હિન્દ ન્યુઝ, ડાંગ
“જીવનમાં મોટામાં મોટો યોગ છે ‘સહયોગ’ અને મોટામાં મોટું આસન છે ‘આશ્વાસન'”. બ્રહ્મવાદિની હેતલ દીદીના આ સૂત્રને સાર્થક કરતા તેજસ્વીની સંસ્કૃતિ ધામ, વાસુર્ણ (ડાંગ) ખાતે ગુરુપૂર્ણિમા મહોત્સવની અનોખી અને માનવતાવાદી રીતે ઉજવણી કરવામાં આવી હતી.
તાજેતરમાં ઉપરવાસમાં થયેલા મુશળધાર વરસાદને કારણે દક્ષિણ ગુજરાતના નીચાણવાળા વિસ્તારોમાં પૂર આવતા લોકો મુશ્કેલ પરિસ્થિતિમાં મુકાયા હતા. આ કપરી સ્થિતિને ધ્યાને રાખી પૂ. હેતલ દીદીએ ભક્તોને ધામ પર આવવાના બદલે, રેલ પીડિતોને યથાશક્તિ સહાય કરવાનું આહ્વાન કર્યું હતું, અને તેને જ સાચી ગુરુદક્ષિણા ગણાવી હતી.
પૂજ્ય દીદીની આ હાકલને શિરોમાન્ય રાખી ‘હાર્ટ ટુ હાર્ટ’ અને ‘હટ ટુ હટ’ જેવી અનેક સેવાભાવી સંસ્થાઓ તથા ભક્તો પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત કાર્ય માટે નીકળી પડ્યા હતા.
હેતલ દીદીના માર્ગદર્શન હેઠળ દક્ષિણ ગુજરાતના અમલસાડ, ધમડાછા, ગણદેવી, દેવધા, તલિયારા, લુસવાડા, સામરાવાડી અને હથિયાવાળી જેવા અસરગ્રસ્ત વિસ્તારોમાં વિશાળ પાયે સેવાકાર્યો કરવામાં આવ્યા.
જે મુજબ કરુણામય ચેરિટેબલ ટ્રસ્ટ (શ્રી અતુલ મહેતા) દ્વારા ૪ હજાર ધાબડા અને ૪ હજાર ચાદરોનું વિતરણ કરાયું હતું. જ્યારે અનાવિલ સહિયર સખા ચેરિટેબલ ટ્રસ્ટ, સુરત (વિભૂતિબેન દેસાઈ તથા ટીમ) દ્વારા જરૂરિયાતમંદ ઘરોમાં રૂ.૧૪ લાખ જેટલી રોકડ રકમની સીધી આર્થિક સહાય કરવામાં આવી હતી. તો કાયાતળાવ ગોલકુ પરિવાર દ્વારા ૧૦૮ મિક્સર મશીન, ધાબડા અને કપડાંનું વિતરણ કરાયું હતું. સાથે જય ગોપાલ ગૌ સેવા ચેરિટેબલ ટ્રસ્ટ (વાલજીભાઈ) દ્વારા પાંચ હજાર ફૂડ પેકેટનું વિતરણ, સુરતના શ્રી ભરતભાઈના પરિવાર દ્વારા ૧,૫૦૦ ફૂડ કીટ, હરિયાલી ગ્રુપ, બીલીમોરા (નીતિનભાઈ મહેતા) દ્વારા ૨૫૦ ખુરશીઓનું દાન કરવામાં આવ્યું હતું.
દરમિયાન દક્ષિણ ગુજરાતમાં વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓ પૂર્ણ કર્યા બાદ વિવિધ ગૃપોના પ્રતિનિધિઓ, સ્થાનિક લોકો તેમજ શિવાશ્રય તેજસ્વિની કન્યા છાત્રાલયની દીકરીઓ સાથે પૂજ્ય હેતલ દીદી તથા આચાર્યશ્રી પૂજ્ય કેતન દાદાના પાવન સાનિધ્યમાં સંસ્થા ખાતે ગુરુપૂર્ણિમા ઉત્સવ ઉજવાયો હતો.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક તથા ડાંગના ધારાસભ્ય વિજયભાઈ પટેલ તેમજ ડાંગ જિલ્લા યુવા મોરચાના હોદ્દેદારો અને યુવાનોએ ઉપસ્થિત રહી પૂ. દીદીના આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા.
ગુરુપૂજન કાર્યક્રમની શરૂઆત શિવાશ્રય તેજસ્વીની કન્યા છાત્રાલયની બાળાઓ દ્વારા પ્રાર્થના અને સ્વાગત ગીતથી કરવામાં આવી હતી. મુખ્ય સેવક શ્રી હરિભાઈ દ્વારા બાળકોને ડ્રોઈંગ કીટ અર્પણ કરાઈ. જ્યારે મંગલ રબર પ્રોડક્ટના રાધેશ્યામજી દ્વારા ૫૦ દીકરીઓને ચપ્પલનું દાન કરાયું હતું. તો આચાર્ય શ્રી કેતન દાદા દ્વારા બાળકોને પાટી-પેન તથા વસ્ત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે શ્રી ધનસુખભાઈ સહિત તેજસ્વીની સંસ્કૃતિ પરિવારના તમામ સભ્યોએ ભારે જહમત ઉઠાવી હતી.
