હિન્દ ન્યુઝ, ભાવનગર
ભાવનગર જિલ્લાના તમામ ખેડૂતોને આગામી ચોમાસુ સીઝન માટે જરૂરી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરતી વખતે રાખવાની થતી કાળજી અંગે જણાવવાનું કે, બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી માત્ર અધિકૃત લાયસન્સ/પરવાનો ધરાવતી સહકારી મંડળીઓ, સરકારી સંસ્થાઓ અથવા ખાનગી વિક્રેતા પાસેથી જ ખરીદી કરવાનો આગ્રહ રાખવો.
કોઇ પણ સંજોગોમાં લાયસન્સ/પરવાનો ધરાવતા ન હોય તેવી વ્યક્તિઓ, પેઢીઓ કે ફેરીયાઓ પાસેથી ક્યારેય પણ ખેતી માટે જરૂરી બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી કરવી નહી. જેથી, છેતરપીંડીથી બચી શકાય.
બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓની ખરીદી સમયે વેપારી પાસેથી તેનું લાયસન્સ નંબર, પુરુ નામ, સરનામું, ખરીદેલ ઇનપુટનું નામ, લોટ નંબર વિગેરે વિગત દર્શાવતું પાકુ બીલ સહી સાથે અવશ્ય લેવું. કોઈ પણ સંજોગોમાં મુદત પૂરી થયેલ હોય તેવા ઇનપુટોની ખરીદી કરવી નહી. હંમેશા વૈજ્ઞાનિક ભલામણ મુજબનાં જથ્થામાં જ બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનો ઉપયોગ કરવો. અને અધિકૃત અથવા ભળતા નામના અમાન્ય બિયારણ, ખાતર તથા જંતુનાશક દવાઓનું વેચાણ થતુ હોવાનું જો ધ્યાને આવે તો તાત્કાલિક સંબંધિત ખેતીવાડી અધિકારી અથવા જિલ્લાના નાયબ ખેતી નિયામક (વિસ્તરણ)ને તુરંત જાણ કરવી તેમ નાયબ ખેતી નિયામક (વિ.) ની યાદીમાં જણાવાયું છે.
