હિન્દ ન્યુઝ, વલસાડ
વલસાડ જિલ્લા વિજ્ઞાન કેન્દ્ર, ધરમપુર ખાતે તા. ૧૮ મે થી ૨૭ મે ૨૦૨૬ દરમિયાન “વેકેશન ક્રિએટિવ સાયન્સ કેમ્પ” નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કેમ્પમાં ધોરણ ૫ થી ૧૦ ના વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. કેમ્પ દરમિયાન વિદ્યાર્થીઓને વિજ્ઞાનને પ્રયોગાત્મક અને રસપ્રદ રીતે સમજવાની તક મળી હતી.
તારીખ ૧૮ મે થી ૨૦મે દરમિયાન મોડેલ રોકેટ્રી તથા મેલ્ટ એન્ડ મોલ્ડ (સોપ અને કેન્ડલ) કોર્સનું આયોજન કરવામાં આવ્યું હતું. મોડેલ રોકેટ્રી પ્રવૃત્તિ અંતર્ગત વિદ્યાર્થીઓએ પેપરનો ઉપયોગ કરીને આધુનિક રોકેટના આકર્ષક મોડેલ તૈયાર કર્યા હતા. ત્યારબાદ તેમાં સોલિડ ફ્યુઅલનો ઉપયોગ કરીને રોકેટનું સફળ પ્રક્ષેપણ કરવામાં આવ્યું હતું. આ પ્રવૃત્તિ દ્વારા વિદ્યાર્થીઓને રોકેટની રચના, પ્રક્ષેપણ પ્રક્રિયા તેમજ આધુનિક અવકાશ તકનીક વિશે પ્રયોગાત્મક અને રસપ્રદ માહિતી આપવામાં આવી હતી. જ્યારે મેલ્ટ એન્ડ મોલ્ડ કોર્સમાં વિદ્યાર્થીઓને કેન્ડલ બનાવવાની વિવિધ પદ્ધતિઓનું પ્રાયોગિક માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
તા.૨૧ મે થી ૨૩ મે દરમિયાન આયોજિત ઇન્ટિગ્રેટેડ સાયન્સ વર્કશોપમાં વિદ્યાર્થીઓએ વિવિધ વૈજ્ઞાનિક પ્રયોગો અને મોડેલો તૈયાર કરીને ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. વર્કશોપ દરમિયાન ઇલેક્ટ્રોમેગ્નેટ, બોરેક્સ બીડ ટેસ્ટ, કેલિડોસ્કોપ, નેઇલ બેલેન્સ, સેન્ટ્રિફ્યુગલ ફોર્સ, મેગાફોન તથા બેક્ટેરિયોફેજ જેવા વિવિધ મોડેલો બનાવવામાં આવ્યા હતા. આ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, સર્જનાત્મકતા તથા પ્રયોગાત્મક અભ્યાસ પ્રત્યે વધુ રસ અને જિજ્ઞાસા વિકસિત થઈ હતી.
તા. ૨૫ મે થી ૨૭ મે દરમિયાન આયોજિત ઇલેક્ટ્રોનિક્સ વર્કશોપમાં વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રોનિક્સમાં ઉપયોગમાં લેવાતા વિવિધ ચિહ્નો (સિમ્બોલ્સ) તથા LED, રેઝિસ્ટર, બેટરી, સ્વિચ જેવા મૂળભૂત ઇલેક્ટ્રોનિક ઘટકો વિશે પ્રાયોગિક માહિતી આપવામાં આવી હતી. વર્કશોપ દરમિયાન વિદ્યાર્થીઓએ મલ્ટીમીટરનો ઉપયોગ કરીને ઓહ્મમાં રેઝિસ્ટન્સ માપવું તેમજ બેટરીનું વોલ્ટેજ ચકાસવાનું શીખ્યું હતું. ઉપરાંત રેઝિસ્ટરના કલર કોડ દ્વારા તેની કિંમત ઓળખવાની પદ્ધતિ પણ સમજાવવામાં આવી હતી. વિવિધ મૂળભૂત ઇલેક્ટ્રોનિક ઘટકોનો ઉપયોગ કરીને સ્વિચ દ્વારા ચાલુ-બંધ થતી ટોર્ચ પણ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવી હતી. આ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને ઇલેક્ટ્રોનિક્સ અને સર્કિટ નિર્માણ અંગે પ્રાથમિક પ્રાયોગિક જ્ઞાન પ્રાપ્ત થયું હતું.
તા. ૨૫ મે થી ૨૭ મે દરમિયાન આયોજિત ખગોળ વિજ્ઞાન વર્કશોપમાં વિદ્યાર્થીઓને આધુનિક ટેલિસ્કોપ કેવી રીતે કાર્ય કરે છે તેમજ તેને સંચાલિત કરવાની પ્રાયોગિક તાલીમ પણ આપવામાં આવી હતી. તેમજ વિવિધ કોન્સ્ટેલેશન વિશે પ્રયોગાત્મક માહિતી આપવામાં આવી હતી. વિદ્યાર્થીઓને સ્ટાર વ્હીલ બનાવતા પણ શીખવવામાં આવ્યું હતું, જેના ઉપયોગ દ્વારા રાત્રિના સમયે વિવિધ કોન્સ્ટેલેશન અને ગ્રહોને સરળતાથી ઓળખી શકાય છે. ઉપરાંત વિદ્યાર્થીઓને સ્ટેલેરિયમ સોફ્ટવેરનો ઉપયોગ કરતા પણ શીખવવામાં આવ્યું હતું, જેના દ્વારા તેઓ કમ્પ્યુટર પર રાત્રિ આકાશનું નિરીક્ષણ કરી વિવિધ ગ્રહો, તારાઓ અને કોન્સ્ટેલેશનની ચોક્કસ સ્થિતિ વિશે સરળતાથી માહિતી મેળવી શકે છે.ઉપરાંત વિદ્યાર્થીઓને ચંદ્ર અને તેની વિવિધ કલાઓ વિશે માહિતી આપવામાં આવી હતી. કાર્યરત મોડેલ દ્વારા પૃથ્વી, ચંદ્ર અને સૂર્યની બદલાતી સ્થિતિના કારણે અમાસ, પૂર્ણિમા તથા અન્ય ચંદ્રકલાઓ કેવી રીતે સર્જાય છે તે સમજાવવામાં આવ્યું હતું.
આ “વેકેશન ક્રિએટિવ સાયન્સ કેમ્પ” દરમિયાન વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને સમગ્ર કાર્યક્રમ દરમિયાન તેમને વિજ્ઞાનને પ્રયોગાત્મક રીતે શીખવાની સુવર્ણ તક મળી હતી. કેમ્પના અંતે તમામ વિદ્યાર્થીઓને તેમની સક્રિય ભાગીદારી બદલ પ્રમાણપત્રો આપવામાં આવ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમ દ્વારા વિદ્યાર્થીઓમાં વૈજ્ઞાનિક અભિગમ, જિજ્ઞાસા અને નવીન વિચારશક્તિનો વિકાસ થયો હતો તથા તેઓને વિવિધ વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓમાંથી ઉપયોગી જ્ઞાન પ્રાપ્ત થયું હતું.
