આણંદ જિલ્લાની આંગણવાડીઓમાં શિક્ષણનો નવતર પ્રયોગ: ‘હૂંફ અને સ્મિત’ સાથે ભૂલકાઓનું ભાવભીનું સ્વાગત

હિન્દ ન્યુઝ, આણંદ

    આણંદ જિલ્લામાં મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ કાર્યરત સંકલિત બાળ વિકાસ સેવા યોજના (ICDS) દ્વારા આંગણવાડી કેન્દ્રોમાં પૂર્વ પ્રાથમિક શિક્ષણને વધુ અસરકારક, ગુણવત્તાસભર અને આનંદમય બનાવવા માટે એક વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ નવીન પહેલ હેઠળ આંગણવાડીમાં આવતા નાના ભૂલકાઓને માત્ર પરંપરાગત શિક્ષણ જ નહીં, પરંતુ આત્મીયતા અને ઉષ્માભર્યા વાતાવરણમાં કેળવણી મળે તેવું આયોજન કરવામાં આવ્યું છે.

જિલ્લાના વિવિધ કેન્દ્રો પર બાળકોનું સ્વાગત અત્યંત વિશિષ્ટ રીતે કરવામાં આવી રહ્યું છે, જેમાં શિક્ષિકાઓ અને તેડાગર બહેનો દ્વારા હેન્ડ શેક, તાલી પાડીને, નમસ્કાર કરીને અને હૂંફભર્યા સ્મિત સાથે બાળકોને આવકારવામાં આવે છે. આ અભિગમનો મુખ્ય હેતુ બાળકોમાં કેન્દ્ર પ્રત્યે રસ જાગૃત કરવાનો અને તેમનામાં શાળાકીય વાતાવરણ પ્રત્યે ભય દૂર કરી આત્મીયતાની લાગણી વિકસાવવાનો છે.

આંગણવાડીના બાળકોના માનસિક અને શારીરિક વિકાસને ધ્યાનમાં રાખીને પૂર્વ પ્રાથમિક શિક્ષણની થીમ આધારિત વિવિધ બાળકેન્દ્રિત પ્રવૃત્તિઓનું સફળતાપૂર્વક અમલીકરણ કરવામાં આવી રહ્યું છે. રમત-ગમત અને મનોરંજન સાથે શીખવાની આ પદ્ધતિ દ્વારા બાળકોમાં ભાષા વિકાસ, પ્રાથમિક સંખ્યાજ્ઞાન અને વિવિધ રંગો તેમજ આકારોની ઓળખ કેળવવામાં આવી રહી છે.

આ ઉપરાંત, બાળકોની સર્જનાત્મક શક્તિ ખીલે તે માટે વિવિધ પ્રવૃત્તિઓ સાથે તેમના સામાજિક વ્યવહાર, ભાવનાત્મક અભિવ્યક્તિ અને શારીરિક સુદ્રઢતાને પ્રોત્સાહન મળે તેવા પ્રયાસો કરવામાં આવે છે. આ પ્રકારના આનંદમય શૈક્ષણિક વાતાવરણથી બાળકો કુતૂહલપૂર્વક નવું શીખવા માટે પ્રેરાઈ રહ્યા છે. આઈ.સી.ડી.એસ. (ICDS) વિભાગનો પાયાનો ઉદ્દેશ્ય બાળકોના સર્વાંગી વિકાસ માટે પોષણ, આરોગ્ય અને ગુણવત્તાયુક્ત પૂર્વ પ્રાથમિક શિક્ષણને એકીકૃત રીતે સુનિશ્ચિત કરવાનો છે.

આણંદ જિલ્લાના આંગણવાડી કેન્દ્રોમાં બાળક-મૈત્રીપૂર્ણ વાતાવરણ ઊભું કરીને શિક્ષણનો મજબૂત પાયો રચવા માટે તંત્ર સતત કાર્યરત છે. પોષણની સાથે પૂરતું માનસિક ભાથું મળી રહે તે માટે આધુનિક શિક્ષણ પદ્ધતિઓનો સમન્વય કરીને બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે પાયાની તૈયારીઓ કરવામાં આવી રહી છે. આ નવતર પ્રયોગોને કારણે જિલ્લાના આંગણવાડી કેન્દ્રો હવે માત્ર પોષણ કેન્દ્રો ન રહેતા, સર્વાંગી વિકાસના મહત્વપૂર્ણ કેન્દ્રો તરીકે ઉભરી રહ્યા છે.

 

Related posts

Leave a Comment