હિન્દ ન્યુઝ, ભુજ
સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ ગુજરાત સરકાર અંતર્ગત જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, જિલ્લા બાળ સુરક્ષા એકમ તથા સમાજ કલ્યાણ (વી.જા. વિભાગ) ભુજના સંયુક્ત ઉપક્રમે ભુજના માતૃશ્રી આર.ડી. વરસાણી હાઇસ્કૂલ ખાતે જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમનો હેતુ વિદ્યાર્થીઓ, શિક્ષકો અને શાળાના સ્ટાફને સરકારની કલ્યાણકારી યોજનાઓથી માહિતગાર કરવાનો હતો. આ સાથે બાળકોના અધિકારોના સંરક્ષણ, બાળલગ્ન પ્રથાના ઉન્મૂલન અને નશામુક્ત સમાજના નિર્માણ માટે લોકોને જાગૃત કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
કાર્યક્રમમાં ત્રણેય વિભાગોની જનકલ્યાણકારી યોજનાઓ, શૈક્ષણિક સહાય, શિષ્યવૃત્તિ યોજનાઓ અને સમાજ સુરક્ષા યોજનાઓ અંગે આચાર્ય, શિક્ષકો, ટ્રસ્ટીઓ અને વિદ્યાર્થીઓને માહિતી આપવામાં આવી હતી. યોજનાઓના હેતુ, પાત્રતા, જરૂરી દસ્તાવેજો અને અરજી પ્રક્રિયા સમજાવવામાં આવી હતી. જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી શ્રી દશરથ જે. દેસાઈ, ઈન્ચાર્જ જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી શ્રી હિતેન્દ્ર અમિઘર, જિલ્લા બાળ સુરક્ષા અધિકારી ડી.સી.પી.ઓ શ્રી વિપુલ બી. ડોરીયા, સમાજ કલ્યાણ નિરિક્ષક બિન અનામત વર્ગ શ્રી આશિષ રાટોડાં અને બાળ સુરક્ષા વિભાગના શ્રી જીતેન્દ્રભાઈ ગરવા દ્વારા યોજનાઓની માહિતી સમાજના છેવાડાના માનવી સુધી પહોંચાડવા અપીલ કરવામાં આવી હતી. અધિકારીઓએ જણાવ્યું હતું કે માહિતીના અભાવે કોઈ પણ જરૂરિયાતમંદ વ્યક્તિ લાભથી વંચિત ન રહે તે માટે નાગરિકોએ ભૂમિકા ભજવવી જોઈએ.
કાર્યક્રમમાં બાળલગ્ન નિવારણ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. બાળલગ્નના સામાજિક, શૈક્ષણિક, આરોગ્યલક્ષી અને કાનૂની પરિણામોની સમજણ આપી આ સામાજિક કુપ્રથાના ઉન્મૂલન માટે લોકોને સહભાગી થવા અનુરોધ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત નશા મુક્ત ભારત અભિયાન અંતર્ગત વ્યસનમુક્ત જીવનશૈલી અપનાવવા અને તમાકુ, દારૂ તથા અન્ય માદક પદાર્થોથી દૂર રહેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. કાર્યક્રમના અંતે હાજર વિદ્યાર્થીઓ, શિક્ષકો અને મહાનુભાવોએ નશામુક્ત સમાજ અને બાળલગ્નમુક્ત ભારતના સંકલ્પની પ્રતિજ્ઞા લીધી હતી.
આ પ્રસંગે કચ્છી લેવા પટેલ સમાજના ટ્રસ્ટી રામજીભાઈ સેંઘાણી, શાળાના આચાર્યશ્રી કોમલબેન ઠક્કર અને ગૃહપતિ શ્રી ભરત જોશી હાજર રહ્યા હતા. મહાનુભાવોએ વિદ્યાર્થીઓને યોજનાઓ પ્રત્યે જાગૃત રહી તેનો લાભ લેવા અને સમાજમાં જાગૃતિ ફેલાવવા પ્રેરિત કર્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સંકલન સિનિયર ક્લાર્ક ઇલેક્ટ્રિકલ ઇન્સ્પેક્ટર કચેરી ભુજ એમ. આઈ. બાયડ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમનું સંચાલન અને આભારવિધિ આચાર્ય કોમલબેન ઠક્કર અને ભરત જોશી દ્વારા કરવામાં આવી હતી. આ જાગૃતિ કાર્યક્રમ વિદ્યાર્થીઓમાં સરકારી યોજનાઓ પ્રત્યે જાગૃતિ વધારવામાં મદદરૂપ બન્યો હતો.
