હિન્દ ન્યુઝ, બોટાદ
ઉનાળાની તીવ્ર ગરમીમાં ભારે અને તળેલા ખોરાકનું આકર્ષણ વધે છે, પરંતુ તે મેદસ્વિતા (ઓબેસિટી) અને અન્ય આરોગ્ય સમસ્યાઓને પણ વધારે છે. આ સમયે કુદરતે આપેલા હલકા, પાણીથી ભરપૂર અને પોષક તત્વોથી સમૃદ્ધ શાકભાજી શરીર માટે ખુબ જ અગત્યના છે. આ શાકભાજીઓમાં ઉનાળાની કાળઝાળ ગરમીમાં પાણીના તત્વથી ભરપુર એવા ટીંડોરા, પરવળ, તુરીયા, કાકડી, ખીરા કાકડી અને દૂધીને રોજીંદા માનવ શરીરમાં આહારમાં મુખ્ય સ્થાન લેવા જોઈએ. આ શાકભાજી ઓછી કેલરી, વધુ ફાઈબર અને પાણીથી ભરપૂર હોય છે, જે મેદસ્વિતા નિવારવા અને વજન નિયંત્રણમાં અસરકારક સાબિત થાય છે.
આ શાકભાજીમાં ઓછી કેલરી, ઉચ્ચ પાણીનું પ્રમાણ, જે શરીરને હાઇડ્રેટેડ રાખે છે અને ભૂખને નિયંત્રિત કરે છે તથા વધુ ફાઈબર પેટ ભરેલું રાખે છે, પાચન સુધારે છે અને કેલરી ઇન્ટેક ઘટાડે છે. વિટામિન A, C, આયર્ન, મિનરલ્સ,પોટેશિયમ વગેરે માનવ શરીરમાં મેટાબોલિઝમ વધારે છે. મેદસ્વિતા નિવારવા તથા ઉનાળાની ઋતુ દરમિયાન ઓછી કેલરીવાળા આ શાકભાજી વધુ માત્રામાં ખાઈ શકાય છે વજન વધાર્યા વિના તથા ફાઈબર લાંબા સમય સુધી ભૂખ ન લાગવા દે છે, જેથી સ્નેકિંગ અને ઓવરઈટિંગ ઘટે છે. સાથોસાથ આ શાકભાજીમાં રહેલા ફાઈબર કબજિયાત દૂર કરે છે જે શરીરને હળવું રાખે છે. આ શાકભાજી ઇન્સ્યુલિન સેન્સિટિવિટી સુધારે છે અને બ્લડ સુગર નિયંત્રિત કરે છે. ઉનાળામાં પરસેવાથી પાણીની ખોટ પૂરી કરે છે અને ટોક્સિન્સ બહાર કાઢે છે.
શાકભાજીમાં ટીંડોરા ઓછી કેલરી, ઉચ્ચ ફાઈબર, વજન ઘટાડવા, બ્લડ સુગર કંટ્રોલ અને ઇમ્યુનિટી માટે ઉત્તમ છે. પરવળ ફાઈબરથી ભરપૂર, વજન નિયંત્રણ, કોલેસ્ટ્રોલ ઘટાડવા અને પાચન માટે સારું છે. તુરીયા જે ફાઈબર અને પાણીથી ભરપૂર હોય છે. તથા પેટને ઠંડક આપે છે, કબજિયાત દૂર કરે છે અને વજન ઘટાડવામાં ખુબ જ મદદરૂપ છે. તુરીયા વિટામિન A અને આયર્નથી સમૃદ્ધ હોય છે. દૂધી સૌથી ઓછી કેલરી અને ૯૨ ટકા પાણી ધરાવે છે જે જ્યુસ તરીકે પીવાથી વજન ઘટાડવા અને ડિટોક્સ માટે ખૂબ અસરકારક છે તથા હાર્ટ હેલ્થ અને હાઇડ્રેશન માટે ખુબ જ આદર્શ ગણવામાં આવે છે.
આ ઉપરાંત, ઉનાળામાં પાણીથી ભરપુર એવી કાકડી અને ખીરા કાકડીનું ભોજન સમયે સલાડ તરીકે પણ આહારમાં લેવામાં આવે છે જે માનવ શરીરના પાચન તંત્ર અને લોહીને શુધ્ધ બનાવવા ખુબ જ ગુણકારી સાબિત થાય છે.
આ શાકભાજી માત્ર વજન જ નહીં, પરંતુ એનર્જી, ઇમ્યુનિટી અને શરીરની તંદુરસ્તીમાં પણ સુધારે છે. ઉનાળાની ઋતુમાં આ શાકભાજીઓને આપણે આપણા રોજીંદા આહારમાં મુખ્ય ભાગ બનાવીએ અને મેદસ્વિતાથી દૂર રહીએ.
