હોટેલમાં રોકાણ કરનાર ગ્રાહક, મુસાફરોની માહિતી ‘પથિક’ સોફ્ટવેરમાં ઓનલાઈન કરવી ફરજિયાત

હિન્દ ન્યુઝ, ડાંગ

   ગુજરાત સહિત સમગ્ર દેશમાં આતંકવાદ અને ત્રાસવાદના કૃત્યોના બનાવની સભાવનાને ધ્યાને રાખી, ગુજરાતના સરહદી વિસ્તારના ડાંગ જિલ્લામાં કોઇ અનિચ્છનીય બનાવ ન બને, અને કાયદો-વ્યવસ્થા સુપેરે જળવાઇ રહે તે માટે, જિલ્લા પોલીસ તંત્ર દ્વારા સાવચેતીના પગલારૂપે ઘનિષ્ઠ ચેકીંગ તથા અનેક વિવિધ પ્રકારના પગલાઓ લેવામાં આવી રહ્યા છે.

ડાંગ જિલ્લામા આવેલા વિખ્યાત ગિરિમથક સાપુતારા ખુબ જ મહત્વનુ પ્રવાસન સ્થાન હોઈ, અહીં બારેમાસ મોટી સંખ્યામા દેશ-વિદેશના પ્રવાસીઓની અવર-જવર રહેતી હોય છે. જેનો કોઈ દેશ વિરોધી કે આતંકવાદી તત્વો ગેરલાભ ન ઉઠાવે તે હેતુથી, સમગ્ર જિલ્લા અને તાલુકામા આવેલી હોટલો, લોજ, ગેસ્ટ હાઉસો, ધર્મશાળાઓ, રિસોર્ટ્સ, ટેન્ટ હાઉસ વિગેરેનુ સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામા આવે છે. દરમિયાન એવુ જણાયેલ છે કે, હોટલો, લોજ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળાઓ વિગેરેમા જે રજીસ્ટરો નિભાવવામા આવે છે. તેમા ઘણી અપૂર્તતા જણાય છે, અને રાત્રી રોકાણ કરનાર તમામ ગેસ્ટની પુરતી માહિતી તથા જે તે વ્યક્તિની ચોકકસ ઓળખ મળી શકે તેવા જરૂરી ડોકયુમેન્ટ મેળવવામા આવતા નથી. આ સ્થિતિ બિલકુલ અનિચ્છનિય હોઇ નિયમિત સમયાંતરે તમામ હોટેલોનુ પોલીસ ચેકીંગ ખુબજ જરૂરી છે. 

જેથી ગુજરાત રાજયમા વેબ ડિઝાઇન કરવામા આવેલા “પથિક” (programme for analysis of travellers and hotel informatics) સોફટવેરનુ અમદાવાદ શહેર, ક્રાઇમ બ્રાંચ ખાતે એક સર્વર કાર્યરત કરાયુ છે. આ સોફટવેરમા હોટલમા રોકાણ કરનાર ગ્રાહકોની માહિતીની હોટલ ખાતેથી ઇન્ટરનેટ દ્વારા એન્ટ્રી માટેનુ સીકયોર વેબપોર્ટલ બનાવવામાં આવ્યું છે.

જિલ્લામા આવેલ તમામ હોટલો, રિસોર્ટ્સ, લોજ, ગેસ્ટ હાઉસ, ધર્મશાળાઓ, ટેંટ સિટી અને અન્ય જગ્યાઓ ઉપર કે જ્યા કોઈ પણ વ્યક્તિ આવીને રોકાણ કરે છે. તેમના નામ, સરનામા, મોબાઇલ નંબર ઉપરાંત જે મુસાફરો રાત્રી રોકાણ કરે છે તેઓ જે વાહનમા આવે તે વાહનનો પ્રકાર, વાહન રજીસ્ટ્રેશન નંબર તથા પબ્લીક ટ્રાન્સપોર્ટમા આવેલા હોય તો તે મુજબની તમામ વિગતો, તેમના ઓળખાણના પુરાવા વિગેરે મેળવી તેની નોંધ ‘પથિક’ સોફટવેરમા ફરજીયાત ઓનલાઇન ચઢાવવા બાબતની કાર્યવાહી કરવાની થાય છે.

જે ધ્યાને લઇ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ની કલમ-૧૬૩ અન્વયે ડાંગના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એચ. એમ. જણકાટ દ્વારા એક મહત્વનું જાહેરનામું પ્રસિધ્ધ કરવામા આવ્યુ છે. 

આ જાહેરનામું સમગ્ર ડાંગ જિલ્લાના સમગ્ર મહેસૂલી વિસ્તાર (સાપુતારા સહિત)મા લાગુ થશે. આ જાહેરનામુ તારીખ ૨૧ ઓગસ્ટ ઓક્ટોબર -૨૦૨૬ થી ૧૯ ઓક્ટોબર -૨૦૨૬ સુધી અમલમા રહેશે.

આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ હેઠળ શિક્ષાને પાત્ર થશે. આ જાહેરનામાનો ભંગ/ઉલ્લંઘન કરવા બદલ ફરિયાદ માંડવા ફરજ પરના પોલીસ હેડ કોન્સ્ટેબલ કે તેનાથી ઉપલી કક્ષાના પોલીસ અઘિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે.

 

Related posts

Leave a Comment