હિન્દ ન્યુઝ, સાપુતારા
ચોમાસું એટલે હરિયાળી, ઠંડક અને પ્રકૃતિના અદભૂત સૌંદર્યને માણવાની ઋતુ. વરસાદના આગમન સાથે જ ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારાનું સૌંદર્ય અનેકગણું ખીલી ઊઠે છે. વાદળોથી ઘેરાયેલા પહાડો, ધુમ્મસની સફેદ ચાદર, ખળખળ વહેતાં ઝરણાં, લીલાછમ જંગલો અને મનમોહક વાતાવરણ વચ્ચે યોજાતો ‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ’ આજે ગુજરાતના સૌથી લોકપ્રિય મોન્સૂન ઉત્સવોમાં સ્થાન મેળવી ચૂક્યો છે.
છેલ્લા 18 વર્ષથી સતત ઉજવાતો આ મહોત્સવ માત્ર એક સાંસ્કૃતિક કાર્યક્રમ નથી, પરંતુ ડાંગ જિલ્લાના પર્યટન, આદિવાસી સંસ્કૃતિ અને સ્થાનિક અર્થતંત્રને નવી દિશા આપતો વિકાસનો ઉત્સવ બની ગયો છે. પ્રકૃતિ અને સંસ્કૃતિના અદભૂત સંગમને માણવા દર વર્ષે ગુજરાત સહિત દેશ-વિદેશમાંથી હજારો પ્રવાસીઓ સાપુતારાની મુલાકાત લે છે.
વર્ષ 2009માં શરૂ થયેલી એક દુરંદેશી પહેલ
વર્ષ 2009માં તત્કાલીન મુખ્યમંત્રી અને વર્તમાન વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ સાપુતારામાં મોન્સૂન ફેસ્ટિવલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ચોમાસામાં સાપુતારાના કુદરતી સૌંદર્યને વૈશ્વિક ઓળખ આપવાની સાથે ડાંગની સમૃદ્ધ આદિવાસી સંસ્કૃતિને વિશ્વ સમક્ષ રજૂ કરવાનો તેનો મુખ્ય ઉદ્દેશ હતો.
સમય જતાં આ પહેલે વિશાળ સ્વરૂપ ધારણ કર્યું અને આજે ‘સાપુતારા મેઘ મલ્હાર પર્વ’ ગુજરાતના પર્યટન કેલેન્ડરનો મહત્વપૂર્ણ ઉત્સવ બની ગયો છે. રાજ્ય સરકાર દર વર્ષે મહોત્સવમાં નવીન આકર્ષણો ઉમેરી પ્રવાસીઓને નવો અનુભવ કરાવવાનો પ્રયાસ કરે છે.
મેઘ, પર્વત અને પ્રકૃતિનું જીવંત ચિત્ર
ચોમાસા દરમિયાન સાપુતારાની ધરતી જાણે પ્રકૃતિનું જીવંત ચિત્ર બની જાય છે. સવારના સમયે પહાડોને વીંટળાતું ધુમ્મસ, વરસાદથી ધોવાઈ ગયેલી હરિયાળી, જંગલોમાંથી સંભળાતો પક્ષીઓનો કલરવ અને ખીણોમાં ગુંજતો ઝરણાઓનો સંગીતમય અવાજ દરેક પ્રવાસીને મંત્રમુગ્ધ કરી દે છે.
પ્રવાસીઓ સાપુતારા તળાવમાં બોટિંગ, સનસેટ પોઇન્ટ, સનરાઇઝ પોઇન્ટ, ગવર્નર હિલ, સ્ટેપ ગાર્ડન, રોઝ ગાર્ડન, આર્ટિસ્ટ વિલેજ, ટ્રાઇબલ મ્યુઝિયમ અને રોપ-વે જેવી અનેક જગ્યાઓની મુલાકાત લઈને કુદરતનો ભરપૂર આનંદ માણે છે.
વર્ષ 2026નો મેઘ મલ્હાર પર્વ
આ વર્ષે તા. 8 ઓગસ્ટથી 29 ઓગસ્ટ, 2026 દરમિયાન સાપુતારા મેઘ મલ્હાર પર્વનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર મહોત્સવ દરમિયાન સાંસ્કૃતિક કાર્યક્રમો, આદિવાસી લોકનૃત્ય, લોકસંગીત, હસ્તકલા પ્રદર્શન, સ્થાનિક વ્યંજનો, યુવા કલાકારોની રજૂઆતો, મનોરંજન કાર્યક્રમો અને વિવિધ પ્રવાસન પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવશે.
