આણંદ જિલ્લાના સફાઈ કામદારો અને તેમના પરિવારો માટે બેંક લોન પર વ્યાજ સહાય યોજના

હિન્દ ન્યુઝ, આણંદ

      આણંદ જિલ્લાના સફાઈ કામદારો અને તેમની પર આધારિત પરિવારના સભ્યો આર્થિક રીતે આગળ આવી શકે અને પોતાનો સ્વતંત્ર ધંધા-રોજગાર શરૂ કરી શકે તે માટે રાજ્ય સરકાર તરફથી એક મહત્વની વ્યાજ સહાય યોજના અમલમાં મૂકવામાં આવી છે.

      આ યોજના હેઠળ અલગ-અલગ હેતુઓ માટે બેંકમાંથી લીધેલી લોન પર વ્યાજમાં મોટી રાહત આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી અરજીઓ મંગાવવામાં આવી છે.

       આ યોજના હેઠળ મુખ્યત્વે ત્રણ અલગ-અલગ કામ માટે લીધેલી બેંક લોન પર વ્યાજ સહાય આપવામાં આવશે. જેમાં પ્રથમ યોજના હેઠળ, ભારતમાં કે વિદેશમાં ઉચ્ચ અભ્યાસ કરવા માટે બેંકમાંથી લીધેલી રૂપિયા ૨૫.૦૦ લાખ રૂપિયા સુધીની લોન પર ૬% લેખે વધુમાં વધુ ત્રણ વર્ષ માટે દર વર્ષે મહત્તમ રૂપિયા ૧.૫૦ લાખ સુધીની વ્યાજ સહાય મળશે.

       આ શૈક્ષણિક યોજના માટે પરિવારની કોઈ આવક મર્યાદા રાખવામાં આવી નથી, પરંતુ વિદ્યાર્થીએ ધોરણ-૧૨ માં ૫૦% કે તેથી વધુ માર્ક્સ મેળવેલા હોવા જરૂરી છે.

       બીજી યોજના હેઠળ, પોતાનો નાનો-મોટો ધંધો કે સ્વરોજગાર શરૂ કરવા માટે બેંકમાંથી લીધેલી ૧૦.૦૦ લાખ રૂપિયા સુધીની લોન પર ત્રણ વર્ષ માટે વ્યાજ સહાય આપવામાં આવશે, જેમાં પુરુષ લાભાર્થીઓને ૬% લેખે દર વર્ષે વધુમાં વધુ ૬૦ હજાર રૂપિયા અને મહિલા લાભાર્થીઓને ૭% લેખે દર વર્ષે વધુમાં વધુ ૭૦ હજાર રૂપિયાની સહાય મળવાપાત્ર થશે.

        ત્રીજી યોજના અંતર્ગત, ધંધા કે રોજગારના હેતુ માટે ગાડી કે અન્ય વાહન ખરીદવા બેંકમાંથી લીધેલી ૫.૦૦ લાખથી લઈને ૨૦.૦૦ લાખ રૂપિયા સુધીની લોન પર ૬% લેખે ત્રણ વર્ષ માટે દર વર્ષે વધુમાં વધુ ૧.૨૦ લાખ રૂપિયાની વ્યાજ સહાય આપવામાં આવશે. આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ગુજરાતના વતની હોવા જોઈએ અને સફાઈ કામદાર અથવા તેમના પરિવારના સભ્ય હોવા જરૂરી છે. ધંધા માટેની અને વાહન ખરીદવાની યોજના માટે લાભાર્થીની ઉંમર ૨૧ થી ૫૦ વર્ષની વચ્ચે હોવી જોઈએ અને આ બંને યોજનાઓમાં પણ પરિવારની કોઈ વાર્ષિક આવક મર્યાદા નડશે નહીં. વાહન લોન યોજના હેઠળ ખરીદેલું વાહન આગામી પાંચ વર્ષ સુધી વેચી શકાશે નહીં અને આ વાહનનું રજીસ્ટ્રેશન આર.ટી.ઓ.માં ધંધા રોજગાર માટે ખરીદેલ વાહન એટલે કે ટેક્સી, મેક્સી કે ટ્રાન્સપોર્ટ વાહન તરીકે કરાવવાનું રહેશે તેમજ તેની આર.સી. બુકની પ્રમાણિત નકલ નિગમમાં જમા કરાવવાની રહેશે.

        આ સાથે જ, ગુજરાત સફાઈ કામદાર વિકાસ નિગમની અન્ય કોઈ પણ યોજના અથવા આ વ્યાજ સહાય યોજના — આ બંનેમાંથી કોઈ પણ એક જ યોજનાનો લાભ લાભાર્થી મેળવી શકશે. લોન મેળવ્યા બાદ લાભાર્થીએ બેંકના સહી-સિક્કાવાળો પુરાવો અને વર્ષ દરમિયાન લોનના હપ્તા તેમજ વ્યાજ ભર્યાની વિગતો નિગમમાં રજૂ કરવાની રહેશે અને આ સહાયની રકમ સીધી જ લાભાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે.

        આ તમામ યોજનાઓનો લાભ લેવા માંગતા ઈચ્છુક અરજદારોએ નિયત ફોર્મ જિલ્લા નાયબ નિયામક, અનુસૂચિત જાતિ કલ્યાણની કચેરી, જુના સેવા સદન, બીજો માળ, રૂમ નંબર 229, બોરસદ ચોકડી પાસે આણંદ ખાતેથી મેળવીને રૂબરૂ કે ટપાલ દ્વારા ઓફલાઈન જમા કરાવવા જણાવવામાં આવ્યું છે.

Related posts

Leave a Comment