કલેક્ટર આનંદ પટેલની સરાહનીય કામગીરી : કચ્છની વિવિધ સરકારી કચેરીઓને વ્યાપક સ્તરે સરકારી જમીનની ફાળવણી કરાઇ

હિન્દ ન્યુઝ, ભુજ

    કચ્છ વિકાસની હરણફાળ ભરી રહ્યું છે ત્યારે આ વિકાસને ગતિ મળે તે માટે વિવિધ હેતુ અર્થે સરકારી વિભાગ તથા સરકારી સંસ્થાઓ દ્વારા કરાયેલી જમીન ફાળવણીની માંગણીને કલેક્ટર આનંદ પટેલે દૂંરદેશી તથા હકારાત્મક અભિગમ સાથે ઐતિહાસિક નિર્ણય લઇને એક સાથે ૫૬ સરકારી જમીન ફાળવણી તથા ઇન્ટીમેશન પત્રના હુકમ મંજૂર કરતા જિલ્લામાં લોકસેવાના અનેક કામોને વેગ મળશે. 

ખાસ ઝુંબેશના ભાગરૂપે એકમાસના ટૂંકા ગાળામાં જરૂરી તમામ પ્રક્રિયા આટોપીને આજે સરકારના વિવિધ વિભાગના વડાઓને ૫૬ જમીન ફાળવણીના હુકમ તથા ઇન્ટીમેશન પત્ર વિતરણ હેઠળ કુલ ૨૬,૭૨,૪૯૮ ચો.મી જમીનની ફાળવણી કરાઇ હતી. 

આ પ્રસંગે કચ્છ કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતું કે, કચ્છ સતત વિકાસ તરફ આગળ વધી રહ્યો છે ત્યારે સરકારના વિભાગ તથા અન્ય સંસ્થાઓ કે જેઓને લોકસેવાના કામ માટે જમીનની જરૂરીયાત છે તે પૂર્ણ કરાય તે જરૂરી છે. જેથી વિભાગો પોતાની કામગીરી વધુ સુગમતા અને સુવિધા સાથે કરી શકે તેમજ નાગરિકોને પણ સુવિધા પ્રાપ્ત થાય. આ જ હેતુને પૂર્ણ કરવા જેટલી પણ સરકારી કચેરીઓ દ્વારા જમીન ફાળવણીની માંગણીઓ હતી તેને પ્રાથમિકતા આપીને એક માસના ટુંકા ગાળામાં તમામ મહેસુલી પ્રક્રિયા પૂર્ણ કરીને હુકમો કરવામાં આવ્યા છે. જેમાં કુલ ૫૬ જમીન ફાળવણીના હુકમો હેઠળ ૨૬,૭૨,૪૯૮ ચો.મી જમીન ફાળવવામાં આવી છે. 

  આ પ્રસંગે નિવાસી અધિક કલેક્ટર ડી.પી.ચૌહાણે જણાવ્યું હતું કે, કચ્છમાં વિકાસની પ્રક્રિયા વચ્ચે સરકારી કચેરીઓની જમીનની જરૂરીયાત સંતોષતા હવે વિકાસની પ્રવૃત્તિ વધુ ઉન્નત બનશે. વિવિધ વિભાગોને જમીન ફાળવાતા જિલ્લાભરમાં આવાસ, કચેરી, કોલેજ, શાળાના મકાન-મેદાન, પોલીસ સ્ટેશન, ફાયર સ્ટેશન, પાણી પુરવઠા યોજના, બી.ઓ.પી લીંક રોડ, આઉટ પોસ્ટ, સબ સ્ટેશન સહિત અનેક સુવિધા ઉપલબ્ધ બનશે. 

  જે ૫૬ સરકારી જમીન ફાળવણીના હુકમ તથા ઇન્ટીમેશન પત્ર વિતરણ કરાયા તેમાં મુખ્યત્વે પ્રિન્સીપાલ ડીસ્ટ્રીક્ટ જજ ભુજ, પૂર્વ કચ્છ પોલીસ વિભાગ, જિલ્લા આયુર્વેદ વિભાગ, સરકારી વાણિજ્ય અને વિનયન કોલેજ, જિલ્લા શિક્ષણાધિકારી કચેરી, માર્ગ-મકાન(રાજ્ય), ક્ષાર અંકુશ વિભાગ, નિયામકશ્રી ન્યાય સહાયક વિજ્ઞાન, નખત્રાણા-મુંદરા-માંડવી તથા ભચાઉ નગર પાલિકા, બી.એસ.એફ(૧૦૨,૫૯,૧૫૭)મી બટાલિયન, બી.એસ.એફ વોટર વિંગ, બી.એસ.એફ, ગુજરાત ખનીજ વિકાસ નિગમ લી, ગુજરાત પાણી પુરવઠા અને ગટર વ્યવસ્થા બોર્ડ, જળ સંપત્તિ સંશોધન વિભાગ, ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશન લી.અંજાર સહિતના વિભાગનો સમાવેશ થાય છે.

Related posts

Leave a Comment