પ્રવાસીઓને માત્ર મનોરંજન જ નહીં, પરંતુ ડાંગની સમૃદ્ધ સાંસ્કૃતિક પરંપરા અને પ્રકૃતિ સાથેનો જીવંત પરિચય પણ મળશે.
આદિવાસી સંસ્કૃતિને નવી ઓળખ
ડાંગ જિલ્લો પોતાની સમૃદ્ધ આદિવાસી પરંપરા, લોકજીવન અને લોકકલાઓ માટે સમગ્ર દેશમાં આગવું સ્થાન ધરાવે છે. મેઘ મલ્હાર પર્વ દ્વારા સ્થાનિક કલાકારોને તેમની પ્રતિભા રજૂ કરવા માટે વિશાળ મંચ મળે છે.
ડાંગી લોકનૃત્ય, પરંપરાગત વાદ્યોની ધૂન, લોકગીતો, પરંપરાગત વેશભૂષા અને હસ્તકલાના વિવિધ નમૂનાઓ પ્રવાસીઓ માટે વિશેષ આકર્ષણનું કેન્દ્ર બને છે. આથી નવી પેઢીમાં પણ પોતાની સાંસ્કૃતિક પરંપરા પ્રત્યે ગૌરવ અને જાગૃતિ વધે છે.
સ્થાનિક અર્થતંત્રને મળે છે નવી ગતિ
મેઘ મલ્હાર પર્વ માત્ર પર્યટન પૂરતો મર્યાદિત નથી. તે સ્થાનિક અર્થતંત્ર માટે પણ આશીર્વાદરૂપ બન્યો છે.
મહોત્સવ દરમિયાન હોટેલ, રિસોર્ટ, હોમસ્ટે, રેસ્ટોરન્ટ, પરિવહન સેવા, માર્ગદર્શકો, ફોટોગ્રાફરો, નાના વેપારીઓ, હસ્તકલા કારીગરો તેમજ મહિલાઓના સ્વસહાય જૂથોની આવકમાં નોંધપાત્ર વધારો થાય છે. સ્થાનિક ઉત્પાદનોને વિશાળ બજાર મળે છે અને અનેક યુવાનોને મોસમી રોજગારીની તક પણ પ્રાપ્ત થાય છે.
આ રીતે પર્યટન અને રોજગારી વચ્ચેનો સકારાત્મક સંબંધ ડાંગ જિલ્લાના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ યોગદાન આપી રહ્યો છે.
મહિલાઓ અને યુવાનો માટે નવી તકો
મહિલા સ્વસહાય જૂથો દ્વારા તૈયાર કરવામાં આવતા સ્થાનિક ખાદ્ય પદાર્થો, હસ્તકલાની વસ્તુઓ અને પરંપરાગત ઉત્પાદનોને મહોત્સવ દરમિયાન વિશેષ પ્રોત્સાહન મળે છે. યુવા કલાકારો, સંગીતકારો અને સાંસ્કૃતિક મંડળોને પણ પોતાની પ્રતિભા રજૂ કરવાની ઉત્તમ તક મળે છે.
આ પહેલ આત્મનિર્ભરતા, સ્થાનિક રોજગારી અને ગ્રામ્ય અર્થતંત્રને વધુ મજબૂત બનાવવામાં મદદરૂપ બની રહી છે.
પર્યાવરણ સંરક્ષણનો સંદેશ
મેઘ મલ્હાર પર્વ માત્ર આનંદ અને મનોરંજનનો ઉત્સવ નથી, પરંતુ પર્યાવરણ પ્રત્યેની જવાબદારીનો પણ સંદેશ આપે છે. હરિયાળા જંગલો, જૈવ વૈવિધ્ય અને કુદરતી સંપત્તિના સંરક્ષણનું મહત્વ પ્રવાસીઓને સમજાવવામાં આવે છે.
સ્વચ્છતા, પ્લાસ્ટિક મુક્ત પર્યટન અને પ્રકૃતિના જતન અંગે જાગૃતિ લાવવાના પ્રયાસો મહોત્સવને વધુ અર્થપૂર્ણ બનાવે છે.
