હિન્દ ન્યુઝ, ડાંગ
ડાંગ જિલ્લાના વહીવટી તંત્રને વધુ ગતિશીલ, પારદર્શી અને લોકાભિમુખ બનાવવાના હેતુસર, તાજેતરમાં જિલ્લા કલેક્ટર શ્રી એન.ડી.પરમારે આહવા તાલુકાના જામનવિહીર ગામની મુલાકાત લઇ ગામ લોકો સાથે સીધો સંવાદ સાધી પ્રજાજનોની રજૂઆતો, પ્રશ્નોના મૂળમાં ઉતારવાનો પ્રયાસ હાથ ધર્યો હતો.
દરમિયાન ગ્રામજનો દ્વારા ગામમાં આવેલા HT, TC ના પોલના ઉપરના ભાગે તિરાડ પડી હોવા સાથે 11 કે.વી.વીજ લાઇન મોટા વૃક્ષોના ઝૂંડમાંથી પસાર થતી હોવાને કારણે ભવિષ્યમાં વૃક્ષ પડવાનાં સંજોગોમાં વીજ પોલ, TC તથા વીજ પુરવઠાને નુકસાન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.
ગ્રામજનોની રજુઆતને કારણે ધ્યાન પર આવેલી આ સમસ્યાના નિરાકરણ અર્થે કલેક્ટર શ્રી એન.ડી.પરમારે તાત્કાલિક વીજ વિભાગના અધિકારીઓને જરૂરી સુચના આપી પ્રશ્નનું નિરાકરણ લાવવા જણાવ્યું હતું. જેના પ્રતિસાદરૂપે વીજ વિભાગ દ્વારા ૨૪ કલાકથી પણ ઓછા સમયમાં ક્ષતિગ્રસ્ત ટ્રાન્સફોર્મર સ્ટ્રક્ચરના સ્થાને નવુ ટ્રાન્સફોર્મર સ્ટ્રક્ચર સ્થાપિત કરી વીજ માળખાને સુરક્ષિત કરવા સાથે, પર્યાવરણ સંરક્ષણને ધ્યાનમાં રાખીને વૃક્ષ કટીંગ કર્યા વગર મોટા વૃક્ષમાંથી પસાર થતી 11 કે.વી.વીજ લાઇનને કોટેડ કેબલના ઉપયોગ થકી વૈકલ્પિક રૂટ મારફતે શિફ્ટ કરી જોખમી પરિસ્થિતિનું નિવારણ કર્યું હતું.
આ રજુઆત સંદર્ભે કલેક્ટર દ્વારા ત્વરિત પ્રશ્ન નિકાલની દિશામાં કાર્યવાહી હાથ ધરાતા, ગ્રામજનોએ તંત્રની કામગીરી અંગે સંતોષ વ્યક્ત કરી કલેક્ટરનો આભાર વ્યક્ત કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે, કલેક્ટર એન. ડી.પરમારે તેમની આ મુલાકાત દરમિયાન ગ્રામજનો સાથે સરકારની વિવિધ યોજનાઓના અમલીકરણ બાબતે પણ ચર્ચા કરી હતી. સાથે જ મહેસુલી દફતરની ચકાસણી કરી ગામની આંગણવાડી, મધ્યાહન ભોજન કેન્દ્ર, અને પ્રાથમિક શાળાની મુલાકાત લઈ સંબંધિત અધિકારીઓને જરૂરી માર્ગદર્શન તથા સૂચનાઓ આપી પ્રજાજનોને સુશાસનની અનુભૂતિ કરાવવાના સરકારના પ્રયાસોમાં જિલ્લા વહીવટી તંત્રની હકારાત્મક ભૂમિકા સુનિશ્ચિત કરવાની પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી હતી.
