હિન્દ ન્યુઝ, ડાંગ
ગુજરાત તરફ ઝડપથી વધી રહેલી હવામાનની તીવ્ર સિસ્ટમને પગલે સમગ્ર રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડાનું સંકટ તોળાઈ રહ્યું છે. વાતાવરણમાં ભેજનું પ્રમાણ વધુ હોવાથી આ સિસ્ટમ રાજ્યની નજીક આવતા વધુ બળવત્તર બનવાની તીવ્ર શક્યતા છે.
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC) દ્વારા રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરો અને વહીવટી તંત્રને અત્યંત હાઇ એલર્ટ પર રહેવા અને આગામી ૨૪ થી ૪૮ કલાકમાં યુદ્ધના ધોરણે આગોતરા પગલાં લેવા માટે વિશેષ માર્ગદર્શિકા (Advisory) જારી કરવામાં આવી છે.
વહીવટી તંત્ર દ્વારા સ્પષ્ટ કરવામાં આવ્યું છે કે માત્ર કલર-કોડેડ વોર્નિંગ (રેડ અલર્ટ) પર આધાર રાખવાને બદલે તમામ જિલ્લાઓએ હવામાનની સ્થિતિ સામે લડવા તૈયાર રહેવું. જે વિસ્તારો હાલ રેડ ઝોનમાં નથી, ત્યાં પણ અત્યંત ભારે વરસાદ, ઝંઝાવાતી પવન, અને પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે.
વહીવટી તંત્ર માટે જારી કરાયેલા મુખ્ય આદેશો અને તૈયારીઓ:
૧) ત્વરિત સ્થળાંતર :
નીચાણવાળા વિસ્તારો, નદીકાંઠાના વિસ્તારો અને પૂરની સંભાવના ધરાવતા વિસ્તારોમાંથી લોકોને ખસેડવાની કામગીરી સવારથી જ શરૂ કરી સાંજે પૂર્ણ કરવાની રહેશે, જેથી રાત્રિ દરમિયાન થનારા ભારે વરસાદમાં કોઈ જાનહાનિ ન થાય.
૨) રાહત અને બચાવ સામગ્રીની સજ્જતા:
બપોર સુધીમાં તમામ બોટ, જેસીબી (Earthmovers), જનરેટર, વોટર પંપ, સેટેલાઇટ ફોન અને લાઇટિંગ સાધનોનું મેપિંગ કરી તેને વાપરવા માટે સજ્જ રાખવા આદેશ અપાયો છે.
૩)શેલ્ટર હોમ અને મેડિકલ સુવિધા:
તમામ આશ્રયસ્થાનો ખાતે અનાજ, પીવાનું ચોખ્ખું પાણી, વીજળી, દવાઓ, ક્લોરિન ટેબ્લેટ્સ અને ઓ.આર.એસ.નો પૂરતો જથ્થો રાખવામાં આવ્યો છે. મહિલાઓ, બાળકો, વૃદ્ધો અને દિવ્યાંગો માટે અલગથી વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.
૪) પશુધનની સુરક્ષા:
પૂરના પાણીમાં પશુઓ તણાઈ કે ડૂબી ન જાય તે માટે નીચાણવાળા વિસ્તારોમાં બાંધેલા ઢોર-ઢાંખરને સલામત ઊંચાણવાળા સ્થળે ખસેડવા સૂચના અપાઈ છે.
૫) ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રસ્તાની સુરક્ષા:
જોખમી પુલો, નાળા, કાચાસીમ રસ્તાઓ અને નાળાઓ પર પાણીનું સ્તર વધતાં જ વાહનવ્યવહાર માટે તાત્કાલિક બંધ કરી દેવાશે. શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં હોર્ડિંગ્સ, કાચા બાંધકામો અને જોખમી વૃક્ષો/ડાંખળા દૂર કરવાની કામગીરી શરૂ કરી દેવાઈ છે.
૬) NDRF, SDRF અને ઇમરજન્સી કંટ્રોલ રૂમ:
NDRF, SDRF, હોમગાર્ડ્સ, ફાયર બ્રિગેડ અને એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ્સને આગોતરા જ સંવેદનશીલ વિસ્તારોમાં તૈનાત કરી દેવાયા છે. તમામ જિલ્લા અને તાલુકા કંટ્રોલ રૂમ ૨૪×૭ (અવિરત) કાર્યરત રહેશે.
નાગરિકો માટે મહત્વની અપીલ :
વહીવટી તંત્ર દ્વારા લોકોને અફવાઓથી દૂર રહેવા અને સ્થાનિક પ્રશાસન દ્વારા આપવામાં આવતી સૂચનાઓનું ચુસ્તપાલન કરવા વિનંતી કરવામાં આવી છે.
નીચાણવાળા વિસ્તારના નાગરિકોને તંત્ર દ્વારા સ્થળાંતર કરવાની સૂચના મળતાં જ ત્વરિત સહયોગ આપવા અને બિનજરૂરી પ્રવાસ ટાળવા અપીલ કરાઈ છે.
