હિન્દ ન્યુઝ, ડાંગ
વનાચ્છાદિત ડાંગ જિલ્લામાં થઈ રહેલા મુશળધાર વરસાદને પગલે કલેક્ટર એન. ડી. પરમારના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહીવટી તંત્રના તમામ વિભાગો દ્વારા અસરગ્રસ્ત વિસ્તારો અને માર્ગો પર તાત્કાલિક રાહત તથા મરમ્મતની કામગીરી હાથ ધરવામાં આવી છે. જિલ્લાની સમગ્ર પરિસ્થિત ઉપર કલેક્ટરશ્રી તેમજ તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે.
જિલ્લા કન્ટ્રોલ રૂમના અહેવાલ મુજબ, આજે તા. ૨૩ મી જુલાઈના રોજ સવારે ૬:૦૦ કલાકથી સાંજના ૪:૦૦ કલાક સુધીના ૧૦ કલાક દરમિયાન ડાંગ જિલ્લાના આહવા તાલુકામાં ૧૧૪ મી.મી. (મોસમનો કુલ ૧૪૨૩ મી.મી), સુબીર તાલુકામાં ૧૧૪ મી.મી (મોસમનો કુલ ૧૨૪૩ મી.મી) તથા વઘઈ તાલુકામાં ૨૫૧ મી.મી. (મોસમનો કુલ ૧૭૦૯ મી.મી) વરસાદ નોંધાયો છે. જ્યારે જિલ્લાનો સરેરાશ વરસાદ ૧૪૭.૬૭ મી.મી (મોસમનો કુલ ૧૪૫૮.૩૩ મી.મી) વરસાદ નોંધાયો છે.
ભારે વરસાદના કારણે બંધ રસ્તાઓ તાત્કાલિક શરૂ કરવામાં આવ્યાં
વિશિષ્ટ ભૌગોલિક પરિસ્થિતિ ધરાવતા ડાંગ જિલ્લામાં અંબિકા, ખાપરી, પૂર્ણા અને ગીરા નદી સહિતના કોતરો બે કાંઠે વહેતા નીચાણવાળા માર્ગો જળમગ્ન બન્યા હતા. સાથે જ કાદવ-કીચડ, માટી, મલબો અને વૃક્ષો ધરાશાયી થવાને કારણે વાહનવ્યવહાર પ્રભાવિત થયો હતો. જોકે, આ પરિસ્થિતિને પહોંચી વળવા અને જનજીવન પૂર્વવત્ કરવા માટે જિલ્લા વહીવટી તંત્રની સમગ્ર ટીમે તાત્કાલિક યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરી હતી.
સમગ્ર ડાંગ જિલ્લામાં વરસી રહેલા અતિભારે વરસાદના કારણે અનેક સ્થળોએ વિપરીત પરિસ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદને પગલે આહવા-સાપુતારા, વઘઈ-આહવા (ધૂળચોંડ પાસે), ટાંકલીપાડા-લહાનદબાસ, અને ચીકાર-કોશમાળ માર્ગો પર માટી ધસી આવી હતી. આ ઉપરાંત મહાલ-સુબીર રોડ પર લેન્ડસ્લાઈડ થવાની સાથે વૃક્ષ તૂટી પડ્યું હતું, જ્યારે વઘઈ તાલુકાના કુંડા-ચિંચોડ-શિલોટમાળ અને કાલીબેલ-બરડીપાડા મુખ્ય માર્ગો પર ઠેર-ઠેર મલબો પથરાઈ ગયો હતો. બીજી તરફ, વાવાઝોડા અને વરસાદના કારણે આહવા-નવાપુર, આહવા-શામગહાન (શિવઘાટ), બારીપાડા-માનમોડી-સુરગાણા, સુબીરના કસાડબારી-દહેર, તથા પૂર્વ પટ્ટીમાં પાંડવા થી ચોક્યા જતાં રસ્તાઓ પર મોટા વૃક્ષો ધરાશાયી થયાં હતાં. તેમજ જાખાના ગામ નજીક અને મહાલ-ઢોંગીઆંબા રસ્તા વચ્ચે વીજપોલ તૂટી પડવાની ઘટનાઓ પણ બની હતી.
