હિન્દ ન્યુઝ, ડાંગ
ચોમાસા દરમિયાન પાણીના ભરાવાના કારણે વારંવાર રસ્તાઓ બિસ્માર બનવાના કે ખાડા પડવાના બનાવો બને છે. જેનાથી વાહનચાલકોને રાહત મળે તે માટે કેન્દ્ર સરકારની દિલ્હી સ્થિત ઈન્સ્ટીટ્યુટ દ્વારા સંશોધન કરી લોખંડના ભુક્કામાંથી ચોમાસામાં રસ્તાનું પેચવર્ક કરવાનો નવીનતમ વિચાર અપાતા ડાંગ જિલ્લામાં ચાલુ વર્ષે પ્રથમવાર માર્ગોના ખાડાઓનું ઝડપી અને ગુણવત્તાસભર રીપેરીંગ કામ માટે ડાંગ જિલ્લા પંચાયતના માર્ગ અને મકાન વિભાગ દ્વારા ECOFIX (ઈકોફિક્સ) કોલ્ડમિક્સ ટેકનોલોજીનો પ્રાયોગિક ધોરણે ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે.
આ પ્રયોગ અંતર્ગત વિવિધ આબોહવા અને ટ્રાફિકની પરિસ્થિતિઓમાં મટિરિયલની કામગીરી, ટકાઉપણું અને અસરકારકતાનું સમયાંતરે મૂલ્યાંકન કરવામાં આવશે. આ મિશ્રણમાં પ્રોસેસ્ડ સ્ટીલ સ્લેગ એગ્રીગેટ્સને વિશિષ્ટ પોલિમરિક બાઇન્ડર સાથે સંયોજિત કરવામાં આવે છે, જેના કારણે મટિરિયલ વધુ મજબૂત, પાણી પ્રતિરોધક અને લાંબા સમય સુધી ટકાઉ રહે છે. તેની વિશેષતા એ છે કે, તેને કોઈપણ ગરમી આપ્યા વિના સામાન્ય તાપમાને સીધું જ ઉપયોગમાં લઈ શકાય છે. ઉપરાંત, વરસાદી પરિસ્થિતિમાં પાણી ભરાયેલા ખાડાઓમાં પણ ટેકકોટિંગ વિના અસરકારક રીતે પેચવર્ક કરી શકાય છે. માત્ર ૨૦ મીનીટમાં જ કોલ્ડ મિક્સ ખાડા સાથે સેટ થઈ જાય છે.
ડાંગ જિલ્લામાં પણ જિલ્લા પંચાયતની માર્ગ અને મકાન શાખાએ આ ટેકનોલોજીની અમલવારી કરી છે. પંચાયત માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઇજનેરશ્રીના માર્ગદર્શન હેઠળ જિલ્લાના ગ્રામ્ય માર્ગોમાં ECOFIX કોલ્ડમિક્સ ટેક્નોલોજીના ઉપયોગ થી રસ્તાના ખાડા પુરવાનું કામ ચાલી રહ્યું છે. આ ટેક્નોલોજી પાણી પ્રતિરોધક પણ છે અને તેથી તેનું ટકાઇ ક્ષમતા પણ વધારે છે. તેને સીધા આસપાસના તાપમાને, પાણી ભરાયેલા ખાડાઓમાં પણ, કોઈપણ ગરમી અથવા ટેક કોટિંગ વિના લાગુ કરી શકાય છે, જે તેને દરેક હવામાનમાં ઓછા ઉત્સર્જનવાળા સોલ્યુશન બનાવે છે.
