પ્રાથમિક/માધ્યમિક શાળા શિક્ષકના દ્રઢ સંકલ્પે ઘડી ગુજરાત રાજ્યની રગ્બી રમત ટીમની વાઇસ કેપ્ટન

હિન્દ ન્યુઝ, દાહોદ

“દરેક બાળકમાં એક અનોખી પ્રતિભા છુપાયેલી હોય છે. જરૂર હોય છે તો માત્ર તેને ઓળખનારા, પ્રોત્સાહન આપનારા અને યોગ્ય દિશા બતાવનારા શિક્ષકની.” દાહોદ જિલ્લાના એક નાનકડા ગામમાંથી શરૂ થયેલી આ સફર એ વાતને સાબિત કરે છે કે, શિક્ષકનો એક દ્રઢ સંકલ્પ અને વિદ્યાર્થીની મહેનત મળીને અશક્ય લાગતું સ્વપ્ન પણ સાકાર કરી શકે છે.

હા, અહી વાત છે દાહોદ જિલ્લાના દાહોદ તાલુકાના મધ્યપ્રદેશની સરહદે આવેલા અંતરિયાળ એવા આગાવાડા ગામની હવેલી ફળિયા, વર્ગ પ્રાથમિક શાળામાં ધોરણ-૬ માં અભ્યાસ કરતી વિદ્યાર્થીની કટારા મનીષાની. સતત આઠ થી દસ દિવસ સુધી શાળાએ ન આવતાં સમયાંતરે એના વર્ગ શિક્ષકશ્રી જનકસિંહ મોરી દ્વારા વાલી સંપર્ક કરવામાં આવ્યો તેમ છતાં પણ એ શાળાએ આવતી નહોતી. ચોથીવાર વર્ગશિક્ષકશ્રી મોરી જનકસિંહે વાલી સંપર્ક થકી મનીષાને ફરી શાળાએ મોકલવા વિનંતી કરી. આ વખતે વાલીએ જણાવ્યું કે, બાળકીને ભણવામાં રસ નથી અને હવે તેનું નામ શાળામાંથી કાઢી નાખવું છે. પરંતુ શિક્ષક મોરીએ હાર માની નહીં. તેમણે વાલી અને વિદ્યાર્થીનીને લગભગ ૧૫ થી ૨૦ મિનિટ સુધી સમજાવ્યા અને માત્ર સાત દિવસ માટે શાળાએ મોકલવાની વિનંતી કરી. તેમણે વિશ્વાસ અપાવ્યો કે, વિદ્યાર્થીની મનીષાને શાળા ગમવા લાગશે.

હા, આ વિશ્વાસ સાચો સાબિત થયો. મનીષા ફરી શાળાએ આવવા લાગી. એ દરમિયાન ખેલ મહાકુંભ માટે વિવિધ રમતોની પસંદગી ચાલી રહી હતી. ગોળા ફેંકની કસોટી દરમિયાન મોટાભાગના વિદ્યાર્થીઓ લગભગ પાંચ મીટર સુધી ગોળો ફેંકી રહ્યા હતા, જ્યારે મનીષાએ પ્રથમ પ્રયાસમાં જ લગભગ છ મીટર સુધી ગોળો ફેંક્યો. આ ક્ષણે શિક્ષક મોરીએ તેની અંદર છુપાયેલી રમત-ગમતની અસાધારણ પ્રતિભાને ઓળખી લીધી. શિક્ષકના માર્ગદર્શન અને સતત પ્રોત્સાહનના પરિણામે મનીષાએ ખેલ મહાકુંભમાં તાલુકા કક્ષાએ પ્રથમ સ્થાન મેળવ્યું. ત્યારબાદ જિલ્લા કક્ષાએ પણ પ્રથમ સ્થાન મેળવી રાજ્ય કક્ષાએ પ્રવેશ કર્યો. સતત ત્રણ વર્ષ સુધી તેણીએ રમત-ગમત ક્ષેત્રે ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને પોતાની પ્રતિભા સાબિત કરી.

ધોરણ-૮ પૂર્ણ કર્યા બાદ મનીષા આગાવાડા માધ્યમિક શાળામાં ધોરણ-૯ માં દાખલ થઈ પરંતુ ત્યાં પણ શરૂઆતમાં તે નિયમિત શાળાએ જતી નહોતી અને કોઈ રમતમાં ભાગ લેતી નહોતી. માધ્યમિક શાળાના શિક્ષકોએ ફરી શ્રી મોરીનો સંપર્ક કર્યો. પોતાના ભૂતપૂર્વ વિદ્યાર્થીના ભવિષ્ય માટે ચિંતિત શ્રી મોરી ફરી એકવાર તેમના ઘરે પહોંચ્યા, મનીષાને સમજાવી અને રમત-ગમતમાં ભાગ લેવા પ્રેરિત કરી. હાલ મનીષા ધોરણ ૧૦ માં અભ્યાસ કરે છે. હા, એક વાત પણ કહેવાની અહી ઘટે કે શાળાના આ બધાય વિદ્યાર્થીઓને પ્રેક્ટીસ માટે ગ્રાઉન્ડ ન મળતાં તેઓ અંતરિયાળ રોડ-રસ્તા અથવા તો શાળા પટાંગણમાં જ પ્રેક્ટીસ કરે છે.

