ધરમપુરની પીએમ ઈએમઆરએસ ખાતે વલસાડ જિલ્લા કલેક્ટર નીતિન સાંગવાનની અધ્યક્ષતામાં ડિસ્ટ્રિક્ટ લેવલ મેનેજમેન્ટ કમિટીની બેઠક યોજાઈ

હિન્દ ન્યુઝ, ધરમપુર

   વલસાડ જિલ્લાના ધરમપુર સ્થિત પીએમ એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલ (EMRS) ખાતે જિલ્લા કલેક્ટરશ્રી નીતિન સાંગવાનની અધ્યક્ષતામાં ‘ડિસ્ટ્રિક્ટ લેવલ મેનેજમેન્ટ કમિટી’ (DLMC) ની એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકનો મુખ્ય હેતુ શાળાના સર્વાંગી વિકાસ અને બાળકોને ઉચ્ચ કક્ષાનું શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવાનો હતો.

બેઠક દરમિયાન જિલ્લા કલેક્ટરએ શાળાના ઈન્ફ્રાસ્ટ્રક્ચર (માળખાકીય) વિકાસ અંગે વિગતવાર સમીક્ષા કરી જણાવ્યું કે, વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ માટે જરૂરી તમામ મૂળભૂત ભૌતિક સુવિધાઓ સત્વરે મળી રહે તે અત્યંત જરૂરી છે. આ સંદર્ભે તેમણે શાળાના નવા ભવન નિર્માણનું કામ વહેલી તકે શરૂ કરવા માટે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.

બેઠક પૂર્ણ થયા બાદ, કલેક્ટરએ સમગ્ર શાળા પરિસર અને હોસ્ટેલની પ્રત્યક્ષ મુલાકાત લીધી હતી. તેમણે વિદ્યાર્થીઓની રહેવા-જમવાની વ્યવસ્થાઓ તથા સ્વચ્છતાનું નિરીક્ષણ કર્યું હતું. ત્યારબાદ તેમણે વર્ગખંડોની મુલાકાત લઈ વિદ્યાર્થીઓ સાથે ઉત્સાહપૂર્વક સીધો સંવાદ સાધ્યો હતો. 

વર્ગખંડ મુલાકાત દરમિયાન કલેક્ટરએ વિદ્યાર્થીઓને અંગ્રેજી, હિન્દી, વિજ્ઞાન અને ગણિત જેવા વિષયોમાંથી પ્રશ્નો પૂછીને તેમની વિષય સમજ અને જ્ઞાનનું સ્તર ચકાસ્યું હતું. વિદ્યાર્થીઓએ આપેલા સચોટ અને આત્મવિશ્વાસપૂર્ણ ઉત્તરોથી પ્રભાવિત થઈને કલેક્ટરએ બાળકોની હોશિયારી તેમજ શાળાના આચાર્ય, શિક્ષકો અને સમગ્ર સ્ટાફની નિષ્ઠાપૂર્વકની કામગીરીને બિરદાવી હતી.

Related posts

Leave a Comment