આ કુદરતી આપત્તિના સમયે જિલ્લા વહીવટી તંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું હતું. ડિઝાસ્ટર મેનેજમેન્ટની સ્થિતિને પહોંચી વળવા માટે માર્ગ અને મકાન વિભાગ (પંચાયત અને રાજ્ય), વન વિભાગ તેમજ દક્ષિણ ગુજરાત વીજ કંપની (DGVCL) ના અધિકારીઓ અને કર્મચારીઓ સ્થળ પર દોડી ગયા હતા. યુદ્ધના ધોરણે કામગીરી હાથ ધરીને તમામ રસ્તાઓ પરથી માટી, મલબો, ધરાશાયી થયેલા વૃક્ષો અને વીજપોલ દૂર કરી માર્ગોને વાહનવ્યવહાર માટે પુનઃ કાર્યરત કરવામાં આવ્યા હતા.
ભારે વરસાદના કારણે શાળા કોલેજો બંધ.
ડાંગ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહીને ધ્યાને લઈને ડાંગ જિલ્લા કલેક્ટર શ્રી એન.ડી.પરમારે વર્તમાન પરિસ્થિતિને પહોંચી વળવા અને નાના બાળકો, વિદ્યાર્થીઓ અને યુવાનોની સુરક્ષાને પ્રાથમિકતા આપતા જિલ્લાની તમામ શાળાઓ, કોલેજો અને આંગણવાડીઓમાં આવતીકાલે શુક્રવારે પણ રજા જાહેર કરી છે. જિલ્લામાં સતત વધી રહેલા વરસાદ અને સંભવિત ભારે વરસાદની સ્થિતિમાં શાળા-કોલેજે આવતા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં ન મુકાય તથા કોઈ અગવડ ન પડે તેવા આશય સાથે આ નિર્ણય લેવાયો છે.
જિલ્લા વહીવટી તંત્રની અપીલ
જિલ્લાના પર્યટન સ્થળો, પ્રાકૃતિક સ્થળોએ ઉમટી પડતા પ્રવાસીઓ કોઈ જોખમમા ન મુકાઇ તેની તકેદારીના ભાગરૂપે ઠેર ઠેર પોલીસ બંદોબસ્ત સાથે ‘નો સેલ્ફી ઝોન’ અને ‘ફોટોગ્રાફી’ ઉપર નિયંત્રણ સાથે, આડેધડ જાહેર માર્ગો ઉપર વાહનો પાર્ક ન કરવાની તકેદારી રાખવામા આવી રહી છે. કલેક્ટરશ્રી એકવાર જિલ્લામાં આવતા પ્રવાસીઓને આ બાબતે અમલકારી પોતાનો જીવ જોખમમા ન મૂકવાનો અનુરોધ કર્યો છે.
આ માર્ગો અવરોધાયા ;
દરમિયાન પંચાયત માર્ગ અને મકાન વિભાગ દ્વારા જાહેર કરાયેલા અહેવાલ મુજબ ૪૧ માર્ગો કોઝવે અને પુલ ઉપર પાણી ફરી વળવાના (ઓવરટોપિંગ) કારણે બંધ કરવામાં આવ્યા છે. જેમાં વઘઈ તાલુકાના ૧. મેઇન રોડ ટૂ આંબાપાડા ચિંચપાડા ઉગા રોડ, ૨. વઘઇ દોડીપાડા દગડીઆંબા ભેડમાળ રોડ, ૩. દોડીપાડા ચિકાર ફળિયા રોડ, ૪. ચિકાર ફળિયા રોડ, ૫. ગીરાદાબદર રોડ, ૬. પાઢરમાળ ઉપલા ફળિયા રોડ, ૬. કોશિમદા દેવલ ફળિયા રોડ, ૭. નિચલા ફળિયા કોયલીપાડા રોડ, ૮. ખાતળ ફાટક ટુ ઘોડી રોડ, ૯. ભેંસકાત્રી કાકરડા ભોંગડીયા એન્જીપાડા રોડ, ૧૦. ભેંસકાત્રી મેઇન રોડ ટુ આસરીયા ફળિયા રોડ (જુનો રોડ), ૧૧. ચિકાર ઘોધલપાડા કુશમાળ ગોદડીયા રોડ,૧૨. માછળી ખાતળ રોડ – ૧, ૧૩. માછળી ખાતળ રોડ – ૨, ૧૪. કાલીબેલ પાંઢરમાળ વાંકન રોડ, ૧૫. માછળી ચિખલા દિવડયાવન રોડ, ૧૬. પાતળી ગોદડીયા રોડ, ૧૭. વાંઝટઆંબા કોયલીપાડા રોડ, ૧૮. આહેરડી નડગચોંડ રોડ, ૧૯. સુસરદા વી.