હિન્દ ન્યુઝ, ડાંગ
ડાંગ જિલ્લાના ગિરિમથક સાપુતારા ખાતે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિ. તથા મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગુજરાત સરકારના સંયુક્ત ઉપક્રમે તા. ૧૪ ઓગસ્ટથી તા. ૨૩ ઓગસ્ટ, ૨૦૨૬ દરમિયાન ‘રાખી મેળા’નું આયોજન કરવામાં આવ્યું છે. ત્યારે ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલ જિલ્લાના પ્રભારી મંત્રીશ્રી ડો.જયરામભાઇ ગામીતે આજરોજ રાખી મેળાની મુલાકાત લઇ મહિલા કારીગરોને પ્રોત્સાહિત કરી હતી.
‘સ્વદેશી રાખી–સ્વાવલંબનની ડોરી’ની થીમ સાથે શરૂ થયેલ આ મેળો મહિલા કારીગરો તથા સ્વસહાય જૂથોને તેમની હસ્તકલા અને ઉત્પાદનોના વેચાણ માટે પ્લેટફોર્મ મળી રહે અને મહિલાઓમાં આત્મનિર્ભરતા તથા રોજગારીની તકોને પ્રોત્સાહન મળે તે માટેનો છે. ગુજરાતની મહિલાઓ દ્વારા નિર્મિત હસ્તકલાની અનોખી કૃતિઓ, રોજિંદા ઉપયોગની ચીજવસ્તુઓ તેમજ ઘર સુશોભનની આકર્ષક કલાકૃતિઓનું પ્રદર્શન અને વેચાણ આ મેળામાં કરવામાં કરવામાં આવી રહ્યું છે.
આ પ્રસંગે ડાંગ જિલ્લા પંચાયત પ્રમુખ રાજેશભાઇ ગામીત, ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક વિજયભાઇ પટેલ, જિલ્લા સદસ્ય દિનેશભાઇ હિલીમ તેમજ મહિલા અને બાળ વિકાસ અધિકારી ડો.મનિષાબેન મૂલતાની સહીત સખી મંડળની બહેનો ઉપસ્થિત રહી હતી.
