જિલ્લા કલેક્ટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને ‘જિલ્લા સ્વાગત’ કાર્યક્રમ યોજાયો

હિન્દ ન્યુઝ, સુરત

    નાગરિકોની રજૂઆતો અને વહીવટી પ્રશ્નોના સ્થાનિક સ્તરે જ ઝડપી અને સંતોષકારક નિવારણ માટે રાજ્ય સરકારના ફ્લેગશિપ કાર્યક્રમ ‘સ્વાગત’ અંતર્ગત સુરત જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટર તેજસ પરમારના અધ્યક્ષસ્થાને જિલ્લા સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો. જેમાં એપ્રિલ મહિનાના પડતર પ્રશ્નો સહિત વિવિધ ફરિયાદોની સર્વગ્રાહી સમીક્ષા કરાઈ હતી. ગ્રામ્યકક્ષા, તાલુકાકક્ષાએ નિરાકરણ ન આવ્યા હોય તેવા ૧૪ જેટલા પ્રશ્નોને જિલ્લા કલેકટરશ્રીએ રૂબરૂ સાંભળ્યા હતા. જે પૈકી પ્રોપર્ટી કાર્ડ, સિંચાઈ, ગેરકાયદેસર દબાણ, જમીન સંપાદન સહિતના કુલ ૧૨ પ્રશ્નોનું સ્થળ પર જ હકારાત્મક નિવારણ કર્યું હતું.
જિલ્લા કલેકટર કચેરી ખાતે યોજાયેલા સ્વાગત કાર્યક્રમમાં ગેરકાયદેસર બાંધકામ, પાર્કિંગ દબાણ, સિંચાઈ, ડ્રેનેજના પાણીનો નિકાલ, પ્રોપર્ટી કાર્ડ, વરસાદી પાણીના નિકાલ, જમીન સંપાદન, RTE હેઠળ એડમિશન તેમજ NOC ન આપવા બાબત સહિતના પ્રશ્નો રજૂ કરાયા હતા. જેમાં અરજદારોના પ્રશ્નોનો સંતોષજનક નિકાલ કરવા માટે કલેક્ટરશ્રીએ સંબંધિત વિભાગના અધિકારીઓને કામગીરીમાં કોઈ પણ પ્રકારની શિથિલતા દાખવ્યા વિના, નિયત સમયમર્યાદામાં નિકાલ લાવવા માટે સૂચનાઓ કર્યા હતા.

Related posts

Leave a Comment