એ. રોડ, ૨૦. મોટીદાબદર લહાનદાબદર નાનાપાડા રોડ, ૨૧. માનમોડી બોડારમાળ નિમ્બારપાડા રોડ, ૨૨. દગુનીયા વી.એ. રોડ, ૨૩. ચિખલદા વી.એ. રોડ, ૨૪. ઘોડવહળ વી.એ. રોડ, ૨૫. આહેરડી બોરદહાડ રોડ, ૨૬. બાજ મેઇન રોડ ટૂ મલિન રોડ, ૨૭. ભદરપાડા ચિચોડ રોડ, ૨૮. ઘાંગડી કાનાત ફળિયા રોડ, ૨૯. દોડીપાડા બરડા રોડ, ૩૦. દગડીઆંબા બરડા રોડ, ૩૧. ગોદડીયા ટુ પાંઢરમાળ રોડ જ્યારે આહવા તાલુકાના ચાર માર્ગો જેમાં ૧. ભવાનદગડ ધુલચોંડ આમસરવલણ રોડ,૨. રાનપાડા ભાપખલ બારીપાડા રોડ, ૩. બારીપાડા ચિરાપાડા રોડ, ૪. ધવલીદોડ સેન્દ્રીઆંબા રોડ અને સુબીર તાલુકાના ત્રણ રોડ જેમાં ૧. કાકડવિહિર ખેરિંદ્રા ચમારપાડા રોડ,૨. હીદળાથી ધુડા રોડ,૩. ચિખલી લવચાલી રોડ, જે ક્યાંક કોઝ વે ઓવર ટોપિંગ થવાથી, તો ક્યાંક સ્લેબ ડ્રેઇન ઓવર ટોપિંગ થવાને કારણે અવરોધાયા છે. પ્રજાજનો, પશુપાલકો, ખેડૂતો, અને વાહનચાલકોને આ માર્ગોનો ઉપયોગ નહીં કરતા, તંત્રે સૂચવેલા વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની સલાહ આપવામા આવી છે.
આ ઉપરાંત જિલ્લામાં સતત વરસી રહેલા ભારે વરસાદને પગલે સર્પદંશની ઘટનાઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. જેમાં અત્યાર સુધીમાં આશરે ૭ થી વધુ કેસો નોંધાવા પામ્યા છે. આરોગ્ય વિભાગે પ્રજાજનોને અપીલ કરતા જણાવ્યું છે કે, વરસાદ દરમિયાન ખેતર, જંગલ અને ઝાડીવાળા વિસ્તારોમાં જતી વખતે સાવચેતી રાખવી, રાત્રે બહાર નીકળતી વખતે ટોર્ચનો ઉપયોગ કરવો અને પગમાં બૂટ અથવા ચંપલ પહેરવા, સર્પદંશ થાય તો કોઈપણ ઘરગથ્થુ ઉપચારમાં સમય બગાડ્યા વગર તાત્કાલિક નજીકની સરકારી હોસ્પિટલ અથવા આરોગ્ય કેન્દ્રમાં પહોંચવા, દર્દીને શાંતિથી અને શક્ય હોય ત્યાં સુધી અસરગ્રસ્ત અંગને ઓછું હલનચલન થાય તેની કાળજી લેવા, નાગરિકોને અફવાઓથી દૂર રહી સતર્ક રહેવા તથા કોઈપણ તબીબી ઇમરજન્સીમાં તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ સેવા અથવા નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા અપીલ કરી છે.
–
