ગાય આધારિત પ્રાકૃતિક ખેતી મનુષ્ય અને પ્રકૃતિ બંને માટે વરદાનરૂપ છે : રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી

હિન્દ ન્યુઝ, ભુજ 

    રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજીએ કોડકી ગામની શાળાના ઓરડામાં રાત્રિ રોકાણ કરીને સવારે ભુજ તાલુકાના કોડકી અને નારાણપર (પસાયતી) ગામના બે પ્રગતિશીલ ખેડૂતના પ્રાકૃતિક ફાર્મની મુલાકાત લીધી હતી, અહીં તેમણે આસપાસના ગામોના પ્રાકૃતિક ખેતી કરતા ૧૦૦ જેટલા ખેડૂતો સાથે વાર્તાલાપ કર્યો હતો. આ સાથે કોડકી ગામની વાડીમાં જાતે ગાય દોહી અને બળદગાડું પણ ચલાવ્યું હતું. 

રાજ્યપાલએ પ્રથમ ખેડૂત જાદવાભાઇ શિયાણીના ફાર્મમાં ગાયને દોહીને પોતાના જુના દિવસોના સંસ્મરણો તાજા કર્યા હતા તેમજ જાતે હળ ચલાવીને જમીન પર ખેડી હતી. તેમણે આ પ્રસંગે જાદવાભાઈ તથા તેમના પુત્ર ખીમજીભાઇને ગાયને જીવાતથી રક્ષણ આપવા માર્ગદર્શન પણ આપ્યું હતું. 

રાજ્યપાલએ ત્યારબાદ નારાણપર (પસાયતી) ગામના અન્ય ખેડૂત અરવિંદભાઈ સેંઘાણીના પ્રાકૃતિક મોડેલ ફાર્મની મુલાકાત લઇને પ્રાકૃતિક ખેતીની સરાહના કરતા અહીં ૧૦૦થી વધુ ખેડૂતો સાથે આત્મીય સંવાદ પણ કર્યો હતો. 

રાજ્યપાલએ ધરતીપુત્રોને સલાહ આપતા જણાવ્યું હતું કે, આજના સમયમાં જ્યારે જતુંનાશક દવા અને રાસાયણિક ખાતરથી ધરતીની બુરી વલે થઇ છે, ઉત્પાદન ઘટ્યું છે અને તેને આરોગવાથી રોગ વધ્યા છે ત્યારે પ્રાકૃતિક ખેતી ન માત્ર ધરતી પરંતુ મનુષ્યોના સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. 

રાજ્યપાલએ આ પ્રસંગે રાસાયણિક ખેતી કરતા ખેડૂતોને ઓછામાં ઓછું એક એકર જમીનથી પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરવા સંકલ્પબદ્ધ થવા અનુરોધ કર્યો હતો. આ સાથે જ પ્રાકૃતિક ખેતી કઈ રીતે કરવી તે માટે જરૂરી જીવામૃત અને ઘન જીવામૃત કઈ રીતે બનાવવું તે સ્થળ પર બનાવીને દર્શાવ્યું હતું. 

ખેતીમાં જીવામૃત અને ઘન જીવામૃત કઈ રીતે ફાયદો કરે છે, તે અંગે ફાર્મની મુલાકાત વેળાએ ખેડૂતોને ઉદાહરણ સાથે સમજ આપી હતી.

રાજ્યપાલએ ગાય આધારિત પ્રાકૃતિક ખેતીની મહત્તા વર્ણવીને ગોબરમાં કેટલા સુક્ષ્મ જીવાણું હોય છે અને તે કઈ રીતે બંજર જમીનને ફળદ્રુપ કરે છે અને ધરતીનો ઓર્ગેનિક કાર્બન વધારે છે તે અંગે માહિતી સાથે તેના ઉપયોગ અંગે માર્ગદર્શન આપ્યું હતું. તેમણે ઉમેર્યું હતું કે, ધરતી છોડનું રસોડું છે, તેમાં તમામ ખનીજ ઉપલબ્ધ છે તેને ચેતનવંત કરવા અળસિયા તથા સુક્ષ્મ જીવાણુંની જરૂરિયાત છે.આ સુક્ષ્મ જીવાણું જીવામૃત અને ઘન જીવામૃતથી ઉપલબ્ધ બને છે. 

નારાણપર (પસાયતી)ના ફાર્મની મુલાકાત વેળાએ રાજ્યપાલએ ગૌ શાળા સાથે વાડીમાં વિવિધ પાકનું નિરીક્ષણ કરીને ગ્રામજનો, પ્રાકૃતિક ખેતી કરતા અન્ય ખેડૂતોને માર્ગદર્શન આપ્યું હતું. ગંભીર બીમારી લાવતી રાસાયણિક ખેતી ને ત્યજીને પ્રાકૃતિક ખેતી તરફ વળવા અનુરોધ કર્યો હતો. આ સાથે જ સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા કચ્છમાં પ્રાકૃતિક ખેતી અભિયાનને વેગવંતુ બનાવવા કરવામાં આવતા પ્રયાસોને બિરદાવ્યા હતા. 

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી ઉત્સવ ગૌતમ, પશ્ચિમ કચ્છ પોલીસ અધિક્ષક વિકાસ સુંડા, પ્રાંત અધિકારી અનિલ જાદવ, ડીઆરડીએના ડાયરેક્ટર નિકુંજ પરીખ, ખેતીવાડી વિભાગના અધિકારીઓ, વિવિધ વિભાગના અધિકારીઓ, સરપંચ, પંચાયતના સભ્યો સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતાં.

Related posts

Leave a Comment