્જતા શિબિર’ યોજાઈ

હિન્દ ન્યુઝ, ડાંગ 

    સરકારી વિનયન અને વાણિજ્ય કૉલેજ, આહવા-ડાંગ દ્વારા ફોરેસ્ટ કેમ્પ સાઈટ મહાલ ખાતે ‘પ્રકૃતિ શિક્ષણ અને માનવ જીવન’ વિષય પર એકદિવસીય અધ્યાપક સજ્જતા શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શિબિરનો મુખ્ય હેતુ અધ્યાપકોમાં પ્રકૃતિ પ્રત્યે સંવેદનશીલતા કેળવવી અને વર્તમાન શિક્ષણ વ્યવસ્થાના પડકારોનો ઉકેલ શોધવાનો હતો.

શિબિરના પ્રથમ સત્રમાં સમગ્ર સ્ટાફને ૬ ટીમોમાં વિભાજિત કરી વન પરિભ્રમણ અને વૃક્ષો-વનસ્પતિઓની ઓળખની સ્પર્ધા યોજાઈ હતી. કેમ્પ સાઈટના શ્રી વિપુલભાઈ વળવીએ માર્ગદર્શક તરીકે ઉપસ્થિત રહી અધ્યાપકોને ઔષધીય વનસ્પતિઓ અને સ્થાનિક જૈવવિવિધતા વિશે માહિતી પૂરી પાડી હતી.

દ્વિતીય સત્રમાં NEP-2020ના અમલીકરણ, સેમેસ્ટર પદ્ધતિ, ભારતીય જ્ઞાન પરંપરા અને અધ્યાપન પદ્ધતિને વધુ અસરકારક બનાવવા જેવા મહત્ત્વના મુદ્દાઓ પર ગહન ચર્ચા થઈ હતી. આ પ્રસંગે અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત સરકારી વિજ્ઞાન કોલેજ આહવાના આચાર્ય ડૉ. એ.જી. ધારિયાએ અધ્યાપન કાર્યને માત્ર સિલેબસ પૂરતું સીમિત ન રાખતાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને મૂલ્યનિષ્ઠા પર ભાર મૂક્યો હતો. અધ્યક્ષીય પ્રવચનમાં કૉલેજના આચાર્ય ડૉ. યુ.કે. ગાંગુર્ડેએ પ્રકૃતિ શિક્ષણ અને આધુનિક શિક્ષણપદ્ધતિઓના સમન્વય અંગે માર્ગદર્શન આપ્યું હતું.

અંતમાં ટીમવર્ક અને લીડરશીપ આધારિત વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું. આભારવિધિ IQAC કો-ઓર્ડીનેટર ડૉ. ડી.એમ. ગાવિત દ્વારા કરવામાં આવી હતી. સમગ્ર શિબિર પ્રકૃતિગીતના સામૂહિક ગાન સાથે ઉત્સાહપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ હતી.

 

Related posts

Leave a Comment