હિન્દ ન્યુઝ, સુરત
તમામ જિલ્લાઓમાં રાસાયણિક ખાતરો યુરિયા અને ડી.એ.પી.નો કાર્યક્ષમ અને કરકસરયુક્ત વપરાશ થાય તે માટે ખાસ એક મહિના માટે જનજાગૃતિ અભિયાનનો આજરોજ સુરત જિલ્લાના ૪૪ ગામોમાં પ્રારંભ કરવામાં આવ્યું છે. જેમાં વૈકલ્પિક ખાતરો જેવા કે, એસ.એસ.પી. ખાતરો, એન.પી. કે કોમ્પ્લેક્ષ ખાતરો, નેનો યુરિયા, નેનો ડી.એ.પી, બાયો ફર્ટીલાઈઝર્સ, સેન્દ્રીય ખાતરો, વર્મી કમ્પોસ્ટ, જીવામૃત, ધન જીવામૃતનો વધુ ઉપયોગ કરતા થાય તે માટે ખેડૂતોને જાગૃત કરવામાં આવશે. આ ખાસ અભિયાનમાં ખેડૂતો ફાર્મર રજીસ્ટ્રી, સોઈલ હેલ્પ કાર્ડ, PM કિસાન યોજના હેઠળ E-KYC પણ કરાવી શકશે.
ખરીફ- ૨૦૨૬ની સીઝન માટે ખાતરોની પર્યાપ્ત ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને તેના દુરુપયોગને અટકાવવા ભારત સરકારના નિર્દેશોનુસાર રાજય સરકાર દ્વારા ખાતરોના અસામાન્ય વેચાણ અને કાળાબજાર જેવી ગેરરીતિઓ ડામવા તેમજ ખેડૂતોમાં વૈકલ્પિક ખાતરો પ્રત્યે જાગૃતિ લાવવા માટે રાજ્યમાં સઘન IEC (માહિતી, એજયુકેશન, કમ્યુનિકેશન) પ્રવૃતિઓ હાથ ધરવા અને તેના મોનિટરિંગ માટે જરૂરી આયોજન હાથ ધરવામાં આવ્યું છે તેમ સુરત જીલ્લા ખેતીવાડી અધિકારીની યાદીમાં જણાવાયું છે.
