દિવેલાના પાકમાં ચુસિયા પ્રકારની જીવાતોના સંકલિત વ્યવસ્થાપન અંગે ખેડૂતો માટે માર્ગદર્શિકા જાહેર

હિન્દ ન્યુઝ, આણંદ

  આણંદના જિલ્લા ખેતીવાડી અધિકારી દ્વારા એક યાદીમાં જણાવ્યા અનુસાર દિવેલા (એરંડા) ના પાકમાં વિવિધ પ્રકારની ચુસિયા જીવાતોના ઉપદ્રવથી પાકને થતું નુકસાન અટકાવવા અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવવા માટે ખેતીવાડી ખાતા દ્વારા ખેડૂતો માટે સંકલિત કીટ વ્યવસ્થાપન અંગેની મહત્વની સલાહ અને માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે.

                જે મુજબ સમયસર નિયંત્રણના પગલા ભરી શકાય તે માટે દિવેલાના પાકમાં ચુસિયા પ્રકારની જીવાતોની હાજરી જાણવા માટે વાવણી બાદ એક મહિને પ્રતિ હેક્ટરે ૧૦ પીળા ચીણા પિંજર ગોઠવવાની ભલામણ કરવામાં આવી છે. આ ઉપરાંત,ચૂસીયા પ્રકારની જીવાતોના ઉપદ્રવ સમયે લીંબોળીનું તેલ ૫૦ મિ.લી. અથવા એઝાડિરેક્ટીન યુક્ત ૧૫૦૦ પીપીએમ દવા ૫૦ મિ.લી. સાથે ૧૦૦ મિ.લી.તેલીયા સાબુનું સંતૃપ્ત દ્રાવણ ૧૦ લીટર પાણીમાં ઉમેરીને છંટકાવ કરવો. ચુસિયા પ્રકારની જીવાતોના જૈવિક નિયંત્રણ માટે લેકાનીસીલીયમ લેકાની અથવા બીવેરીયા બેસિયાના ફુગનાશક પાવડર ૪૦ ગ્રામ પ્રતિ ૧૦ લિટર પાણીમાં ઉમેરી ઉપદ્રવ સમયે છંટકાવ કરવા જણાવાયું છે.

                તડતડીયા અને થ્રિપ્સ તેમજા પાન કોરિયાના નિયંત્રણ માટે શોષક પ્રકારની દવાઓ જેવી કે ઇમિડાક્લોપ્રિડ ૧૭.૮ એસએલ ૪ મિ.લી., ફિપ્રોનિલ ૫ ટકા એસસી ૪ મિ.લી. અને થિયામેથોક્ઝામ ૨૫ ડબલ્યુજી ૪ ગ્રામ પ્રતિ ૧૦ લીટર પાણીમાં ઉમેરીને છંટકાવ કરવો. તે જ રીતે સફેદમાખીના નિયંત્રણ માટે લીમડાની લીંબોળીનું તેલ ૫૦ મિ.લી. અથવા એસિટામાઇપ્રિડ ૨૦ એસપી ૩ ગ્રામ દવા પ્રમાણે ૧૦ લીટર પાણીમાં ઉમેરી છંટકાવ કરવાની સલાહ આપવામાં આવી છે.

                દવાના વપરાશ વખતે દવા ઉપર આપવામાં આવેલ લેબલ મુજબ જે તે પાક માટે, આપવામાં આવેલ ડોઝ અને જે તે રોગ/જીવાત માટેની દવા છે તે ભલામણ મુજબ અનુસરવા અનુરોધ કરાયો છે. તેમજ આ અંગે વધુ માહિતી અને માર્ગદર્શન મેળવવા માટે ખેડૂતોએ પોતાના વિસ્તારના ગ્રામસેવક, વિસ્તરણ અધિકારી, ખેતી અધિકારી, તાલુકા અમલીકરણ અધિકારી, મદદનીશ ખેતી નિયામક, જિલ્લા ખેતીવાડી અધિકારી અથવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ/તાલીમ) નો સંપર્ક સાધવો તેમ જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા વધુમાં જણાવાયુ છે.

Related posts

Leave a Comment