હિન્દ ન્યુઝ, કચ્છ
કચ્છ જિલ્લામાં શિક્ષણ અને બાળકોના પોષણ સ્તરને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ સમગ્ર વહીવટીતંત્ર સતત પ્રયત્નશીલ છે. જેના ભાગરૂપે આજરોજ કલેક્ટરએ નારણપર રોહા ગામની પ્રાથમિક શાળા અને આંગણવાડીની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે શાળાના બાળકો અને સ્ટાફ સાથે આત્મીય સંવાદ સાધ્યો હતો.
આ મુલાકાતની સૌથી ધ્યાન ખેંચનારી બાબત એ રહી હતી કે, કલેક્ટર અનિલ રાણાવસિયાએ શાળામાં ચાલતી મધ્યાહન ભોજન યોજનાની કામગીરીની જાત તપાસ કરી હતી. તેમણે સરકારના નિર્ધારિત મેનુ મુજબ રસોઈયા બહેનો દ્વારા બનાવેલા ‘પૌંઆ’નો સ્વાદ માણ્યો હતો. ભોજનની શુદ્ધતા અને સ્વાદથી પ્રભાવિત થઈને કલેક્ટરએ તેની ખૂબ પ્રશંસા કરી હતી. મધ્યાહન ભોજન બનાવતા બહેનોના આગ્રહ અને પ્રેમને માન આપીને કલેક્ટરએ પૌંઆનો સ્વીકાર કર્યો હતો અને તેમની નિષ્ઠાપૂર્વકની કામગીરીને બિરદાવી હતી.
શાળામાં મધ્યાહન ભોજનની કામગીરી વધુ સુવિધાજનક બને અને બાળકોને જમવા માટે યોગ્ય વ્યવસ્થા મળી રહે તે હેતુથી કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાએ સ્થળ પર જ ત્વરિત અને હકારાત્મક નિર્ણય લઈને મધ્યાહન ભોજન શેડ બનાવવા માટે રૂ. ૫ લાખની ગ્રાન્ટ ફાળવવાની જાહેરાત કરી હતી. કલેક્ટરના આ લોકાભિમુખ અને પ્રોત્સાહક પગલાંથી નારણપર રોહાના ગ્રામજનો, પંચાયત સભ્યો અને શાળા પરિવારે વહીવટી તંત્રનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.
