હિન્દ ન્યુઝ, બોટાદ
ભારતની સર્વોચ્ચ અદાલત દ્વારા ન્યાય પ્રણાલીને વધુ વ્યાપક અને લોકાભિમુખ બનાવવાના હેતુથી ‘સમાધાન સમારોહ-૨૦૨૬’ (વિશેષ લોક અદાલત)નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે. આ વિશેષ ઝુંબેશનો પ્રારંભ તા.૨૧ એપ્રિલ, ૨૦૨૬થી થઈ ચૂક્યો છે, જેનું સમાપન આગામી તા.૨૧, ૨૨ અને ૨૩ ઓગસ્ટ, ૨૦૨૬ના રોજ સુપ્રીમ કોર્ટના પરિસરમાં યોજાનારી વિશેષ લોક અદાલત સાથે થશે.
આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય પક્ષકારો વચ્ચે પરસ્પર સંમતિ અને સૌહાર્દપૂર્ણ વાતાવરણમાં લાંબા સમયથી ચાલતા વિવાદોનું કાયમી નિરાકરણ લાવવાનો છે. આ પ્રક્રિયામાં પક્ષકારો સુપ્રીમ કોર્ટમાં રૂબરૂ હાજર રહીને અથવા ઓનલાઇન પ્લેટફોર્મ (વર્ચ્યુઅલ) માધ્યમથી જોડાઈને પોતાના કેસનું સમાધાન કરી શકે તેવી સુવિધા પણ આપવામાં આવી છે.
આ રાષ્ટ્રીય કક્ષાના આયોજનના ભાગરૂપે બોટાદ જિલ્લાના જે પક્ષકારોના કેસો સુપ્રીમ કોર્ટમાં પડતર હોય, તેમને આ પ્રક્રિયામાં સામેલ કરવા માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શન હેઠળ, બોટાદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા આવા કેસો માટે ‘પ્રિ-લોક અદાલત કન્સીલીએશન’ બેઠકોનું આયોજન કરવામાં આવશે. જે પક્ષકારોના કેસ આ સમારોહ માટે યોગ્ય જણાયા છે, તેમને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ, બોટાદ (એ.ડી.આર. સેન્ટર)ના મધ્યસ્થતા કેન્દ્ર ખાતે નિયત સમયે ઉપસ્થિત રહી પૂર્વ-સમાધાનની પ્રક્રિયામાં ભાગ લેવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે.
આ વિશેષ લોક અદાલતમાં ભાગ લેવા ઈચ્છતા પક્ષકારો અથવા તેમના વકીલોએ તારીખ ૩૧ મે, ૨૦૨૬ સુધીમાં નિર્ધારિત ગૂગલ ફોર્મ (https://forms.gle/jqxelqF4BCWzukoP6) ભરીને પોતાની નોંધણી કરાવવાની રહેશે. વધુ માહિતી કે ટેકનિકલ સહાય માટે પક્ષકારો સુપ્રીમ કોર્ટના હેલ્પલાઇન નં. ૦૧૧-૨૩૧૧૨૪૨૮ અથવા બોટાદ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની કચેરીનો સંપર્ક કરી શકે છે. બોટાદ જિલ્લાના તમામ હિતધારકો અને અરજદારોને આ તકનો મહત્તમ લાભ લઈ વર્ષો જૂના કાયદાકીય વિવાદોમાંથી મુક્તિ મેળવવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા જાહેર અપીલ કરવામાં આવી છે.
