હિન્દ ન્યુઝ, દાહોદ
દાહોદ અનાજ મહાજન સાર્વજનિક એજ્યુકેશન સોસાયટી સંચાલિત નવજીવન આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજ, દાહોદ ખાતે આચાર્ય ડૉ. બી. આર. બોદર તથા વાઈસ પ્રિન્સિપાલ ડૉ. હરેશ કે. પંચાલના માર્ગદર્શન હેઠળ ‘ઉદિશા પ્લેસમેન્ટ સેલ’ના ઉપક્રમે વિદ્યાર્થીઓ માટે “કારકિર્દી માર્ગદર્શન” કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું.
કાર્યક્રમના પ્રારંભે ઉદિશા સેલના કો-ઓર્ડિનેટર ડૉ. એલ. પી. પરમારે આમંત્રિત મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરી કાર્યક્રમની રૂપરેખા અને ઉદ્દેશ્ય સ્પષ્ટ કર્યો હતો.
કાર્યક્રમમાં ઉપસ્થિત વિવિધ ક્ષેત્રના નિષ્ણાત વક્તાઓએ વિદ્યાર્થીઓને ભવિષ્યની કારકિર્દી અંગે ઉપયોગી માહિતી પૂરી પાડી હતી.
• ઓવરસીઝ કાઉન્સેલિંગ: મદદનીશ નિયામકની કચેરી (તરસાલી, વડોદરા)ના ઓવરસીઝ કાઉન્સેલર શ્રીમતી અંજનાબેન પટેલ દ્વારા પાસપોર્ટ પ્રક્રિયા તેમજ વિદેશમાં અભ્યાસ અને રોજગારની ઉપલબ્ધ તકો અંગે વિસ્તૃત માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
• રોજગાર અને કૌશલ્ય વિકાસ: જિલ્લા રોજગાર કચેરી, દાહોદના કેરિયર કાઉન્સેલર શ્રીમતી હિરલબેન એમ. સેલોત અને ધર્મેશભાઈ ચૌહાણ દ્વારા વિદ્યાર્થીઓને પોતાની ક્ષમતા ઓળખવા, સરકારી રોજગાર યોજનાઓનો લાભ લેવા અને રોજગારલક્ષી કૌશલ્યો (Skill Development) વિકસાવવા પ્રેરણા પૂરી પાડવામાં આવી હતી.
સત્રના અંતે વિદ્યાર્થીઓએ પોતાની કારકિર્દી સંબંધિત પ્રશ્નો પૂછીને તજજ્ઞો પાસેથી સંતોષકારક માર્ગદર્શન મેળવ્યું હતું.
આ કાર્યક્રમમાં વાઇસ પ્રિન્સિપાલ ડૉ. એચ. કે. પંચાલ, સિનિયર પ્રોફેસર જી. જી. સંગાડા, સેલ્ફ ફાયનાન્સ કૉલેજના કોર્ડીનેટર ડૉ. ધવલ જોશી તેમજ ઉદિશા સેલના સભ્યો ડૉ. ઉત્તમ જાદવ, ડૉ. વિનય પટેલ, ડૉ. મુકેશ ટગરિયા, ડૉ. વરુણ ડામોર, પ્રા. ગિરવત પાંડોર અને પ્રાધ્યાપિકા ઈટલીબેન વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
કાર્યક્રમનું સફળ સંચાલન ડૉ. મેઘા ઠાકર દ્વારા કરવામાં આવ્યું હતું, જ્યારે અંતમાં ડૉ. જીતેન્દ્ર વણઝારાએ આભારવિધિ વ્યક્ત કરી હતી. આ માર્ગદર્શન શિબિરમાં મોટી સંખ્યામાં વિધાર્થીઓએ ઉપસ્થિત રહી લાભ લીધો હતો.