માધ્યમિક શાળાનું બિલ્ડીંગ ન હોવાથી પ્રાથમિક શાળામાં જ માધ્યમિકના વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે તેમ છતાં આટલી અગવડતા હોવા છતાં આ શાળાના વિદ્યાર્થીઓ અને શિક્ષકોએ હાર માન્યા વગર પણ દાહોદ જિલ્લા સહિત ગુજરાત રાજ્યનું નામ રોશન કરવા માટેનું વિઝન લઈને તૈયારી કરી રહ્યા છે જે નાનીસુની વાત તો નથી જ.

આ વખતે મનીષાએ રગ્બી રમત પસંદ કરી. ત્યાંથી તેની સફળતાની નવી સફર શરૂ થઈ. તે જિલ્લા કક્ષાએ ચેમ્પિયન બની, ત્યારબાદ ગાંધીનગરમાં રમાયેલ રમતમાં પણ રાજ્ય કક્ષાએ વિજેતા બની પોતાની પ્રતિભાનો પરચો આપ્યો. અંતે તેની પસંદગી ગુજરાત રાજ્યની રગ્બી ટીમમાં થઈ અને ઓડીસામાં ભુવનેશ્વર ખાતે યોજાયેલ નેશનલ ક્ક્ષાની રમત સ્પર્ધામાં ગુજરાત રાજ્ય ટીમની વાઇસ કેપ્ટન તરીકે તેનું ગૌરવપૂર્ણ સ્થાન નિર્ધારિત કર્યું. જ્યાં ગુજરાતની ટીમ ચાર રમતમાં વિજેતા થઇ હતી.

મનીષાની આ સિદ્ધિને રાજ્ય સ્તરે પણ બિરદાવવામાં આવી. ૨૪ જૂન, ૨૦૨૬ ના રાજ્યવ્યાપી પ્રવેશોત્સવ દરમિયાન દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકા ખાતે યોજાયેલ શાળા પ્રવેશોત્સવમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના હસ્તે તેનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્યમંત્રીએ તેની શાળા વિશે પૂછતાં મનીષાએ પોતાના શિક્ષક અને શાળાના પ્રોત્સાહનની સમગ્ર વાત સંક્ષિપ્તમાં રજૂ કરી હતી.

આ સમગ્ર ઘટના આપણને એક મહત્વનો સંદેશ આપે છે કે, શિક્ષક માત્ર પાઠ્યપુસ્તકનો જ શિક્ષક નથી, પરંતુ જીવન ઘડતરનો શિલ્પી છે. બાળકમાં રહેલી પ્રતિભાને ઓળખીને યોગ્ય સમયે યોગ્ય માર્ગદર્શન મળે તો ગામડાનું બાળક પણ આંતરરાષ્ટ્રીય મંચ સુધી પહોંચી શકે છે. મનીષાની સફળતા પાછળ શ્રી જનક મોરી સહિત કટારા રાહુલ તેમજ પ્રિન્સીપાલશ્રી હર્ષદભાઈ બારિયાનો અમુલ્ય ફાળો રહ્યો છે. મનીષાનો તમામ ખર્ચ એમણે પૂરો પાડીને વિદ્યાર્થીનીના ધ્યેયને સાકાર કરવા માટે એમણે બનતી તમામ મદદ કરી છે.

એક આદિવાસી પરિવાર કે જેના માતા-પિતા બન્ને મજુરી કરીને ઘરનું ગુજરાન ચલાવે છે, એવા ઘરની દીકરી કટારા મનીષાની આ સફળતામાં તેની અવિરત મહેનત, વર્ગશિક્ષકશ્રી મોરી જનકસિંહનું સમર્પણ, કોચશ્રીઓનું માર્ગદર્શન અને પરિવારનો સહયોગ – ચારેયનો સમાન ફાળો છે. આ સફળતા આગાવાડા ગામ, હવેલી ફળિયા વર્ગ પ્રાથમિક શાળા(સરકારી), સરકારી આગવાડા માધ્યમિક શાળા, દાહોદ જિલ્લા અને ગુજરાત રાજ્ય માટે ગૌરવની વાત છે.

ખરેખર, આ એક એવા શિક્ષકના દ્રઢ સંકલ્પની જીવંત કહાની છે, જેણે સતત ગેરહાજર રહેતા બાળકમાં છુપાયેલા હીરાને ઓળખ્યો અને તેને ગામથી ગગન સુધી પહોંચાડ્યો. આ અસાધારણ સિદ્ધિ માત્ર એક વિદ્યાર્થીની સફળતા નથી, પરંતુ એક શિક્ષકના અડગ વિશ્વાસ, સતત વાલી સંપર્ક, યોગ્ય માર્ગદર્શન અને કોચના સમર્પિત પ્રયત્નોનું જીવંત પરિણામ છે. જો તે સમયે શિક્ષકશ્રી મોરી જનકસિંહે હાર માની લીધી હોત, તો કદાચ ગુજરાતને એક પ્રતિભાશાળી ખેલાડી ન મળી હોત…!

હા, શિક્ષક કભી સાધારણ નહીં હોતા-પ્રલય ઔર નિર્માણ ઉનકી ગોદમેં પલતે હૈ – આ સુત્રને શિક્ષકશ્રી જનકભાઈ મોરીએ સાર્થક કરી બતાવ્યું.

Related posts

Leave a Comment