દાહોદ DRDA નિયામકની લીમખેડા RSETI સેન્ટરની મુલાકાત: તાલીમાર્થી બહેનોને સ્વરોજગાર માટે પ્રેરક માર્ગદર્શન પૂરું પાડ્યું

હિન્દ ન્યુઝ, દાહોદ 

    દાહોદ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી (DRDA)ના નિયામક દ્વારા લીમખેડા સ્થિત રૂ૨લ સેલ્ફ એમ્પ્લોયમેન્ટ ટ્રેનિંગ ઈન્સ્ટિટ્યૂટ (RSETI) સેન્ટરની સઘન મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ્ય કેન્દ્ર ખાતે તાલીમ મેળવી રહેલી મહિલાઓની કામગીરીનું મૂલ્યાંકન કરવાનો અને તેમને આત્મનિર્ભરતા તરફ પ્રોત્સાહિત કરવાનો હતો.

મુલાકાત દરમિયાન DRDA નિયામકે બ્યુટી પાર્લર અને સીવણ વર્ગની તાલીમાર્થી બહેનો સાથે સીધો સંવાદ સાધ્યો હતો. બ્યુટી પાર્લર ક્ષેત્રે ગ્રાહક વ્યવહાર, સ્વચ્છતા અને હાઇજીન, આધુનિક સાધનોનો ઉપયોગ તેમજ વિવિધ સર્વિસની ગુણવત્તા જાળવવા બાબતે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. નિયામકશ્રીએ મહિલાઓને ગ્રામીણ અને સ્થાનિક કક્ષાએ ઘરેથી જ નાનો વ્યવસાય શરૂ કરી નિયમિત આવક મેળવવા પ્રોત્સાહિત કર્યા હતા.

આ ઉપરાંત, સીવણ વર્ગની બહેનોને વિવિધ વસ્ત્રોની ડિઝાઇનિંગ, સ્થાનિક બજારની માંગ અનુસાર ઉત્પાદન અને સીવણ મશીનના કુશળ ઉપયોગ દ્વારા ઘરઆધારિત સ્વરોજગાર ઊભો કરવા માટે ઉપયોગી માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલીમ બાદ વ્યવસાય શરૂ કરતી વખતે આવતી વ્યવહારિક મુશ્કેલીઓ અંગે પણ સકારાત્મક ચર્ચા કરી યોગ્ય ઉકેલો દર્શાવવામાં આવ્યા હતા.

તાલીમાર્થીઓને પ્રેરણા આપતા DRDA નિયામકશ્રીએ જણાવ્યું હતું કે, “તાલીમ પૂર્ણ કરવી એ અંતિમ હેતુ નથી, પરંતુ મેળવેલા કૌશલ્યને સફળ વ્યવસાયમાં રૂપાંતરિત કરીને સ્વતંત્ર અને પગભર થવું એ જ સાચો ધ્યેય છે.”

મહિલા સશક્તિકરણ અને સ્વરોજગારની દિશામાં RSETI સેન્ટર દ્વારા કરવામાં આવી રહેલી આ કામગીરીને બિરદાવવામાં આવી હતી.

Related posts

Leave a Comment