હિન્દ ન્યુઝ,
શિક્ષણ વિભાગ, ગુજરાત રાજ્ય પ્રેરિત જિલ્લા શિક્ષણાધિકારીની કચેરી અને જિલ્લા પ્રાથમિક શિક્ષાધિકારીની કચેરી, દ્વારા સરકારી માધ્યમિક શાળા આહવા ખાતે આજરોજ ૫ મી સપ્ટેમ્બર શિક્ષક દિન નિમિત્તે ગુજરાત વિધાનસભા નાયબ મુખ્ય દંડક વ ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને શ્રેષ્ઠ શિક્ષક સન્માન સમારોહ યોજવામા આવ્યો હતો.
આ પ્રંસગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, શિક્ષક માત્ર પુસ્તકીય જ્ઞાન આપનાર નથી પરંતુ બાળકને જીવન જીવવાની કળા શીખવી સમાજનું ઘડતર કરનાર સાચો માર્ગદર્શક છે. શ્રી પટેલે ભારતના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ અને મહાન શિક્ષણવિદ્ ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણનજીને જન્મજયંતિ નિમિત્તે શ્રદ્ધાંજલિ અર્પણ કરી તમામ શિક્ષકોને શિક્ષક દિવસની શુભેચ્છાઓ પાઠવી હતી.
શિક્ષક સમાજના ભવિષ્યના શિલ્પકાર છે. આજે ડાંગ જિલ્લાએ ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં સમગ્ર ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવીને ઐતિહાસિક સિદ્ધિ હાંસલ કરી છે. આ સફળતા માત્ર આંકડા નથી, પરંતુ ડાંગના હજારો પરિવારોના સપનાઓને શિક્ષકોએ આપેલી પાંખોનું પરિણામ છે. આપણો એક જ સંકલ્પ છે કે ડાંગનો એક પણ બાળક શિક્ષણ કે યોગ્ય તકથી વંચિત ન રહે અને દરેક બાળક પોતાના સપનાની ઊંચાઈ સુધી પહોંચે, તેમ વિજયભાઈ પટેલે જણાવ્યું હતું.
તેમણે શિક્ષણ પરિણામોની વિગતો આપતાં જણાવ્યું હતું કે, ધોરણ-૧૨ સામાન્ય પ્રવાહમાં ૯૭.૨૧ ટકા સાથે ડાંગ જિલ્લો સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમે રહ્યો છે. અને વિજ્ઞાન પ્રવાહમાં ૮૯.૭૧ ટકા પરિણામ સાથે રાજ્યમાં આઠમો ક્રમ પ્રાપ્ત કર્યો છે. જ્યારે ધોરણ-૧૦ SSCમાં ડાંગ જિલ્લાએ ૮૮.૧૭ ટકા પરિણામ સાથે સમગ્ર ગુજરાતમાં છઠ્ઠો ક્રમ મેળવ્યો છે. જિલ્લામાં કાર્યરત ૭૫ માધ્યમિક શાળાઓમાં અભ્યાસ કરતા ૧૪,૬૭૬ જેટલા વિદ્યાર્થીઓના સપનાઓને સાકાર કરવાનું ભગીરથ કાર્ય શિક્ષકો કરી રહ્યા છે. આ સફળતા પાછળ વિદ્યાર્થીઓની મહેનત, વાલીઓનો વિશ્વાસ અને શિક્ષકોની અથાક નિષ્ઠા રહેલી હોવાનું તેમણે જણાવ્યું હતું.
જિલ્લામાં શિક્ષણના આધુનિકીકરણની વિગતો આપતાં તેમણે જણાવ્યું કે, તમામ શાળાઓમાં સ્માર્ટ ક્લાસ દ્વારા ટેકનોલોજી આધારિત શિક્ષણ અને વોકેશનલ ટ્રેડ દ્વારા કૌશલ્ય વિકાસ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત ભેંસકાતરી, વઘઈ અને બારખાંધ્યા ખાતે નવા અદ્યતન માધ્યમિક શાળા ભવનો તૈયાર થઈ ગયા છે. RMSA અંતર્ગત કોટબા, ગોંડલવિહિર, કડમાળ અને હનવતપાડા ખાતે ચાર નવી શાળાઓ મંજૂર થઈ છે તથા આહવા ખાતે સરકારી બિરસા મુંડા માધ્યમિક શાળા પણ શરૂ કરાઈ છે, જેથી વિદ્યાર્થીઓને ૧ થી ૧૨ સુધીનું શિક્ષણ પોતાના જ સંકુલમાં મળી રહે.
