હિન્દ ન્યુઝ, બોટાદ
બોટાદમાં હાલમાં વધી રહેલા તાપમાન અને આગામી દિવસોમાં હીટવેવ (લૂ)ની શક્યતાઓને ધ્યાનમાં રાખીને બોટાદ જિલ્લા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ દ્વારા જાહેર જનતા માટે સાવચેતીના પગલાં લેવા અપીલ કરવામાં આવી છે. ખાસ કરીને બાળકો, વૃધ્ધો, સગર્ભા મહિલાઓ અને મજૂરોને વિશેષ કાળજી રાખવા જણાવાયું છે.
લૂ (સનસ્ટ્રોક) થી બચવા માટે શું કરવું?
૧.પુષ્કળ પાણી પીવો: તરસ ન લાગી હોય તો પણ દિવસ દરમિયાન વારંવાર પાણી, છાશ, લીંબુ પાણી, ઓ.આર.એસ (ORS) અથવા નારિયેળ પાણી જેવા પ્રવાહી લેતા રહેવું જોઈએ. ઉનાળામાં હળવા રંગના, ખુલતા અને સુતરાઉ કપડાં પહેરવા જોઈએ. આ સમયે બહાર નીકળતી વખતે માથું ઢાંકી રાખવું અથવા છત્રી/ટોપીનો ઉપયોગ કરવો જોઈએ. બપોરના ૧૨:૦૦ વાગ્યાથી ૦૪:૦૦ના સમયગાળામાં બિનજરૂરી બહાર નીકળવાનું ટાળવું જોઈએ. કામકાજ શક્ય હોય તો વહેલી સવારે અથવા સાંજના ઠંડા સમયે પતાવવા જોઈએ. હળવો અને તાજો ખોરાક લેવો તથા લાંબો સમય ખુલ્લામાં રહેલા ખોરાકનો ત્યાગ કરવો.
લૂ લાગવાના લક્ષણો આ મુજબ છે : જેમાં વ્યક્તિને ખૂબ તરસ લાગવી, માથામાં દુખાવો, ચક્કર આવવા, ઉબકા કે ઉલટી થવી, સ્નાયુઓમાં દુ:ખાવો અથવા શરીરનું તાપમાન વધી જવું સહિતના લૂ લાગવાના લક્ષણો હોઈ શકે છે. આ સમયે તાકીદની સૂચનાઓ આ મુજબ છે. જો કોઈ વ્યક્તિને લૂ લાગે, તો તેને તાત્કાલિક છાંયડામાં અથવા ઠંડી જગ્યાએ લઈ જવી અને શરીર પર ભીના કપડાં મૂકવા જોઈએ. ગંભીર પરિસ્થિતિમાં વિલંબ કર્યા વગર નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવો અથવા ૧૦૮ એમ્બ્યુલન્સ સેવાની મદદ લેવી જોઈએ. પશુ-પક્ષીઓ માટે પણ પીવાના પાણીની વ્યવસ્થા કરવી અને તેમને સીધા તડકાથી બચાવવા જોઈએ. જે જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા તમામ નાગરિકોને આ માર્ગદર્શિકાનું ચુસ્તપણે પાલન કરવા અને ગરમીથી સુરક્ષિત રહેવા અનુરોધ કરવામાં આવે છે. તેમ જિલ્લા આરોગ્ય વિભાગ, બોટાદના મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી બોટાદની યાદીમાં જણાવાયું છે.
