હિન્દ ન્યુઝ, ગીર સોમનાથ
ગીર સોમનાથ જિલ્લામાં આગામી માસમાં વિવિધ સમુદાયના લોકોના ધાર્મિક તહેવાર આવનાર હોય જેથી ધાર્મિક સ્થળો, જાહેર સ્થળો, વિગેરે સ્થળોએ મોટી સંખ્યામાં લોકો એકઠા થતા હોય, તેમજ સોમનાથ મંદિર ખાતે બહોળી સંખ્યામાં જનમેદની એકઠી થતી હોય છે.ગીર સોમનાથ જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કાયદો વ્યવસ્થા તથા જાહેર સુલેહશાંતિ જળવાઈ રહે તે હેતુસર અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ, શ્રી આર.જી.આલ દ્વારા હથિયારબંધીનું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું છે.
સમગ્ર ગીર સોમનાથ જિલ્લાના વિસ્તારમાં કોઈ પણ વ્યકિતએ શસ્ત્ર તલવાર, ભાલા, ચપ્પુ અથવા શારીરિક હિંસા પહોંચાડવામાં ઉપયોગી થઈ શકે તેવી બીજી કોઈ ચીજો લઈ જવા પર પ્રતિબંધ કરાયો છે. તેમજ પથ્થરો અથવા બીજા શસ્ત્રો ફેંકવા અથવા નાખવામાં ઉપયોગી હોય તેવા યંત્ર અથવા સાધનો લઈ જવા, એકઠા કરવા તથા તૈયાર કરવા નહી. અને વ્યકિતઓ અથવા તેના શબ અથવા આકૃત્તિઓ અથવા પુતળા દેખાડવા નહી.
આ ઉપરાંત અપમાન કરવા અથવા જાહેર કરવાના ઈરાદાથી જાહેર બિભત્સ સુત્રો પોકારવા નહી, અશ્લીલ ગીતો ગાવા નહી. તેમજ જેનાથી સુરૂચિનો અને શાંતિનો ભંગ થાય તેવું કરવું નહીં, તેવા હાવભાવ કરવા નહી, તેવી ચેષ્ટા કરવી નહી તથા ચિત્રો, પ્લેકાર્ડ અથવા બીજા કોઈ પદાર્થ અથવા વસ્તુઓ કરવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
આ જાહેરનામુ સરકારની નોકરીમાં કામ કરતી કોઈ વ્યકિત કે જેના ઉપર અધિકારીઓને ફરમાવ્યા હોય અથવા આવા કોઈ હથિયાર લઈ જવાની તેમની ફરજ હોય, તેમજ જિલ્લા પોલીસ અધિક્ષકશ્રીએ અથવા અધિકૃત કરેલ હોય તેવા કોઈ પણ અધિકારીશ્રીઓએ જેને શારીરિક અશકિતને કારણે લાઠી લઈ જવાની અથવા શુભ હેતુથી ધંધો કરવાની પરવાનગી આપી હોય તે વ્યકિત, અને ખેડુતો પોતાના ખેતીકામ માટે ખેતીના ઓજારો લઈ જવામાં હાડમારી ન થાય તેમજ રોજીંદા કામ કરી શકે તે આશયથી ખેડુતો પોતાના ઓજારો ખેતીકામ માટે લઈ જતા હોય તેવા વ્યક્તિઓને લાગુ પડશે નહી.
આ જાહેરનામાના કોઈ ખંડનો ભંગ કરનાર અથવા પાલન ન કરવામાં મદદ કરનાર વ્યકિતને ગુજરાત પોલીસ અધિનીયમ-૧૯૫૧ની કલમ-૧૩૫(૧) મુજબ એક વર્ષની મુદત સુધીની કેદની શિક્ષા તેમજ દંડને પાત્ર થશે.
ભારતીય ન્યાય સંહિતાની કલમ-૨૨૩ મુજબ તે વ્યકિતનો ગુનો સાબિત થયેથી છ માસની સાદી કેદ અને રૂા.૨૫૦૦/-નો દંડ અથવા બંને શિક્ષા થઈ શકશે અને આ હુકમની અવગણના માનવ જીવનને અથવા સ્વાસ્થ્યને અથવા સલામતીને નુકશાન કરે, ભય ઉત્પન્ન થાય અથવા કોઈ હુલ્લડ, બખેડો થાય તેવા વ્યકિત ૬ (છ) માસ સુધીની પરિશ્રમ અથવા સાદી કેદ અથવા રૂા. ૧૦૦૦/- સુધીનો દંડ સહિત બંને શિક્ષાને પાત્ર ઠરશે. આ જાહેરનામું તા.૧૦/૦૯/૨૦૨૬થી દિન-૩૦ સુધી અમલમાં રહેશે.