આજે બીલીઆંબા જેવી અંતરિયાળ વિસ્તારની શાળામાં શિક્ષકોના પરિણામ થકી શાળા અને ગામનું નામ રોશન થયું છે. ત્યારે ડાંગ જેવા વિસ્તારમાં દરેક બાળકોમાં શિક્ષણનો વ્યાપ વધારવા, સૌ શિક્ષકોને શ્રી વિજયભાઈ પટેલે શિક્ષકોને અનુરોધ કર્યો હતો.
કાર્યક્રમ દરમિયાન તાલુકા કક્ષાએ પસંદ થયેલ શ્રેષ્ઠ શિક્ષકને ₹૫,૦૦૦ અને જિલ્લા કક્ષાએ ત્રણ શ્રેષ્ઠ શિક્ષકોને ₹૧૫,૦૦૦નો રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત, ડાંગ જિલ્લાની ગોંડલવિહિર પ્રાથમિક શાળાના શિક્ષિકા કલ્પનાબેન પુન્યાભાઈ માહલાની રાજ્યકક્ષાએ શ્રેષ્ઠ શિક્ષક તરીકે પસંદગી થવા બદલ અને સન્માન મળવા બદલ તેમણે વિશેષ અભિનંદન પાઠવ્યા હતા.
આ પ્રસંગે ડાંગ જિલ્લા કલેક્ટર એન. ડી. પરમારે શિક્ષકોની ભૂમિકાને બિરદાવતાં જણાવ્યું હતું કે, શિક્ષક એ પ્રેરણાનો અખૂટ સાગર છે. તેઓ વિદ્યાર્થીઓને માત્ર પુસ્તકીય જ્ઞાન જ નથી આપતા, પરંતુ સાચી દિશા બતાવી તેમના સર્વાંગી વ્યક્તિત્વને આકાર આપે છે અને દેશના એક આદર્શ નાગરિકનું ઘડતર કરે છે.
પોતાના સેવાકાળના અનુભવો વાગોળતાં કલેક્ટરશ્રીએ જણાવ્યું હતું કે, તેમણે ભૂતકાળમાં પોતે પણ શિક્ષક તરીકે સેવાઓ આપી છે. તેઓ જ્યારે પણ ગ્રામ્ય વિસ્તારોની મુલાકાતે જાય છે, ત્યારે બાળકો સાથે મુક્ત મને સંવાદ સાધી તેમના અભ્યાસ અને પ્રવૃત્તિઓ અંગે જાણકારી મેળવે છે. તેમણે સંતોષ વ્યક્ત કર્યો હતો કે ડાંગ જિલ્લામાં શિક્ષકો વિષયક કોઈ ફરિયાદ જોવા મળી નથી, જે જિલ્લાના શિક્ષણ જગતની કર્તવ્યનિષ્ઠા દર્શાવે છે.
આ પ્રસંગે ઉત્કૃષ્ટ કામગીરી બદલ સન્માનિત થયેલા તમામ શિક્ષકોને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. સાથે જ, બાળકોના પોષણ અને તંદુરસ્તીને ધ્યાને રાખી તેમણે આહવાન કર્યું હતું કે દરેક શાળામાં ‘કિચન ગાર્ડન’ તૈયાર કરવામાં આવે, જેથી મધ્યાહ્ન ભોજન યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને તાજા અને શુદ્ધ શાકભાજી મળી રહે.
શિક્ષક દિન નિમિત્તે જિલ્લા શિક્ષણ અધિકારી શ્રી જીગ્નેશ ત્રિવેદીએ ભારતના પ્રથમ રાષ્ટ્રપતિ ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણનના જીવન પ્રસંગો વર્ણવ્યા હતા. તેમજ ડાંગ જિલ્લામાં શિક્ષકોની ભૂમિકાઓ વર્ણવી શાળાઓના સારાં પરિણામ બાબતે શિક્ષકોને અભિનંદન પાઠવ્યા હતાં.
શિક્ષક દિન નિમિત્તે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે જિલ્લા કક્ષાએ શ્રીમતી હેતલબેન પટેલ, શ્રીમતી રીનાબેન કોંકણી, શ્રી અંકુરભાઈ ગામીત તેમજ તાલુકા કક્ષાએ શ્રીમતી અનિતાકુમારી આહીરને શ્રેષ્ઠ શિક્ષક તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા.
વઘઈ ડાયટના પ્રાચાર્ય ડો. બી.એમ.રાઉતે પ્રાસંગિક સ્વાગત, તેમજ પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી શ્રી વિજયભાઈ દેશમુખે કાર્યક્રમની આભારવિધિ આટોપી હતી.
આ પ્રંસગે ડાંગ જિલ્લા માધ્યમિક અને પ્રાથમિક શિક્ષક સંઘના હોદ્દેદારો, સિ.આર.સી, બી.આર.સી, તેમજ શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા.
