હિન્દ ન્યુઝ, ઉમરગામ
વલસાડ જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરીના માર્ગદર્શન હેઠળ ઉમરગામના ખતલવાડા ગામની ઓલ ટાઈમ પ્લાસ્ટિક્સ લિમિટેડ ખાતે કામકાજના સ્થળે સ્ત્રીઓની થતી જાતીય સતામણી (અટકાયત, નિવારણ અને પ્રતિબંધ) અધિનિયમ- ૨૦૧૩ અંતર્ગત કાયદાકીય સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે જિલ્લા મહિલા અને બાળ અધિકારી શ્રીમતી શ્વેતા આર. દેસાઈ દ્વારા કાયદાકીય માહિતી તેમજ મહિલા અને બાળ વિકાસ વિભાગની વિવિધ યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. કમલેશ ગિરાસે, દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારી, વલસાડ દ્વારા કામકાજના સ્થળે સ્ત્રીઓની થતી જાતીય સતામણી અધિનિયમ- ૨૦૧૩ અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી.
એડવોકેટશ્રી સાંખી પટેલ દ્વારા મહિલાઓના અધિકારો અને કાયદાકીય જોગવાઈઓ અંગે માહિતી આપવામાં આવી હતી. પી.આઈ. બી.કે. પટેલ, ઉમરગામ દ્વારા પોક્સો એક્ટ, ફેમિલી લૉ, સાયબર ક્રાઇમ અને બેંકિંગ ફ્રોડ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તાલુકા પ્રમુખ ઉમરગામ સંતોષભાઈ વળવી દ્વારા સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો હતો.
આ ઉપરાંત “સખી” વન સ્ટોપ સેન્ટર, વલસાડના સ્નેહાલીબેન પટેલ દ્વારા કેન્દ્રની કામગીરી અંગે તથા પોલીસ સ્ટેશન બેઝ્ડ સપોર્ટ સેન્ટર (PBSC), વાપીના કાઉન્સેલર નેહાબેન પટેલ દ્વારા PBSC ની સેવાઓ અંગે માહિતી આપવામાં આવી હતી.
કાર્યક્રમમાં ઉમરગામ તાલુકા પંચાયત પ્રમુખ, તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ, સરપંચ, તાલુકા સભ્યઓ, ઉપપ્રમુખ, DHEW, OSC અને PBSC ના સ્ટાફ સહિત કંપનીના કર્મચારી બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમના અંતે ઉપસ્થિત બહેનોને જ્યુટ બેગ તેમજ વિવિધ યોજનાઓ સંબંધિત પેમ્ફલેટ અને ફોલ્ડર વિતરણ કરવામાં આવ્યું હતું.
