હિન્દ ન્યુઝ, સુરત
સુરત જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક નિવાસી અધિક કલેકટર વિજય રબારીના અધ્યક્ષસ્થાને યોજાઈ હતી.
જિલ્લા કલેકટર કચેરીના સભાખંડમાં યોજાયેલી બેઠકમાં નિવાસી અધિક કલેકટરએ પદાધિકારીઓ દ્વારા રજુ થયેલા પ્રશ્નો બાબતે ગંભીરતાપુર્વક ધ્યાને લઈને નિરાકરણ માટેની કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું.
બેઠકમાં ધારાસભ્ય સંદિપ દેસાઈએ રજુઆત કરતા જણાવ્યું હતું કે, જીઆઈડીસીમાં ૨૦૨૧માં ભાટપોર ખાતે પોલીસ ભવનના નિર્માણ માટે જમીનની ફાળવણી કરવામાં આવી હતી. જેના નિર્માણ કાર્યનો ખર્ચ નિર્દિષ્ટ વિસ્તારના અનુદાનમાંથી કરવામાં આવશે. સુદ્દઢ કાયદો અને વ્યવસ્થા જાળવવા, સલામતી અને સુરક્ષાના કારણોસર આ ભાટપોર ખાતે નિર્માણ થનારા પોલીસ ભવનમાં નાયબ પો. કમિશનર, મદદનીશ પો.કમિશનર, નાયબ પો. કમિશનર – ટ્રાફિક, મદદનીશ પો. કમિશનર- ટ્રાફિક, પોલીસ ઇન્સ્પેકટર ટ્રાફિકની કચેરીનો સમાવેશ કરવાની રજુઆત કરી હતી. આ ઉપરાંત તેમણે નિર્દિષ્ટ વિસ્તારમાં સમાવિષ્ટ ગામો/વિસ્તારના સ્થાનિક નાગરિકો કામકાજ થી તેમજ વિદ્યાર્થીઓ શાળા છૂટ્યા બાદ પરત ઘરે જતા હોય સ્થાનિક પરિવહનને અડચણ વિના જઈ શકે તેમજ ગંભીર અકસ્માતને ટાળવા માટે સ્થાનિક ગામો/વિસ્તારને લાગુ રાષ્ટ્રીય ધોરીમાર્ગ, રાજ્ય ધોરીમાર્ગ પર સમય સાંજના ૫.૧૫ થી ૬.૪૫ સુધી ભારે વાહનોની અવર જવર પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવવાની રજુઆત સંદર્ભે પોલીસ અધિકારીએ આગામી સમયમાં જાહેરનામું પ્રસિધ્ધ કરવામાં આવનાર હોવાની વિગતો આપી હતી. આ ઉપરાંત તેમણે રાષ્ટ્રીય ધોરીમાર્ગ / રાજ્ય ધોરીમાર્ગ પર ઇચ્છાપોર થી હજીરા તેમજ ઇચ્છાપોર થી ભેંસાણ સુધીના ભાગમાં સર્વિસ રોડ પર વાહનો ગેરકાયદેસર રીતે ઘણા લાંબા સમયગાળા થી પડ્યા રહેતા હોઈ દૂર કરવાની રજુઆત કરીને વાહનોના પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવા જણાવ્યું હતું. આ ઉપરાંત ખજોદ વિસ્તારમાં ગેરકાયદેસર રીતે બોરીંગ કરીને પાણી ખેચવામાં આવે છે જે અંગે યોગ્ય કાર્યવાહી હાથ ધરવા જણાવ્યું હતું.
