હિન્દ ન્યુઝ, જામનગર
જામનગર શહેરના ધનવંતરી ઓડિટોરિયમ ખાતે રાજ્યના શિક્ષણ રાજ્યમંત્રી શ્રીમતી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને જિલ્લા કક્ષાનો ‘સમરસ વિદ્યા સેતુ’ કાર્યક્રમ યોજાયો હતો. શિક્ષણથી વંચિત રહેલા તેમજ શાળા છોડી ગયેલા બાળકોને ફરીથી શિક્ષણની મુખ્યધારામાં જોડવાના ઉદ્દેશ સાથે યોજાયેલા આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિક્ષણવિદો, શિક્ષકો, અધિકારીઓ અને નાગરિકોએ ઉપસ્થિતિ નોંધાવી હતી.
કાર્યક્રમને સંબોધતા રાજ્ય શિક્ષણમંત્રી શ્રીમતી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે રાજ્ય સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા એ છે કે રાજ્યમાં એકપણ બાળક શિક્ષણથી વંચિત ન રહે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શરૂ કરાયેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ જેવા અભિયાનોના પરિણામે દરેક બાળકને શિક્ષણનો મૂળભૂત અધિકાર સુનિશ્ચિત કરવાની દિશામાં નોંધપાત્ર સફળતા મળી છે.
તેમણે જણાવ્યું હતું કે બાલવાટિકાથી ધોરણ-12 સુધી વિદ્યાર્થીઓના નોંધણી દરમાં નોંધપાત્ર વધારો થયો છે. એક સમયે માત્ર 76 ટકા રહેલો એનરોલમેન્ટ દર આજે વધીને 99.99 ટકા સુધી પહોંચ્યો છે, જ્યારે રાજ્યનો ડ્રોપઆઉટ દર 37 ટકાથી ઘટીને માત્ર 2.37 ટકા રહ્યો છે. હવે વર્ષ 2030 સુધીમાં આ દરને શૂન્યની નજીક પહોંચાડવાનો રાજ્ય સરકારનો સંકલ્પ છે.
મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું કે કોઈપણ વિપરીત પરિસ્થિતિના કારણે જો કોઈ બાળક શિક્ષણ અધવચ્ચે છોડે તો સરકાર વાલી બની તેની સાથે ઉભી રહેશે. આ અભિયાનને સફળ બનાવવા માટે સમાજ, વાલીઓ અને નાગરિકોની સહભાગિતા પણ એટલી જ જરૂરી છે. વિકસિત ગુજરાત અને વિકસિત ભારતનું સ્વપ્ન ત્યારે જ સાકાર થશે જ્યારે આવનારી પેઢી ગુણવત્તાયુક્ત શિક્ષણ પ્રાપ્ત કરશે.
જામનગર જિલ્લાની સિદ્ધિઓનો ઉલ્લેખ કરતાં તેમણે જણાવ્યું હતું કે જિલ્લાનો વર્ષ 2022-23નો ડ્રોપઆઉટ રેશિયો 4.75 ટકા હતો, જે આજે ઘટીને માત્ર 1.80 ટકા રહ્યો છે. આ સિદ્ધિ બદલ તેમણે સમગ્ર શિક્ષણ વિભાગ, શિક્ષકો અને સંબંધિત સ્ટાફને અભિનંદન પાઠવ્યા હતા.
મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે રાજ્ય સરકાર બ્રિજ કોર્સ, હોસ્ટેલ સુવિધા સહિત વિવિધ શૈક
